અધ્યાય-૧૩૬-ભીમસેનનું યુદ્ધ
II संजय उवाच II तवात्मजांस्तु पतितान् द्रष्ट्वा कर्णः प्रतापवान् I क्रोधेन महताविष्टो निर्विण्णो भुत्सजीवितान II १ II
સંજય બોલ્યો-તમારા પુત્રોને એ રીતે રણમાં પડેલા જોઈને કર્ણ મહાન ક્રોધાવેશમાં આવી ગયો અને પોતાના જીવિતથી લગભગ બેપરવા થઇ ગયો.તે સમયે કર્ણ પોતાના આત્માને એક અપરાધી તરીકે માનવા લાગ્યો હતો,કેમકે પોતાની સમક્ષ જ ભીમસેને તમારા પુત્રોને રણમાં રોળી નાખ્યા હતા.સામે પણ ક્રોધાયમાન થયેલા ભીમસેને,કર્ણ સાથેના પોતાના પૂર્વના વેરને યાદ કરીને કર્ણ પર તીક્ષ્ણ બાણો છોડવા માંડ્યા.કર્ણે સામે ભીમસેનને પ્રથમ પાંચ બાણો વડે વીંધી નાખ્યો,ને પુનઃ સિત્તેર બાણોનો પ્રહાર કર્યો.પણ ભીમસેને તે બાણોને ગણકાર્યા નહિ,ને સો બાણો મૂકીને તે કર્ણને માર માર્યો.
વળી,પાંચ તીક્ષ્ણ બાણો વડે તેનાં મર્મસ્થાનોમાં પ્રહાર કરીને,કર્ણના ધનુષ્યને કાપી નાખ્યું.ત્યારે કર્ણે તુરત જ નવું ધનુષ્ય લઈને ભીમસેનને છાઈ દીધો.એટલે ભીમે તરત જ કર્ણના ઘોડાઓ ને સારથિને મારી નાખી ને તેના ધનુષ્યને ફરીથી કાપી નાખ્યું.હવે ક્રોધિત થયેલો કર્ણ ગદા લઈને રથ પરથી નીચે કૂદી પડ્યો ને ભીમ તરફ ગદાથી ઘા કર્યો,કે જેનું ભીમસેને વારણ કર્યું.ને હવે કર્ણનો વધ કરવાની ઈચ્છાથી તેના તરફ હજારો બાણો છોડવા માંડ્યા.તરત જ કર્ણે નવું ધનુષ્ય લઈને ભીમસેનનાં બાણોને વાર્યા ને બીજા કેટલાક બાણો છોડીને ભીમસેનના કવચને ચીરી નાખ્યું.તો સામે ભીમસેને બાણોથી કર્ણના કવચને તથા જમણા બાહુને ચીરી નાખ્યો.ને અનેક બાણોથી તેને છાઈ દીધો.ત્યારે કર્ણ પુનઃ ભીમસેન સામેથી પાછો હટવા લાગ્યો.
ત્યારે દુર્યોધને પોતાના ભાઈઓ ચિત્ર,ઉપચિત્ર,ચિત્રાક્ષ,ચારુચિત્ર,શરાસન,ચિત્રાયુધ,ચિત્રવર્માને કર્ણની મદદે જવાની આજ્ઞા કરી.એટલે તે સર્વ કૌરવ ભાઈઓ એકદમ ભીમસેન સામે યુદ્ધ કરવા દોડ્યા ને ભીમસેન પર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા.તે કૌરવ ભાઈઓને સામે આવેલા જોઈને ભીમસેને હસીને તે સર્વને માત્ર એકેક બાણથી જ રણમાં પાડવા માંડ્યા,ને જાણે ક્ષણોમાં જ તે સર્વ ભાઈઓને ભીમસેને યમસદન મોકલી આપ્યા.હે રાજન,તમારા તે મહારથી પુત્રોને મરણ પામેલા જોઈને કર્ણનું મુખ અશ્રુથી ભરાઈ આવ્યું ને તે સમએ તેને વિદુરના વચનોનું સ્મરણ થયું.
પછી,શાસ્ત્રોક્ત વિધિએ તૈયાર કરાયેલા બીજા રથ પર બેસીને કર્ણ,ઉતાવળો ભીમસેન તરફ યુદ્ધ કરવા ધસ્યો.બંને વચ્ચે તુમુલ યુદ્ધનો ફરી પ્રારંભ થયો.બંને અન્યોન્ય પર બાણોની વર્ષા કરી રહ્યા.સામસામી ગર્જનાઓ કરીને,ને તરેહતરેહનાં મંડળોરચી રચીને પરસ્પર,બળવાન આખલાઓની કે સિંહોની જેમ પરાક્રમ કરી રહ્યા હતા.ભયંકર પરાક્રમ કરનાર ભીમસેને સારી રીતે તાકીતાકીને કંક પક્ષીનાં પીંછાં બાંધેલાં,અસંખ્ય બાણો વડે કર્ણને લગભગ ઢાંકી જ દીધો હતો.તે ભીમસેનના પરાક્રમને નિહાળીને તમારા પુત્રોનાં મન ઘણાં ઉદાસ થઇ ગયાં હતાં.(40)
અધ્યાય-136-સમાપ્તINDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE
