More Labels

Oct 13, 2012

ભાગવત રહસ્ય-૧૪૯

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE                     
સ્કંધ-૬-(છઠ્ઠો)-૪
અજામિલ નામનો એક બ્રાહ્મણ કાન્યકુબ્જ દેશ માં રહેતો હતો.
અજા=માયા, માયા માં ફસાયેલો જીવ તે અજામિલ. અજામિલ અનેક પ્રકારનાં પાપો કરી ગુજરાન ચલાવે છે.
આ જ અજામિલ ૨૦ વર્ષનો હતો ત્યાં સુધી તો સંધ્યા ગાયત્રી કરતો, મંત્રવેતા,પવિત્ર અને સદાચારી હતો.
અજામિલ એક વાર જંગલ માં દુર્વા-તુલસી લેવા ગયો હતો. રસ્તામાં એક શૂદ્ર ને વેશ્યા સાથે કામક્રીડા કરતો જોયો.
વેશ્યાનું રૂપ અને દૃશ્ય જોઈ ને અજામિલ કામવશ થયો-કામાંધ થયો. વેશ્યા ને જોવાથી-તેનું મન બગડ્યું.  

અજામિલ બ્રાહ્મણ નો દીકરો હતો,સંધ્યા ગાયત્રી કરતો હતો-પણ એકવાર વેશ્યા ને જોવાથી તેનું મન બગડ્યું- તો આજકાલ-
દર રવિવારે ફિલ્મ જોવા જતાં-કે દરરોજ ટી.વી. પર ફિલ્મો જોનાર ના મન ની શી હાલત હશે ? ઘણા તો બાળકો ને પણ
ફિલ્મ જોવા સાથે લઇ જાય કે ટી,વી. પર બાળકો સાથે આખો દિવસ બેસી રહે છે. “અમારું તો બગડ્યું-ભલે તારું પણ બગડે “

પાપ સહુથી પહેલું આંખ થી આવે છે-તે મન ને બગાડે છે-મન બગડે એટલે જીવન બગડે અને પછી નામ બગડે.
રાવણ બહુ બળવાન –ભણેલો હતો-પણ તેની આંખ બગડેલી હતી-તેથી તેનું જીવન બગડ્યું અને નામ બગડ્યું.
પતન નો પ્રારંભ આંખથી થાય છે-અને ભક્તિ ની શરૂઆત પણ આંખ થી થાય છે.

અજામિલ વેશ્યા માં આસક્ત બન્યો. ઘરનું બધું ધન તે વેશ્યા ને આપવા લાગ્યો. અને માત-પિતાના મરણ પછી-વેશ્યાને સમજાવી
પોતાના ઘરમાં લઇ આવ્યો. તે પાપાચાર કરવા લાગ્યો. ચોરી,જુગાર,છળકપટ કરવા લાગ્યો.
એક દિવસ કેટલાક સાધુ ઓ ફરતા ફરતા અજામિલ ને ઘેર આવ્યા.અજામિલ ઘેર ન હતો. વેશ્યા એ વિચાર્યું-કે મેં ઘણા પાપો
કર્યા છે-આજે તો સંતો ને ભોજન કરાવું-તેણે સંતોને સીધું સામગ્રી આપ્યા છે. સાધુ ઓ જાણતા નહોતા કે આ વેશ્યા છે.
ભોજન કર્યા પછી સાધુ ઓ ને ખબર પડી-દુઃખ થયું-પણ સાચા સાધુ જેના ઘરનું જમે છે- તેનું કલ્યાણ કર્યા વગર જતા નથી.

અજામિલ ઘેર આવ્યો-વેશ્યાના કહેવાથી તેણે સાધુ ઓ ને વંદન કર્યા.
સાધુઓને ઈચ્છા હતી કે-અજામિલ બ્રાહ્મણ હોવા છતાં પાપો કરે છે-તે છોડી દે -તો તેનું કલ્યાણ થાય-અને તેનું જીવન સુધરે.  
માબાપ ની સંતાન પર પ્રીતિ હોય છે- સાધુઓએ જોયું કે વેશ્યા સગર્ભા છે. પુત્ર જન્મે અને તે પુત્ર નું નામ જો--નારાયણ –
રાખે તો તે નિમિત્ત થી તે પ્રભુનું નામ લેશે. તેનું પાપ ઓછું થશે અને તેનું કલ્યાણ થશે.
સાધુ ઓ એ કહ્યું –તમારાં પુત્ર નું નામ નારાયણ રાખજો-એ અમારી દક્ષિણા છે.

