May 20, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1136

 

પછી,કોપેલા ભીમસેને છોડેલાં બાણોનું સામે વારણ કરીને,કર્ણે મજબૂત ગાંઠાવાળાં કેટલાંક બાણો છોડીને,ભીમસેનના ધનુષ્યની દોરીને,ભાથાઓને,ઘોડાઓની લગામને જોતજોતામાં કાપી નાખીને તેના ઘોડાઓને પણ મારી નાખ્યા ને તેના સારથિને વીંધી નાખ્યો ત્યારે સારથિ ત્યાંથી ખસી જઈને એકદમ યુધામન્યુનાં રથ તરફ ચાલ્યો ગયો.ધનુષ્ય રહિત થયેલા ભીમસેને રથશક્તિ ગ્રહણ કરીને કર્ણના રથ સામે ફેંકી.કે જેને કર્ણે અધવચ્ચે જ તોડી પાડી.હવે ભીમસેને ઢાલ તલવાર હાથમાં લીધી.કર્ણે તે ઢાલના ટુકડા કરી દીધા એટલે ભીમે,તાકીને કર્ણના રથ સામે તલવાર ફેંકી,કે જેણે કર્ણના ધનુષ્યને કાપી નાખ્યું.

તરત જ કર્ણે નવું ધનુષ્ય લઈને,હજારો બાણો છોડ્યાં કે જેનાથી ઘવાયેલો ભીમ આકાશમાર્ગે કૂદ્યો.ભીમસેનનું એ કૌશલ્ય જોઈને કરીને કર્ણે પોતાના અંગોનો સંકોચ કરીને રથમાં છુપાઈ જઈને ભીમને છેતર્યો.ભીમસેન તેના રથની નજીક આવીને કર્ણને બહાર ખેંચી નાખવા ઈચ્છતો હતો,તે વેળા ભીમસેન ધનુષ્ય અને રથ વિનાનો થઇ ગયો હતો છતાં ક્ષાત્રધર્મનું એણે બરોબર પાલન કર્યું હતું.કર્ણ જયારે ભીમ સામે ઉપસ્થિત થયો ત્યારે તે બન્ને યોદ્ધાઓ સામસામે આવીને ગર્જનાઓ કરીને યુદ્ધ માટે ધસ્યા.ભીમસેન પાસે શસ્ત્રો ખૂટી પડ્યાં હતાં,એટલે તે કર્ણના રથના માર્ગનો અટકાવ કરવા માટે અગાઉ અર્જુને મારેલા હાથીઓના ઢગ વચ્ચે પેસી ગયો.ને કર્ણ સામે પ્રહાર કરવા એક હાથીને ઉચક્યો,પણ કર્ણે તે હાથીને બાણોથી કાપી નાખ્યો.


ત્યારે ભીમસેને,જમીન પર પડેલા રથના ચક્રો,મરણ પામેલા ઘોડાઓ,હાથીઓ વગેરે જે પણ હાથમાં આવ્યું તે કર્ણ સામે ફેંકવા માંડ્યું.પણ અર્જુને તે સર્વ પદાર્થોને કાપી નાખવા માંડ્યા.હવે ભીમસેને વજ્ર સરખી દારુણ મુઠ્ઠી ઉગામીને કર્ણને મારી નાખવાની ઈચ્છા કરી ત્યારે તેને અર્જુનનું સ્મરણ થયું.કર્ણને મારવાની અર્જુને કરેલી પ્રતિજ્ઞાનું રક્ષણ કરવા તેણે કર્ણને માર્યો નહિ.સામે કર્ણે,ભીમસેન પર ઉપરાઉપરી તીક્ષ્ણ બાણો મૂકીને તેને મૂર્છિત કરી દીધો,પણ કુંતીને આપેલા વચનનું સ્મરણ કરીને તેને માર્યો નહિ.પણ તેની પાસે જઈને ધનુષ્યનાં અગ્ર ભાગથી તેનો સ્પર્શ કર્યો.કે જે સ્પર્શથી ભીમ ફૂંફાડો મારીને જાગી ગયો ને કર્ણના હાથનું ધનુષ્ય છીનવી લઈને તેના મસ્તક પર પ્રહાર કર્યો.


ત્યારે કર્ણ હસતાં હસતાં ભીમસેનને કહેવા લાગ્યો કે-'અરે,ઓ ભીમ,તારે જો યુદ્ધ કરવું હોય તો બીજાઓની સાથે યુદ્ધ કર,મારા જેવાઓની સાથે તું યુદ્ધ કરીશ નહિ,કારણકે મારા જેવાઓની સાથે લડનારની આવી અથવા આનાથી પણ માઠી દશા થાય છે.તું અર્જુન પાસે ચાલ્યો જા,તે તારું રક્ષણ કરશે કે તું ઘેર જ ચાલ્યો જા,તારા જેવા બાળકને આ યુદ્ધ કરવાથી શું ફળ છે?' આમ કહી કર્ણે ભીમસેનને,કુમારાવસ્થામાં જે જે બન્યાં હતાં તે તે કઠોર અપ્રિયો કહી સંભળાવ્યાં.તેનાં દારુણ વચનો સાંભળીને ભીમસેન બોલ્યો-'અરે ઓ દુષ્ટ,મેં તને વારંવાર હરાવ્યો છે એમ છતાં વ્યર્થ બડાઈ શા માટે મારે છે?તું મારી સાથે મલ્લ્યુદ્ધ કર,મેં જેમ કીચકને માર્યો હતો તેમ આ સર્વની સમક્ષ તને મારી નાખીશ'


ત્યારે કર્ણ ભીમસેનના નિશ્ચયને સમજીને ત્યાંથી ખસી ગયો.ત્યારે શ્રીકૃષ્ણના કહેવાથી અર્જુને,કર્ણને ઉદ્દેશીની તેની સામે નારાચ બાણ મૂક્યું.તે સમયે અશ્વત્થામાએ વચ્ચે આવીને અર્જુનના બાણને વચમાં જ કાપી નાખી કર્ણને બચાવી લીધો હતો.અશ્વત્થામા પોતાના સૈન્ય સાથે અર્જુન સામે આવ્યો ત્યારે અર્જુને અસંખ્ય બાણો મૂકીને તેના સૈન્યમાં ત્રાસ વર્તાવી દીધો.અર્જુનના બાણોએ મનુષ્યો,હાથીઓ,ઘોડાઓના શરીરોને ચીરી નાખ્યા ને તે સૈન્યને છિન્નભિન્ન કરી નાખ્યું.(125)

અધ્યાય-139-સમાપ્ત