અધ્યાય-૧૩૯-ભીમસેન કર્ણની ભયંકર ઝપાઝપી
II संजय उवाच II ततः कर्णो महाराज भीमं विध्वा त्रिभिः शरैः I मुमोच शरवर्षाणि विचित्राणि बहूनि च II १ II
સંજય બોલ્યો-પછી,હે મહારાજ,કર્ણે ભીમસેનને ત્રણ બાણોથી વીંધ્યો અને અનેક વિચિત્ર બાણોની વૃષ્ટિ છોડવા માંડી.તેમ છતાં,ભીમ જરાયે વ્યથા પામ્યો નહિ અને એક તીક્ષ્ણ કર્ણ આકારના બાણ વડે,કર્ણના કાન પર અતિ પ્રહાર કરીને તેના કુંડળને જમીન પર પાડી દીધું,ને એક બીજા ભલ્લ બાણ વડે તેની છાતી પર સખ્ત પ્રહાર કર્યો.પછી,એક બાણથી તેના લલાટને ચીરી નાખ્યું.આમ અત્યંત વીંધાયેલો,લોહીલુહાણ થયેલો કર્ણ,રથના ઊંટડાની સહાય લઈને આંખ મીંચી ગયો.એક મુહૂર્ત કાલે જયારે તેને ભાન આવ્યું ત્યારે તેને અતિ ક્રોધ ચડ્યો,ને અતિવેગપૂર્વક તેણે ભીમના રથ પર ધસારો કર્યો.
કર્ણે ગીધ પક્ષીનાં પીંછાં બાંધેલાં સો બાણો છોડ્યાં,પણ ભીમે તેને ગણકાર્યા વિના સામે ઉગ્ર બાણવૃષ્ટિ કરવા માંડી.ને એક ક્ષુરપ્ર બાણથી તેના ધનુષ્યને કાપી ગર્જના કરી મૂકી.કર્ણે નવું ધનુષ્ય ઉઠાવ્યું ત્યારે ભીમસેને એક પલકમાં તે ધનુષ્યના ટુકડા કરી નાખ્યા.એ જ પ્રમાણે ભીમસેને,એક પછી એક કર્ણના અઢાર ધનુષ્યોના ટુકડા કરી નાખ્યા પણ અર્ધા પલકારામાં તો તે કર્ણ બીજું ધનુષ્ય હાથમાં લઈને ઉભો રહેતો હતો.ત્યાં કુરુ,સૌવીર અને સિંધુદેશોના વીરોનાં સૈન્યોનો સંહાર થયેલો જોઈને,ને અનેક મૃતદેહોથી ઢંકાઈ ગયેલી પૃથ્વીને જોઈને કર્ણ ક્રોધથી બળી ઉઠ્યો ને તેણે પોતાના સુવર્ણભૂષિત ધનુષ્યનો ટંકાર કર્યો.
બે હાથ વડે બાણોને ગ્રહણ કરતો,પુનઃ બાણોનું સંધાન કરતો ને ધનુષ્ય ખેંચીને બાણોને છોડતો એ કર્ણ,એ બધું ક્યારે કરે છે તે જોવામાં જ આવતું નહોતું.કર્ણનું તે ઘોર ધનુષ્ય અગ્નિના કુંડાળાની જેમ કેવળ મંડલાકારે જ જણાતું હતું.તેના ધનુષ્યમાંથી છૂટેલાં બાણોએ સર્વ દિશાઓને અને સૂર્યની પ્રભાને ઢાંકી દીધી હતી.જેમ,મેઘ જલધારાથી પર્વતને છાઈ દે,તેમ,કર્ણે બાણોથી ભીમને છાઈ દીધો હતો.ત્યારે ભીમસેન તે બાણવૃષ્ટિને જરા પણ ગણતરીમાં લીધા વિના કર્ણ સામે ધસ્યો હતો.ને સામે મોટી બાણવૃષ્ટિ કરીને કર્ણની બાણવૃષ્ટિને વીખરાવી દીધી.પરસ્પરનો વધ કરવાની ઈચ્છાવાળા તે કર્ણ અને ભીમસેનના પરાક્રમને જોઈને બીજા યોદ્ધાઓ,યુદ્ધ કરતા અટકીને 'ધન્ય,ધન્ય'એમ પ્રશંસા કરી રહ્યા હતા.
