May 18, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1134

 

અધ્યાય-૧૩૮-ભીમ અને કર્ણનો પુનઃ સમાગમ 


II धृतराष्ट्र उवाच II महानयनयः सूत ममैवात्र विशेषतः I स इदानीमनुप्राप्तो मन्ये संजय शोचतः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સૂત,આમાં ખાસ કરીને મારો પોતાનો જ મહાન અન્યાય છે અને તે જ આ સમયે મારી આગળ ખડો થયો છે એમ હું માનું છું.હવે તો મારા મનમાં એમ જ થઇ ગયું છે કે-'જે થયું તે થયું' કેમ કે હવે આ સંબંધમાં હું શું કર્તવ્ય કરી શકું?મારી અનીતિને જ કારણે આ જે વીર પુરુષોનો ને મારા પુત્રોનો સંહાર થયો છે.તે વિષે તું કહે.

સંજય બોલ્યો-હે મહારાજ,ત્યાં પરાક્રમી અને મહાબળવાન એવા એ બે,કર્ણ અને ભીમસેન પરસ્પર બાણોનો વરસાદ વરસાવી રહ્યા હતા.સૈન્યનો અતિ સંહાર થઇ રહ્યો હતો.જોતજોતામાં તો ત્યાં હાથી,ઘોડા ને મનુષ્યો,વૃક્ષોની જેમ જમીન પર પડવા લાગ્યા હતા ને આખી મૃતદેહોથી રણભૂમિ છવાઈ ગઈ હતી.કૌરવ અને પાંડવ સૈન્યો,તે બંનેના બાણોના મારથી મરણતોલ થઈને સર્વ દિશાઓમાં નાસભાગ કરતા હતા.હાથી,ઘોડા ને મનુષ્યોના રુધિર પ્રવાહની જાણે નદી થઇ હતી.ભાંગી ગયેલા રથોથી પૃથ્વી ભરાઈ ગઈ હતી.અનેક પ્રકારના વિવિધ શસ્ત્રો તૂટીને વેરવિખેર થઇને પડેલા જોવામાં આવતા હતા.


હે રાજા,વળી,જ્યાં ત્યાં સુવર્ણના બાજૂબંધો,હારો,કુંડળો,મુકુટો,પાઘડીઓ,ને અનેક સુવર્ણના આભૂષણો,લોહીથી ખરડાયેલા દેખાઈ રહ્યા હતા.તે સમયે કર્ણ તથા ભીમસેનનું,મનુષ્યોથી ન બની શકે તેવું અદભુત અને અચિંત્ય કૌશલ્ય જોઈને ચારણો ને સિદ્ધોને પરમ આશ્ચર્ય થઇ ગયું.જેમ,ઘાસની ગંજીમાં વાયુની જે રીતની ગતિ હોય છે તે જ રીતની ગતિ એ યુદ્ધમાં ભીમસેન અને કર્ણની જોવામાં આવી હતી.સામસામી ઝપાઝપી કરતા બે હાથીઓ ઘાસના વનની જે દશા કરે તેવી જ તે બંને સૈન્યોની દશા આ બંને મહારથીઓ કરી હતી અને ત્યાં તેમના લીધે મોટો દાટ વળી ગયો હતો.(29)

અધ્યાય-29-સમાપ્ત