May 13, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1129

 

અધ્યાય-૧૩૩-ભીમ અને કર્ણનું યુદ્ધ (ચાલુ)


II धृतराष्ट्र उवाच II अत्यद्भुत्महं मन्ये भीमसेनस्य विक्रमम् I यत्कर्ण योधयामास समरे लघुविक्रमम् II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-'ભીમસેનના પરાક્રમને હું અદભુત માનું છું કારણકે તેણે યુદ્ધમાં શીઘ્ર પરાક્રમી કર્ણની સામે અતિ મહાન યુદ્ધ કર્યું હતું.અરે,દેવો,યક્ષો,અસુરો અને મનુષ્યોને પણ રણમાં અટકાવી રાખે તેવો કર્ણ,ભીમસેનને તે સંગ્રામમાં કેવી રીતે તરી ગયો નહિ?તે બંનેના પ્રાણદ્યુતમાં કેવી રીતનું યુદ્ધ થયું હતું? હું માનું છું કે આ યુદ્ધમાં જ જય ને પરાજયનો મુખ્ય આધાર રહેલો છે.મારો પુત્ર દુર્યોધન,કર્ણને લઈને જ આ યુદ્ધમાં જીતવાનો ઉત્સાહ ધરાવે છે,પણ આ કર્ણને વારંવાર પરાજય પામેલો જોઈને મને મૂંઝવણ થાય છે.અરેરે,દુર્યોધનની દુષ્ટ નીતિને પરિણામે જ  કૌરવોનો વિનાશ થઇ રહ્યો છે એમ હું માનું છું.

આ કર્ણ મહાધનુર્ધર પાંડવોને કદી જીતી શકશે નહિ.પાંડવોની સામે કર્ણે જે જે યુદ્ધો કર્યા હતાં તે સર્વમાં પાંડવોએ તેને હરાવ્યો હતો.ઇન્દ્રસહીત દેવો પણ પાંડવોને કદી જીતી શકે તેમ નથી,પણ મૂર્ખ દુર્યોધન આ વાતને સમજતો જ નથી.કપટબુદ્ધિનો દુર્યોધન પાંડવોના રાજ્યને કપટથી છીનવી લઈને પોતે જીત્યો છે એમ માની બેઠો છે ને પાંડવોની અવગણના કરે છે.પુત્રના સ્નેહમાં પાયમાલ થયેલા મેં પણ ધર્મમાં રહેલા પાંડવોના ઘણા અપરાધ કર્યા છે.પાંડવોએ તો સલાહસંપ કરવાની જ ઈચ્છા રાખી હતી પણ મારા પુત્રોએ તેમને અશક્ત માનીને તેમનું અપમાન કર્યું છે.ભીમ અને કર્ણ સામસામે કેવી રીતે લડ્યા હતા તે તું મને કહે.'


સંજય બોલ્યો-ક્રોધાયમાન થયેલા કર્ણે,પ્રથમ ભીમ પર ત્રીસ બાણોનો પ્રહાર કર્યો ત્યારે સામે ભીમે તે કર્ણના ધનુષ્યને કાપી નાખ્યું.ને એક ભલ્લ બાણ છોડીને તેના સારથિને ઢાળી દીધો.એટલે કર્ણે સાક્ષાત કાળ શક્તિની સમાન એક જીવલેણ શક્તિને ભીમસેન તરફ ફેંકી અને મોટો શબ્દ કરીને ગર્જના કરી.ભીમે અમે આવતી શક્તિને સાત બાણો છોડીને આકાશમાં જ કાપી નાખી ને સામે તીક્ષ્ણ બાણો મુકવા લાગ્યો.હવે કર્ણે બીજું ધનુષ્ય ધારણ કરીને ઘણાં બાણો છોડવા માંડ્યાં કે જે બાણોને ભીમસેન અધવચ્ચે જ કાપી નાખવા લાગ્યો હતો.બે બળવાન આખલાઓની જેમ તે બંને ગર્જનાઓ કરતા હતા.


તે પછી,ભીમસેને ફરીથી કર્ણના ધનુષ્યને મુષ્ટિપ્રદેશમાંથી કાપી નાખી તેના ચારે ઘોડાઓ ને સારથિને મારી નાખ્યા ને કર્ણને રથમાં બાણોથી ઢાંકી દીધો,એથી તે ચિંતામાં પડી ગયો,'ને હવે શું  કરવું?'તેની પણ તેને ખબર પડી નહિ.એ રીતે તેને સંકટમાં આવી પડેલો જોઈને દુર્યોધન ક્રોધથી ધ્રુજવા લાગ્યો ને પોતાના ભાઈ દુર્જયને આજ્ઞા કરવા લાગ્યો કે-'તું જલ્દી કર્ણની મદદે જા પેલો ભીમ તેને ગળી જઈ રહ્યો છે.તું ત્યાં જઈ ભીમસેનનો નાશ કરી નાખ' એટલે દુર્જય ભીમ સામે ધસ્યો ને તેના પર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યો.તે દુર્જયને જોઈને ભીમસેન અતિ કોપી ઉઠ્યો અને તેણે ઉપરાઉપરી બાણો મારીને દુર્જયના ઘોડાઓ અને સારથિને મારી નાખીને તે દુર્જયને મર્મસ્થાનોમાં ગાઢ પ્રહાર કરીને યમલોકમાં વિદાય કરી દીધો.તે સમયે તરફડી રહેલા તે દુર્જયને જોઈને દુઃખી થયેલો દયાળુ કર્ણ રડી પડ્યો ને તેણે તમારા તે પુત્રની પ્રદિક્ષણા કરી.ભીમસેનના તરફથી અત્યંત બાણોના પ્રહારો થતા હોવા છતાં તે કર્ણે હજુ ભીમસેનનો રણમાં ત્યાગ કર્યો નહોતો.(45)

અધ્યાય-133-સમાપ્ત