અધ્યાય-૧૩૭-ભીમસેનનું યુદ્ધ (ચાલુ)
II संजय उवाच II भीमसेनस्य राधेयः श्रुत्वा ज्यातलनिःस्वनम् I नामृष्यत यथा मत्तो गजः प्रितिगजस्वनम् II १ II
સંજય બોલ્યો-જેમ,કોઈ એક મગદળ હાથી સામેથી બીજા હાથીની ગર્જનાને સાંખી રહે નહિ,તેમ કર્ણ,ભીમસેનના ધનુષ્યની દોરીના ટંકારાવને સાંખી રહ્યો નહિ.બે ઘડી સુધી તો તે દૂર ખસી ગયો હતો,પણ તેણે,રણમાં પાડી નાખેલા તમારા પુત્રોને જોયા.તે જોઈને તેનું મન ઉદાસ થઇ ગયું,ને લાંબો ઉષ્ણ નિશ્વાસ નાખીને તે પુનઃ સાક્ષાત કાળની જેમ પ્રયાસ કરતો ભીમસેન સામે ગયો ને બાણોની વૃષ્ટિ કરી તેને ઢાંક્યો.ભીમસેને તે કર્ણના બાણોનો અસહ્ય વેગને જોઈને તેના બાણોના મોટા ઢગને,સામે બાણોના પ્રહાર કરીને અટકાવી દીધા.ને સામે તેને બાણોથી છાઈ દીધો.
હે ભારત,ભીમસેનનું એ રીતનું યુદ્ધમાં પરાક્રમ જોઈને હર્ષ પામેલા ચારણો તથા તમારા પક્ષના યોદ્ધાઓ તેનાં વખાણ કર્યા વિના રહ્યા નહિ.ભૂરિશ્રવા,કૃપાચાર્ય,અશ્વત્થામા,મદ્રરાજ,જયદ્રથ,ઉત્તમૌજા,યુધામન્યુ,સાત્યકિ,કેશવ અને અર્જુન -એ દશ કૌરવ અને પાંડવ પક્ષના ઉત્તમ મહારથીઓ 'વાહ,વાહ,ધન્ય,ધન્ય' કહીને સિંહનાદો કરવા લાગ્યા.સાંભળતાં રોમાંચ થઇ જાય તેવો તે તુમુલ શબ્દ થઇ રહ્યો.ત્યારે દુર્યોધન ઉતાવળો પોતાના સાત નાના ભાઈઓને કર્ણ પાસે જવાની ને તેનું રક્ષણ કરવાની આજ્ઞા આપી.દુર્યોધનની આજ્ઞાથી તે સાત ભાઈઓ ક્રોધપૂર્વક ભીમસેન સામે ધસી ગયા ને તેને ચારે બાજુથી ઘેરીને તેના પર બાણોની વૃષ્ટિ કરીને તેને ઢાંકી દેવા લાગ્યા.
તે સાત કૌરવ ભાઈઓને સામે આવેલા જોઈને,ભીમસેને સૂર્યનાં કિરણ સમાન સાત તેજસ્વી બાણો સાંધ્યા ને તે સાતે ભાઈઓને માત્ર એકેક બાણોથી યમસદન મોકલી દીધા.એમ ભીમસેને ત્યાં,શત્રુંજય,શત્રુસહ,ચિત્ર,ચિત્રાયુધ,દૃઢ,ચિત્રસેન અને વિકર્ણ-એ સાત ભાઈઓને રણમાં મારી નાખ્યા.મરણ પામેલા તમારા પુત્રોમાંના વિકર્ણનો ભીમસેન અત્યંત દુઃખપૂર્વક શોક કરવા લાગ્યો કેમ કે તે વિકર્ણ ભીમસેનને ઘણો પ્રિય હતો.તે કહેવા લાગ્યો કે-'હાય,વિકર્ણ,મેં પ્રતિજ્ઞા કરી હતી કે 'યુદ્ધમાં કૌરવ ભાઈઓને મારવા' ને એ પ્રતિજ્ઞાના કારણે જ મેં તને માર્યો છે.ક્ષાત્રધર્મનું સ્મરણ કરીને તું મારી સામે યુદ્ધ કરવા આવ્યો તેથી મેં તને રણમાં માર્યો છે.ખરે યુદ્ધધર્મ ઘણો ક્રૂર છે.તું વિશેષે કરીને યુધિષ્ઠિર અને અમારું હિત કરવામાં આસક્ત રહેનારો હતો.છતાં ન્યાયથી કે અન્યાયથી મેં તને મારી નાખ્યો છે.ખરે,યુદ્ધ અતિ નિષ્ઠુર છે.'
સંજય બોલ્યો-એ રીતે ભીમસેને,કર્ણના દેખતાં જ તે સાતે ભાઈઓને મારી નાખીને ઘોર સિંહનાદ કર્યો કે જે સાંભળીને યુધિષ્ઠિરને અતિ હર્ષ થયો.તે નાદ સાંભળીને યુધિષ્ઠિર દ્રોણાચાર્ય સામે યુદ્ધ કરવા ચઢી ગયા.એ રીતે ભીમસેને પોતાના એકત્રીસ ભાઈઓને મારી નાખ્યા,તે જોઈને દુર્યોધન વિદુરનાં વચનોને સંભારવા લાગ્યો.'વિદુરનાં તે કલ્યાણકારી વચનોનો મેં અનાદર કર્યો હતો,તેનું આવું ફળ મને પ્રાપ્ત થયું છે' આવો વિચાર કરીને પણ હવે પછીના કર્તવ્યનું ભાન તેને આવ્યું નહિ.
હે રાજન,જુગાર ખેલતી વેળા,અલ્પબુદ્ધિના તમારા પુત્રે પાંચાલીને સભામાં તેડી મંગાવી,કઠોર વચનો કહ્યાં હતાં.વળી,તમે અને સર્વ કૌરવોએ શાંત બેસી રહીને એ વચનો સાંભળ્યાં હતાં,હવે તેનું આ ફળ આવી પહોંચ્યું છે.
તે વખતથી પ્રદીપ્ત થયેલો ક્રોધરૂપ અગ્નિ તેર વર્ષ સુધી એમને એમ ધૂંધવાઈ રહ્યો હતો,આજે તે અગ્નિને ભીમસેને બહાર કાઢ્યો છે,ને તમારા પુત્રોનો વિનાશ કરી રહ્યો છે.આ તમારી જ મોટી અનીતિ છે,એમ મારુ નિશ્ચયપૂર્વક માનવું છે.તમારા પુત્રોના વિનાશનું કારણ તમે પોતે જ છો.વિદુરે વિલાપ કરીને તમને સમજાવ્યા હતા,પણ તે સમયે તમે સાંભળ્યું નહોતું.હવે શોક કરો મા.ભીમસેનના બાણોથી આજે તમારા પુત્રોનો ને મહાન સંહાર વળી ગયો તે મેં નજરે જોયું છે.(53)
અધ્યાય-137-સમાપ્ત