અધ્યાય-૧૩૧-કર્ણનો પરાજય
II संजय उवाच II वर्तमाने महाराज संग्रामे लोमहर्षणे I व्यकुलेषु च सर्वेषु पीड्यमानेषु सर्वशः II १ II
સંજય બોલ્યો-આમ,હે મહારાજ,રુંવાં ઊભાં કરી નાખે તેવો તે સંગ્રામ ચાલી રહ્યો હતો અને સર્વ યોદ્ધાઓ
ચારે બાજુથી આકુળવ્યાકુળ થઈને પીડાતા હતા,ત્યારે,જેમ એક મદોન્મત્ત હાથી બીજા મદોન્મત્ત હાથી
તરફ ધસી જાય તેમ,રાધાપુત્ર કર્ણ ભીમસેન તરફ યુદ્ધ કરવા ધસી ગયો.
ધૃતરાષ્ટ્ર બોલ્યા-ત્યારે કર્ણ અને ભીમનો કેવો સંગ્રામ થયો હતો? પ્રથમ ભીમે કર્ણનો પરાજય કર્યો હતો છતાં તે ભીમ સામે કેવી રીતે યુદ્ધ કરવા આવ્યો હતો? યુધિષ્ઠિરને ભીષ્મ,દ્રોણ અને કર્ણનો જ ભય હતો,તે કર્ણ સામે ભીમસેન કેવી રીતે લડ્યો હતો?કર્ણને જણાયું હતું કે તે પાંડવોનો ભાઈ હતો અને તેણે વચન આપ્યું હતું કે તે અર્જુન સિવાય ચાર ભાઈઓને મારશે નહિ,છતાં તેણે ભીમ સામે શા માટે યુદ્ધ કર્યું?ભીમસેન પણ પોતાના પૂર્વ વૈરને ભૂલી ગયો નહોતો,તો એ કર્ણની સામે કેવી રીતે લડ્યો હતો? મારો પુત્ર દુર્યોધન સદા આશા રાખીને બેઠો છે કે 'કર્ણ સમગ્ર પાંડવોને જીતશે' તે કર્ણ ભીમસેન સામે કેવી રીતે લડ્યો હતો? જે કર્ણે એક જ રથની સહાયતાથી સમગ્ર પૃથ્વીને જીતી છે,જે કવચ-કુંડળો સાથે જન્મ્યો છે,તે કર્ણની સામે ભીમ કેવી રીતે લડ્યો હતો? તેમનું જે પ્રમાણે યુદ્ધ થયું હોય,ને જે વિજયી થયો હોય તે સર્વ સત્ય તું મને કહે.
સંજય બોલ્યો-ભીમસેને તો કર્ણને છોડીને જ્યાં અર્જુન હતો ત્યાં જ જવાની ઈચ્છા રાખી હતી,પણ તેને તેમ જતો જોઈને કર્ણ તેની સામે ધસી ગયો હતો ને બાણોની વૃષ્ટિ કરીને તેને પડકાર આપતાં કહ્યું હતું કે-'હે ભીમ,તું અર્જુનને જોવાની ઈચ્છાથી પૂંઠ કેમ દેખાડે છે?કુંતીના પુત્ર માટે આમ કરવું ઘટતું નથી,મારા સામે ઉભો રહીને મારા પર બાણોનો વરસાદ વરસાવ'
કર્ણના આ પડકારને ભીમસેન સાંખી શક્યો નહિ ને પાછો ફરીને તેને કર્ણ સામે યુદ્ધનો આરંભ કર્યો.ભીમે તેના અનુચરોને મારીને પછી તેને મારવાની ઈચ્છા કરી,ને ક્રોધભેર કારણ પર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યો.પરમ અસ્ત્રોને જાણનારો કર્ણ તે સર્વ બાણવૃષ્ટિને જાતજાતની અસ્ત્રમાયાઓથી ગળી જવા લાગ્યો.
ચારે બાજુ યુદ્ધ કરતા વીરોના દેખતાં કર્ણે કરેલી પોતાની હાંસીને ભીમ સાંખી શક્યો નહિ ને તેને વત્સદંત બાણોથી છાતીમાં વીંધીને,તેના ઘોડાઓને પણ વીંધી નાખ્યા.સામે અનેક બાણોથી કર્ણે ભીમને છાઈ દીધો ને ચોસઠ બાણો મારીને તેના કવચને ભેદી નાખ્યું.તેના બાણોની પરવા કર્યા વિના ભીમસેન તેની નજીક પહોંચી તેને અનેક બાણોથી ઢાંકી દીધો.સામે કર્ણે તેના પર ઉગ્ર બાણો છોડવા માંડ્યા.બંને યોદ્ધાઓ લોહીલુહાણ થયા હતા પણ પરસ્પર બાણોનો વરસાદ વરસાવતા હતા.ભીમે પ્રાણોને હથેળીમાં રાખીને કર્ણને પ્રથમ છ અને પછી આઠ બાણો મારીને મર્મસ્થાનોમાં વીંધી નાખીને એક બાણ મૂકીને તેના ધનુષ્યને કાપી નાખ્યું,ને ઝપાટાબંધ બાણો મૂકી,તેના ચાર ઘોડા અને સારથિને હણી નાખ્યા.ત્યારે કપાયેલા ધનુષ્યવાળો,રથવિહીન થયેલો ને ઘાયલ થયેલો કર્ણ મહાન દુઃખ પામીને બીજા રથમાં ચડી ગયો.(58)
અધ્યાય-131-સમાપ્ત