More Labels

Jan 8, 2020

ભાગવત રહસ્ય-૧૫૨

એક દિવસ ઇન્દ્ર સિંહાસન પર બેઠા હતા.તે વખતે બૃહસ્પતિ ઇન્દ્રસભામાં આવ્યા.
દેવોના તથા પોતાના ગુરુ સભામાં આવ્યા છતાં ઇન્દ્રે તેનું ઉભા થઇ સ્વાગત કર્યું નહિ.પોતાના આ અપમાનથી બૃહસ્પતિએ દેવોનો ત્યાગ કર્યો, ઇન્દ્રને શાપ આપ્યો-તું દરિદ્ર થશે.આ અવસર સારો છે-એમ જાણી દૈત્યોએ દેવો સાથે યુદ્ધ આરંભ્યું. દેવોને હરાવી સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળ્યું.હારેલા દેવો બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ ઠપકો આપ્યો અને કહ્યું-બ્રાહ્મણનું અપમાન કરવાથી તમે દરિદ્ર થયા છો.હવે કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણને ગુરુ માની બૃહસ્પતિની ગાદી પર બેસાડો.

દેવોએ પૂછ્યું –એવા બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ કોણ છે ? બ્રહ્માએ કહ્યું-ત્વષ્ટા પ્રજાપતિનો પુત્ર વિશ્વરૂપ બ્રહ્મનિષ્ઠ છે.
વિશ્વ એટલે જગત .વિશ્વ એટલે વિષ્ણુ ભગવાન.વિશ્વના પ્રત્યેક પદાર્થમાં વિષ્ણુ ને જુએ તે વિશ્વરૂપ.
વિશ્વરૂપ કેવળ બ્રહ્મજ્ઞાની નહિ પણ બ્રહ્મનિષ્ઠ પણ છે. તેની બ્રહ્મદૃષ્ટિ છે.
બ્રહ્મદૃષ્ટિ રાખનારો બ્રહમ-વિદ્યા નો ઉપદેશ કરી શકે છે. અને તેના ઉપદેશની અસર પણ થાય છે.

નારાયણ-કવચ એ બ્રહ્મવિદ્યા છે. કવચ એટલે બખ્તર. નારાયણ-કવચ મંત્રાત્મક બખ્તર છે.
બ્રહ્માના કહેવાથી દેવો વિશ્વરૂપ પાસે ગયા. વિશ્વરૂપે દેવોને નારાયણ-કવચ આપ્યું.
તેથી તેમનું રાજ્ય જે બૃહસ્પતિનું અપમાન કરવાથી –અસુરો પાસે ગયું હતું -તે -અસુરોને હરાવીને-પાછું મળ્યું.
વિશ્વરૂપને ગુરુની ગાદી આપી.વિશ્વરૂપનું મોસાળ દૈત્યકુળમાં હતું. વિશ્વરૂપ સર્વમાં બ્રહ્મનિષ્ઠા રાખનાર હતો. તેથી યજ્ઞમાં દૈત્યોને પણ આહુતિ આપે છે.

ઇન્દ્રને આ જાણવામાં આવ્યું, તેને આ ઠીક લાગ્યું નહિ. તેની સર્વમાં બ્રહ્મ ભાવના સિદ્ધ થઇ નહોતી. ગુરુને આમ કરવાની ના પાડી,પણ ગુરુ માનતા નથી, આથી તેણે વજ્રથી વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું.
વિશ્વરૂપના પિતા ત્વષ્ટા પ્રજાપતિને બહુ દુઃખ થયું. તેમણે વિચાર્યું-મારો દીકરો બહુ સરળ હતો.દેવોએ તેમનું કામ સિદ્ધ થયા પછી –તેને મારી નાખ્યો.તેને છેતરીને મારી નાખ્યો. હું પણ યજ્ઞ કરીશ. જે યજ્ઞથી ઇન્દ્રને મારનારો પુત્ર થાય.

ત્વષ્ટા પ્રજાપતિએ યજ્ઞ કર્યો. પણ યજ્ઞના મંત્ર માં ભૂલ થવાથી, ઇન્દ્રને મારનારને બદલે-ઇન્દ્રના હાથે મરનાર પુત્ર ઉત્પન્ન થયો.ઇન્દ્રશસ્ત્રો વિવર્ધસ્ત્ર—(ઇન્દ્ર શબ્દને દીર્ઘ કર્યો અને શસ્ત્રો શબ્દને હસ્વ કર્યો.આમ કરવાથી શબ્દાર્થમાં ફરક થઇ જાય છે.ઇન્દ્ર શબ્દ –પ્રધાન- થયો. એટલે- ઇન્દ્રને મારનાર- ને બદલે -ઇન્દ્રથી મરનાર –અર્થ થઇ જાય.)

વેદોનો –વેદ મંત્રોનો શુદ્ધ ઉચ્ચાર મહત્વનો છે. મંત્રના ઉચ્ચારણમાં કે પાઠમાં ભૂલ થાય તો અનર્થ થાય.
એટલે બધાને વેદોનો અધિકાર આપ્યો નહોતો.માત્ર વિદ્વાન –જાણકાર –જ વેદો નો પાઠ કરી શકે છે.
(આજકાલના જમાનામાં તો વેદોનું પુસ્તક તો શું –પણ પુસ્તકનો ફોટો પણ જોયો હોતો નથી –પણ વ્યાસે વેદોનો અધિકાર માત્ર બ્રાહ્મણોને જ કેમ આપ્યો? બીજાને કેમ નહિ? એની ચર્ચામાં મશગુલ થઇ જાય છે-એ શું આશ્ચર્ય નથી ??)
    
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE