May 10, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1126

 

અધ્યાય-૧૩૦-દુર્યોધનનું યુદ્ધ 


 II संजय उवाच II तस्मिन् पिलुलिते सैन्ये सैधवायार्जुने गते I सात्वते भीमसेने च पुत्रस्ते द्रोणमभ्ययात् II १ II

સંજય બોલ્યો-જયારે તે સૈન્ય લગભગ આમ વીખરાઈ ગયું અને અર્જુન,સાત્યકિ તથા ભીમસેન,જયદ્રથ પાસે આવી પહોંચ્યા ત્યારે તમારો પુત્ર દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ઘણી ઝડપથી પહોંચ્યો ને ગભરાટભેર આચાર્યને કહેવા લાગ્યો કે-'અરે ઓ આચાર્ય,અર્જુન,સાત્યકિ ને ભીમ એ સર્વ આપણા સૈન્યનો પરાજય કરીને સિંધુરાજની સમીપ આવી પહોંચ્યા છે ને પ્રહારો કરી રહ્યા છે.આ રણમાં અર્જુન તમને ઉલ્લંઘીને આવ્યો તે તો સમજ્યો પણ સાત્યકિ અને ભીમસેન તમને કેમ કરીને ઉલ્લંઘી શક્યા? આ તો આ લોકમાં સમુદ્ર સુકાયા જેવી આશ્ચર્યની વાત છે.તે ત્રણેથી થયેલા આપણા પરાજયના સંબંધમાં લોકો ઘણી વાત કરી રહ્યા છે.ખરે,હવે મારો મંદભાગીનો આ રણમાં નાશ થવા જ આવ્યો છે.આ ભયંકર પ્રસંગે હવે તમારે જે કહેવાનું હો તે તમે કહો.જે થયું તે થયું પણ હવે શું કરવું તેનો તમે બરોબર વિચાર કરી સમયોચિત શું કાર્ય કરવું ઘટે છે તે વિષે અમને સત્વર કહો કે જેથી તે પ્રમાણે સત્વર કરવામાં આવે'

દ્રોણ બોલ્યા-હે તાત,આ સંબંધમાં અનેક પ્રકારનો વિચાર કરવો યોગ્ય છે.પણ હાલ તુરત જે કંઈ કરવું ઘટે છે તે તું સાંભળ.પાંડવોના ત્રણ મહારથીઓ આપણી સેનાને પર કરી ગયા છે આથી તેમનો જેટલો પાછળથી ભય છે તેટલો જ પાંચાલ આદિ યોદ્ધાઓનો આપણને આગળથી ભય રહેલો છે,છતાં જ્યાં અર્જુન છે તે સ્થળે અતિ ભારે ભય રહેલો  છે એમ મારું માનવું છે.આપણી ભારતી સેના,આગળથી ને પાછળથી શત્રુઓ વડે ઘેરાઈ ગઈ છે,માટે સિંધુરાજનું ગમે તે ઉપાયે રક્ષણ કરવું જોઈએ એમ હું માનું છું.ખરેખર,પૂર્વે શકુનિની બુદ્ધિમાં જે દ્યુત ઉત્પન્ન થયું હતું તે જ આ સમયે આવી પહોંચ્યું છે.


તે સમયે સભામાં કોઈનો જય થયો નહોતો કે કોઈનો પરાજય થયો નહોતો.પરંતુ આજના દ્યુતમાં તો આપણા સર્વના જય અને પરાજયનો આધાર છે.તે વેળા,કુરુસભામાં શકુનિ પાસા ખેલી રહ્યો હતો અને તેમને તે પાસા માનતો નહોતો.ને ખરું જોતા તે પાસા જ નહોતા તે તો તમારાં શરીરોને ચીરી નાખનારાં બાણો જ હતાં.હે તાત,આ સેનાને તારે જુગાર તરીકે સમજી લેવી,તેમાં જે બાણો ઉછાળી રહ્યાં છે તેને પાસા સમજી લેવા ને તેની અંદર ઉભા રહેલા સિંધુરાજને તારે 'પણ' તરીકે જાણી લેવો.અહીં સિંધુરાજને માટે જ,શત્રુઓ જોડે આ મહાન દ્યુત આવી લાગ્યું છે.માટે તમે બધા પોતાના જીવિતની પરવા કર્યા વિના તે સિંધુરાજનું રક્ષણ કરો કારણકે તે સ્થળે જ આપણા જય-પરાજયનો અવશ્ય નિશ્ચય થશે.આથી તે સ્થળે તું જા અને તેનું રક્ષણ કર.હું હાલ અહીં પાંચાલો-આદિને અટકાવતો અહીં જ રહીશ અને બીજાઓને ત્યાં મોકલીશ.'


એટલે દુર્યોધન આચાર્યની આજ્ઞા પ્રમાણે શીઘ્ર ત્યાં જઈ પહોંચ્યો.એ ગાળામાં યુધામન્યુ અને ઉત્તમૌજા એ બે અર્જુનના ચક્રરક્ષકો બહારના ભાગમાંથી સેનામાં આવી અર્જુન પાસે જતા હતા.અર્જુન જયારે સૈન્યમાં દાખલ થયો ત્યારે કૃતવર્માએ તેમને અટકાવી રાખ્યા હતા પણ પછી તે બંને જણા કૌરવસેનાને ભેદીને અર્જુન પાસે ધસી જતા હતા.તે બંને દુર્યોધનના જોવામાં આવી ગયા ને તે બંનેની સામે તેણે ઉગ્ર સંગ્રામ મચાવ્યો.દુર્યોધને યુધામન્યુના સારથિને વીંધી ને  તેના ચારેય ઘોડાઓને વીંધી નાખ્યા.સામે યુધામન્યુએ દુર્યોધનની છાતીમાં ત્રીસ બાણોનો પ્રહાર કર્યો.ત્યાં ઉત્તમૌજાએ આવીને દુર્યોધનના સારથિને યમલોકમાં મોકલી દીધો.હવે દુર્યોધને તે ઉત્તમૌજાના ચારેય ઘોડાઓને,સારથિને ને તેના બે પૃષ્ઠરક્ષકોને હણી નાખ્યા.


ત્યારે ઉત્તમૌજા પોતાના ભાઈ યુધામન્યુના રથ પર ચડી ગયો ને તેણે દુર્યોધનના ચારેય ઘોડાઓને મારી નાખી તેના ધનુષ્ય ને ભાથાના ટુકડા કરી નાખ્યા.મરણ પામેલા સાથી ને ઘોડાઓ વાળા રથમાંથી દુર્યોધન ગદા લઈને કૂદી પડ્યો ને તે પાંચાલ ભાઈઓ સામે ધસ્યો ને તેમના રથ પર પ્રહાર કર્યો.જોકે તેને આવતો જોઈને બંને ભાઈઓ રથ પરથી નીચે કૂદી પડ્યા હતા,પણ દુર્યોધનની ગદાએ તે રથના ઘોડાઓ,સારથિ ને રથનો ભૂક્કો કરી નાખ્યો.પછી,દુર્યોધન સત્વર મદ્રરાજના રથ પર ચડી ગયો ને પાંચાલોના તે બંને મહારથી પુત્રો બીજા રથો પર બેસીને અર્જુન તરફ જવા લાગ્યા.(44)

અધ્યાય-130-સમાપ્ત