અધ્યાય-૧૩૫-ધૃતરાષ્ટ્રના બળાપા
II धृतराष्ट्र उवाच II एवमेव परं मन्ये धिक् पौरुषमनर्थकम् I यत्राधिरथिरायत्तो नातरत पांडवं रणे II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-મારે દૈવને જ સર્વોત્કૃષ્ટ માનવું પડે છે.પુરુષાર્થ તો નિષ્ફળ છે અને ધિક્કારવા યોગ્ય છે કારણકે રણમાં બરાબર સાવધ રહેલો વીર કર્ણ પણ ભીમને તરી શક્યો નહિ.મેં દુર્યોધનને વારંવાર બોલતો સાંભળ્યો છે કે-આ સંગ્રામમાં કર્ણ,પાંડવોને જીતવાનો ઉત્સાહ ધરાવે છે,ને તે કર્ણ સમાન બીજો કોઈ યોદ્ધો હું જોતો નથી.આ યુદ્ધમાં વસુષેણ (કર્ણ)ની મને સહાય છે તેથી દેવો પણ મને જીતવા સમર્થ નથી' પણ,આવા કર્ણને ઝેર વિનાના સર્પની જેમ પરાજય પામેલો તથા યુદ્ધમાંથી પલાયન કરી ગયેલો જોવા છતાં તે દુર્યોધને યુદ્ધમાં અકુશળ એવા દુર્મુખને,આ યુદ્ધમાં હોમી દીધો છે.
હે સંજય,ખરેખર મને તો એમ લાગે છે કે,અશ્વત્થામા,કૃપાચાર્ય,મદ્રરાજ અને કર્ણ એ બધા એકઠા મળીને ભીમસેન સામે ઉભા રહેવાને શક્તિમાન નથી.તેઓ બધા આ ભીમસેનના દશ હજાર હાથી જેટલા મહાઘોર બળને તથા વાયુસમાન તેજવાળા આ ભીમસેનને જાણે છે,છતાં એક કર્ણે જ ભીમનો અનાદર કરીને તેની સામે રણમાં યુદ્ધ કર્યું છે,ને પરાજય પામ્યો છે.તે ભીમને કોઈ જીતી શકે તેમ નથી કેમકે તે દ્રોણને પણ મથી નાખીને,મારી સેનામાં દાખલ થયો છે.જીવવાની ઇચ્છાવાળો કયો પુરુષ ભીમસેનની સામે જઈ શકે?
તે સમયે સભામાં સર્વ કૌરવોના દેખતાં દુઃશાસનના વધના સંબંધમાં જે પ્રતિજ્ઞા વચન કહ્યું છે,તેનો વિચાર કરીને ને જે રીતે કર્ણ પરાજય પામ્યો છે તે જોઈને દુઃશાસન ભયભીત થયો છે ને ભીમ સામે યુદ્ધ કરતાં અટકી પડ્યો છે.દુર્બુદ્ધિ દુર્યોધને તે સભામાં કહ્યું હતું કે-'કર્ણ,દુઃશાસન અને હું,યુદ્ધમાં પાંડવોનો પરાજય કરીશ' પણ અત્યારે તે પરાજય પામેલા કર્ણને જોઈને,અને પોતાના ભાઈઓને ભીમના હાથે મરાયેલા જોઈને સંતાપ કરતો હશે.મારા પુત્રોના પ્રાણ હવે તોળાઈ જ રહ્યા છે.'
સંજય બોલ્યો-હે રાજન,આ મહાભયકંર પ્રસંગ આવ્યો છે ત્યારે તમે જે શોક કરો છો તે વ્યર્થ છે કેમકે આ વિનાશનું મૂળ તમે પોતે જ છો,તેમાં જરાયે સંશય નથી.તમને કહેવામાં આવેલા હિતકારક વચનોનો અનાદર કરીને તમે પોતે જ આ અતિદુર્જર કાલકૂટ વિષનું પાન કર્યું છે.તેથી તેના સંપૂર્ણ ફળને તમે પામશો જ.હે રાજન,કર્ણને ભીમથી પરાજય પામેલો જોઈને તમારા પાંચ પુત્રો,દુર્મર્ષણ,દુઃસહ,દુર્મુદ,દુર્ધર અને જય-એ સર્વ કવચો ધારણ કરીને ભીમસેન સામે ધસી ગયા અને તેને ચારે બાજુથી ઘેરી લઈને,બાણોનો વરસાદ વરસાવી તેની ચારે દિશાઓને ઢાંકી દીધી.
તમારા પુત્રોને ભીમસેન સામે જતા જોઈને કર્ણ પણ ભીમ સામે યુદ્ધ કરવા પાછો ફર્યો.ત્યારે ભીમે ક્ષણમાત્રમાં માત્ર પચીસ બાણો મૂક્યાં અને તમારા તે પાંચે પુત્રોને,ઘોડાઓ ને સારથિઓ સહીત યમલોકમાં મોકલી દીધા.તે વેળા અમે ભીમનું અદભુત પરાક્રમ જોયું હતું.કારણકે તેણે કર્ણને બાણો વડે અટકાવી રાખીને તમારા પુત્રોને મારી નાખ્યા હતા.જયારે ભીમસેન તીક્ષ્ણ બાણો મૂકીને કર્ણને અટકાવી રહ્યો હતો ત્યારે કર્ણ આશ્ચર્યવત ભીમસેનને જોઈ રહ્યો હતો.(40)
અધ્યાય-125-સમાપ્ત