May 14, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1130

 

અધ્યાય-૧૩૪-કર્ણનું રણમાંથી પલાયન થવું 


 II संजय उवाच II सर्वथा विरथः कर्णः पुनर्भिमेन निर्जितः I रथमन्यं समास्थाय पुनर्विव्याध पांडवम् II १ II

સંજય બોલ્યો-હવે સર્વથા રથરહિત થયેલો અને ભીમસેનથી પરાજય પામેલો કર્ણ બીજા રથમાં બેસીને પુનઃ યુદ્ધ કરવા આવ્યો અને બાણો વડે ભીમસેનને વીંધવા લાગ્યો.જેમ,બે મોટા હાથીઓ સામસામા આવીને દંતશૂળોથી એકબીજા પર પ્રહાર કરે તેમ,તે બંને જણા કાન સુધી ખેંચેલા ધનુષ્યોમાંથી છુટેલાં બાણો વડે અન્યોન્ય પર પ્રહાર કરવા લાગ્યા.ને એકબીજાને વીંધી નાખવા લાગ્યા.જયારે કર્ણે,આખા શરીરને ચીરી નાખે તેવું બાણ ભીમસેન સામે છોડ્યું કે જેણે ભીમને અત્યંત વીંધી નાખ્યો ત્યારે  ક્રોધથી લાલ થયેલા ભીમસેને છ આરાઓવાળી એક ભારે ગદા વિચાર કર્યા વિના કર્ણના તરફ ફેંકી કે જે ગદાએ કર્ણના ઘોડાઓને મારી નાખ્યા.પછી બાણો મૂકીને તેણે તેના સારથિને પણ મારી નાખ્યો.

ત્યારે રથ વગરનો થયેલો કર્ણ,પોતાનું અદભુત પરાક્રમ દેખાડતો ભીમને અટકાવી રહ્યો હતો તે ખરેખર અદભુત હતું.કર્ણને રથ વિહિન થયેલો જોઈને દુર્યોધને દુર્મુખને કર્ણને રથ આપવું જવાનું કહ્યું.દુર્યોધનની આજ્ઞાથી દુર્મુખ ભીમસેન તરફ ધસ્યો.દુર્મુખને આવતો જોઈને ભીમસેન અત્યંત હર્ષમાં આવી ગયો ને તત્કાલ નવ બાણો મારીને તે દુર્મુખને યમલોકમાં મોકલી દીધો.

કર્ણ દુર્મુખના રથમાં કર્ણ ચઢી ગયો.તેનું આખું શરીર લોહીથી ખરડાઈ ગયું હતું.દુર્મુખના મૃત્યુથી તેના નેત્રો અશ્રુથી ભરાઈ આવ્યા.લાંબો નિશ્વાસ નાખીને એ વીર 'હવે શું કરવું?' તેનો વિચાર કરવા લાગ્યો.ઘણો વિચાર કર્યા છતાં તેને પોતાના કર્તવ્ય-કર્મનું ભાન આવ્યું નહિ,તે તકનો લાભ લઈને ભીમસેને ચૌદ નારાચ બાણોનો તેના પર પ્રહાર કરીને તેના મહાતેજસ્વી કવચને તોડી નાખ્યું.ત્યારે સામે કર્ણે તેટલાં બાણો મૂકીને ભીમસેનના ડાબા હાથને વીંધી નાખ્યો.કર્ણનાં બાણોથી ભીમસેનનો હાથ ચિરાઈ ગયો ને રુધિરથી લથબથ થઇ ગયો.ક્રોધે ભરાયેલા ભીમસેને બરાબર સાવધ થઈને ત્રણ બાણો મૂક્યાં કે જે બાણોએ કર્ણને અત્યંત વીંધી નાખ્યો.વળી,બીજાં સાત બાણો વડે તેના સારથિને ઘાયલ કર્યો.આમ,ભીમસેનના બાણપ્રહારોથી વિહવળ થયેલો તે કર્ણ,મહાભયથી રણનો ત્યાગ કરી ગયો.(35)

અધ્યાય-134-સમાપ્ત