May 21, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1137

 

અધ્યાય-૧૪૦-રાજેન્દ્ર અલંબુષનો વધ 


II धृतराष्ट्र उवाच II अहन्यहनि मे दीप्तं यशः पतति संजय I हता मे वहवो योधा मन्ये कालस्य पर्ययम II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,દિવસે દિવસે મારો ઉજ્જવળ યશ નાશ પામતો જાય છે ને મારા ઘણા યોદ્ધાઓ માર્યા ગયા છે આથી હું માનું છું કે મારો કાળ પલટાયો છે.અશ્વત્થામા ને કર્ણના રક્ષણ તળે રહેલા અને દેવોને પણ દુર્ગમ એવા મારા સૈન્યમાં અર્જુન,સાત્યકિ ને ભીમ પેસી ગયા છે.તેમના પરાક્રમને વૃદ્ધિ પામતું હું સાંભળું છું ત્યારે શોકાગ્નિ મને બાળી રહ્યો છે.જયદ્રથ સહીત સર્વ રાજાઓને હું કાળથી ગ્રસિત થયેલા જ જોઉં છું.હવે આગળ થયેલા યુદ્ધનું  તું મને યથાર્થ કહી સંભળાવ.

સંજય બોલ્યો-કર્ણથી પીડાઈને ભીમસેન જયારે પ્રયાણ કરી જતો હતો ત્યારે શિનીવીર સાત્યકિ તેના પાછળ જવા લાગ્યો.ગર્જના કરતો તે પોતાના દૃઢ ધનુષ્યથી શત્રુઓનો સંહાર કરવા લાગ્યો ને શત્રુઓને કંપાવવા લાગ્યો,ત્યારે તેને કોઈ રથી યોદ્ધાઓ અટકાવી શક્યા નહોતા.પરંતુ તે વખતે ધનુર્ધર રાજેન્દ્ર અલંબુષ,સાત્યકિને જોઈને ક્રોધિત થઇ ગયો અને તેના સામે આવીને તેને આગળ જતો અટકાવવા લાગ્યો.તે વખતે તે બંને વચ્ચે પૂર્વે કદી નહિ થયેલો પરસ્પરનો પ્રહાર ચાલુ થયો.સર્વ યોદ્ધાઓ તે બંનેના યુદ્ધને પ્રેક્ષક બનીને જોઈ રહ્યા હતા.


રાજશ્રેષ્ઠ અલંબુષે સાત્યકિ પર દશ બાણોનો પ્રહાર કર્યો,પણ સાત્યકિએ તેનાં બાણો પોતાની નજીક આવે તે પહેલાં જ વચમાં જ કાપી નાખ્યાં.શ્રીકૃષ્ણ સમાન પ્રભાવવાળા તે શિનીકુમારે ઉત્તમ વેગવાળાં ચાર બાણો છોડીને અલંબુષના ઘોડાઓને મારી નાખીને એક એક ભલ્લ બાણ મૂકીને સારથિના ને અલંબુષના મસ્તકને ધડથી જુદું કરી નાખ્યું.એ પ્રમાણે વીર સાત્યકિએ એ રાજપુત્ર અને રાજપૌત્ર અલંબુષનો વધ કરીને તામર સૈન્યોનું વારણ કરીને અર્જુનની પાછળ જ જવા લાગ્યો.એ સાત્યકિને પોતાની પાછળ આવેલો જોઈને અર્જુનને આનંદ થયો.


સિંધુદેશમાં જન્મેલા ઉત્તમ ઘોડાઓ,સાત્યકિ જ્યાં જ્યાં જવા ઈચ્છતો ત્યાં તેને લઇ જતા હતા.તે વખતે તમારા બધા પુત્રો અને તમારા પક્ષના બીજા યોદ્ધાઓ,દુઃશાસનને આગળ કરીને સાત્યકિ સામે ચડી આવ્યા ને તેને આગળ વધતો અટકાવવા લાગ્યા.

તે યોદ્ધાઓએ સાત્યકિને ચારે બાજુથી ઘેરી લીધો ને તેના પર બાણોનો પ્રહાર કરીને તેને ઢાંકી દેવા લાગ્યા.ત્યારે સાત્યકિ સામે બાણોની જાણ કરીને તેમને અટકાવી રહ્યો હતો.પછી સાત્યકિએ તીક્ષ્ણ બાણોથી સામે આવેલા દુ:શાસનના ઘોડાઓને મારી નાખ્યા ને સિંહનાદ કર્યો.સાત્યકિને આવેલો જોઈને શ્રીકૃષ્ણ અને અર્જુન બહુ હર્ષ પામ્યા.

અધ્યાય-140-સમાપ્ત