અધ્યાય-૧૩૨-ભીમ અને કર્ણનું યુદ્ધ
II धृतराष्ट्र उवाच II स्वयं शिष्यो महेशस्य भुगुत्तमधनुर्धरः I शिष्यत्वं प्राप्तवान कर्णस्तस्य तुल्योस्त्र विद्यया II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-મહેશ્વરના શિષ્ય અને ભૃગુઓના ઉત્તમ ધનુર્ધર એવા પરશુરામનો,કર્ણ શિષ્ય છે અને અસ્ત્રવિદ્યામાં લગભગ તેમના સરખો જ છે.છતાં ભીમસેને તેને લીલામાત્રમાં કેમ જીતી લીધો? જે કર્ણ પર મારા પુત્રોની મહાન વિજયાશા અવલંબી રહી છે તે કર્ણને ભીમથી પરાજય પામેલો જોઈને દુર્યોધન શું બોલ્યો હતો?કર્ણે પછી શું કર્યું હતું? તે તું મને કહે.
સંજય બોલ્યો-તે પછી કર્ણ શાસ્ત્રોક્ત વિધિથી બીજા રથ પર બેસીને ભીમસેન સામે પુનઃ ચડી આવ્યો.ત્યારે તે શૂરા સૂર્યપુત્ર અને ભીમનો પુનઃ ઘોર સંગ્રામ શરુ થયો.બંને અન્યોન્યને,જાણે કોપાયમાન થયેલા બે વાઘો હોય તેમ બીજા પર અનેક બાણોનો વરસાદ વરસાવી રહ્યા.તે બંને એકબીજાના બાણોને વચમાં કાપી નાખતા હતા ને બાણોના વરસાદથી એકબીજાને છાઈ દેતા હતા.તે વેળા ભીમ પોતાને જે ક્લેશો ને દુઃખો પ્રાપ્ત થયાં હતાં તેનું સ્મરણ કરવા લાગ્યો.દુઃશાસને સભાના મધ્યમાં કૃષ્ણાનો ચોટલો પકડીને અપમાન કર્યું ત્યારે કર્ણે તેને કહ્યું હતું કે-'હે દ્રૌપદી,હવે તું બીજા પતિને સ્વીકારી લે.તારા પૂર્વના પતિઓ હવે નથી જ-એમ તું માની લે.તેલ વિનાના તલ સરખા આ સર્વ નપુંસક પાંડવો તો નરકમાં જ પડ્યા છે' હે રાજન,વળી,
સભામાં તમારી સમક્ષ જ મૃગચર્મ ધારણ કરીને વનમાં ચાલ્યા જતા પાંડવોને,તે સમયે કર્ણે અતિ ક્રૂર વચનો કહ્યાં હતાં.
તે સર્વ અપમાનો ને દુઃખોને સંભાળીને ભીમે,અનેક બાણોથી કર્ણના રથને ઢાંકી દીધો.સામે કર્ણે પણ મોટું અટ્ટહાસ્ય કરીને,બાણો છોડીને તે ભીમસેનની બાણજાળને વિખેરી નાખી ને નવ મોટાં બાણ મૂકીને ભીમસેનને વીંધી નાખ્યો.આમ કર્ણે જયારે ભીમસેનન અટકાવ્યો ત્યારે તે ભીમ નિર્ભય થઈને પોતાના રથને વેગપૂર્વક દોડાવીને કર્ણના રથના ઘોડાઓ સામે
ઘોડાઓને ભટકાવી દીધા.ત્યારે તમારા સૈન્યમાં હાહાકાર મચી ગયો.તે બંનેનું ઘોર યુદ્ધ થઇ રહ્યું હતું અને પ્રેતરાજના નગરની જેમ દુષ્ટ દેખાવનું જણાતું હતું.તે મહારણમાં કોનો વિજય થશે તેનો કોઈ નિશ્ચય કરી શક્યા નહિ.
એ સમયે,કર્ણનો ભેટો કરી રહેલા ભીમસેનને જોઈને અર્જુન અને શ્રીકૃષ્ણ ભીમસેન પર અતિશય ભાર આવી પડેલો માનવા લાગ્યા.કર્ણ અને ભીમના છોડેલાં બાણોથી અત્યંત હણાયેલા ઘોડાઓ,મનુષ્યો ને હાથીઓનો સંહાર વળી ગયો હતો.ને તેમનાં મૃત શરીરોથી આખી રણભૂમિ છવાઈ ગઈ હતી,ને રણભૂમિનો દેખાવ અતિ ભયંકર જણાતો હતો.(43)
અધ્યાય-132-સમાપ્ત