નામ એવું રાખો કે-જેથી સાંભળનાર ને કંઈક પ્રેરણા મળે. પુત્રના નામ ઉપરથી માબાપ ના સ્વભાવ અને બુદ્ધિ ની ખબર પડે છે.
આજકાલ લોકો માને છે-કે જુનું બધું ખરાબ છે-જુનાં નામ તેમણે ગમતાં નથી.
કહેશે-અમે નવું શોધી કાઢ્યું છે. નવું કાંઇક સારું લાગે તો ભલે વિવેકથી ગ્રહણ કરો.પણ આપણા ધર્મ ને જુનો- હલકો ગણશો નહિ.
આપણો સનાતન ધર્મ શ્રેષ્ઠ છે. સૃષ્ટિ ના આદિકાળથી આ ધર્મ ચાલ્યો આવે છે. આપણો જુનો ધર્મ હલકો નથી.

અજામિલ ને ત્યાં પુત્ર થયો.અને તેનું નામ નારાયણ રાખ્યું છે.
અજામિલ ને પુત્ર પ્રતિ અતિશય પ્રેમ છે. વારંવાર તેને તેનું નામ-નારાયણ નારાયણ કહી બોલાવે છે.

અજામિલે બહુ પાપ કર્યું હતું, તેનું બાર વર્ષ નું આયુષ્ય બાકી હતું તેમ છતાં યમદૂતો તેને લેવા આવ્યા છે.
મૃત્યુકાળ નજીક આવ્યો અને યમદૂતો ને જોઈ અજામિલ ગભરાયો છે. ગભરાટમાં અને ગભરાટ માં પોતાના પુત્ર નારાયણ માં
તે અતિ આસક્ત એટલે બોલવા લાગ્યો- નારાયણ-નારાયણ.

રોજ ની આદત પ્રમાણે અજામિલ નારાયણ-નારાયણ એમ બે વાર બોલ્યો. તેનો દીકરો તો ત્યાં આવ્યો નહિ. પણ
વૈકુંઠલોક માં થી ભગવાન ના પાર્ષદો-વિષ્ણુદૂતો ત્યાં આવ્યા છે અને યમદૂતો ને કહે છે-આને છોડી દો.

યમદૂતો કહે છે-કે-આ બ્રાહ્મણ નો પુત્ર છે-પણ તેણે  હિંસા ,ચોરી વ્યભિચાર વગેરે અનેક પાપ કર્યા છે. એટલે યમરાજાની આજ્ઞાથી
અમે તેને પકડવા આવ્યા છીએ.

વિષ્ણુદૂતો એ કહ્યું તમારી વાત સાચી છે,પણ તેણે ભગવાન નું  નામ લઇ પોતાના નામ નું પ્રાયશ્ચિત કર્યું છે. તેનાં થોડાં પાપ
બળી ગયાં છે. હવે તેને જીવવા દો,તેના આયુષ્યના બાર વર્ષ હજુ બાકી છે.
યમદૂતો કહે છે-તેના પુત્ર નું નામ નારાયણ છે-તેને તે નામ દઈ બોલાવતો હતો, વૈકુંઠવાસી નારાયણ ને નહિ.
વિષ્ણુદૂતો કહે છે-અજાણતાં પણ તેના મુખમાંથી પ્રભુનું નામ નીકળ્યું છે. જ્ઞાન હોય કે અજ્ઞાન હોય,પણ વસ્તુ-શક્તિ કામ કરે છે.
અજાણતાં પણ અગ્નિ પર પગ પડે તો પગ દાઝે છે-તેમ અજાણતાં ભગવાન નું નામ લેવાથી કલ્યાણ થાય છે.


      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE