Jan 7, 2020

ભાગવત રહસ્ય-૧૫૧

અજામિલ શબ્દના બે અર્થો થાય છે.(૧) અજા=માયાથી-માયા માં ફસાયેલો 
(૨) અજ=ઈશ્વર,ઈશ્વર માં સર્વ રીતે મળી ગયેલો.
માયા નું ઘણી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. શંકરાચાર્ય મણિરત્ન-માળામાં વ્યાખ્યા આપતાં કહે છે-કે-કંચન અને કામિનીમાં જે ફસાયેલો છે-તે માયામાં ફસાયેલો છે.
શંકરાચાર્યે મણિરત્ન=માળામાં પ્રશ્નો અને જવાબ ઘણી ઉત્તમ રીતે આપેલા છે. એક એક શબ્દમાં ઘણો બોધ આપ્યો છે.
--બંધાયેલો કોણ?-- જે પાંચ વિષયોમાં આસક્તિવાળો છે તે.
--છૂટેલો કોણ?-- જેણે વિષયો તરફ વૈરાગ્ય આવ્યો છે તે.
--ઘોર નરક કયું?-- પોતાનો જ દેહ. 
    (શરીરમાં કશું સુંદર નથી મૂત્ર,વિષ્ટા,માંસ –લોહી વગેરે દુર્ગંધયુક્ત પદાર્થો તેમાં ભરેલા છે.)
--સ્વર્ગમાં જવા માટેનું પગથીયું કયું ?-- સર્વ તૃષ્ણાઓનો ક્ષય.
--દરિદ્ર કોણ? --જેને ઘણી તૃષ્ણાઓ છે તે.
--શ્રીમંત કોણ? --જે સદાને માટે સંતોષી છે તે.
--મોટામાં મોટો રોગ કયો ? --જન્મ ધારણ કરવો તે.
--આ રોગને દૂર કરવાનું ઔષધ કયું ?-- પરમાત્મા સ્વરૂપનો વારંવાર વિચાર કરવો તે.

અજામિલ ચરિત્ર બોધ આપે છે-કે-પરમાત્માના નામમાં અજબ શક્તિ છે. સાધારણ માનવ સમજાવવાથી સુધરતો નથી.તેને સજા થાય તો સુધરે છે.પાપનો પસ્તાવો થાય તો પાપ બળે છે. મંત્ર જપ એ પાપનું પ્રાયશ્ચિત છે.'શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે ,હે નાથ નારાયણ વાસુદેવ'
આ મહામંત્ર છે. આ મંત્રનો જપ –અર્થના અનુસંધાન સાથે કરવો જોઈએ.

કૃષ્ણ=સર્વનું આકર્ષણ કરનારા (મારા મનનું આપના તરફ આકર્ષણ કરો)
ગોવિંદ=ઇન્દ્રિયોનું રક્ષણ કરનારા (મારી ઇન્દ્રિયોને તમારાંમાં લીન કરો)
હરે=દુઃખોનું હરણ કરનારા (મારાં દુઃખોનું હરણ કરો)
મુરારે=મૂર્ નામના રાક્ષસને મારવા વાળા (મારા મનમાં ભરાયેલા કામ-ક્રોધાદિ રાક્ષસોને મારો)
હે નાથ =તમે નાથ અને હું સેવક
નારાયણ=હું નર અને તમે નારાયણ છો.
વાસુદેવ= અસ એટલે પ્રાણ. મારા પ્રાણનું રક્ષણ કરો.મારું મન તમારાં ચરણમાં અર્પણ કરું છું.

પ્રાચીનર્બહી રાજાને ત્યાં પ્રચેતા નામના દસ પુત્રો થયેલાં,એમને ત્યાં દક્ષ નામનો પુત્ર થયેલો.દક્ષને ત્યાં દસ હજાર પુત્રો થયા.દક્ષે તેઓને પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી. પરંતુ નારાયણ સરોવરના જળ નો સ્પર્શ થતાં 
તેઓને પરમહંસ ધર્મ આચરવાની બુદ્ધિ થઇ.ત્યાં તેઓને નારદજી મળ્યા. નારદજીએ આ દસ હજાર પુત્રોને કૂટપ્રશ્નો કર્યા.તેના જવાબો તે પુત્રોએ વિચાર્યા,અને વિચાર કરી મોક્ષમાર્ગે પ્રવૃત્ત થયા.સર્વ ને નારદજીએ સંન્યાસ લેવડાવ્યો છે.અહીં નારદજીના થોડા કૂટપ્રશ્નો અને તેના ઉત્તરો જોઈએ-

--જ્યાં એક જ પુરુષ છે-તેવો દેશ કયો ? --(ઈશ્વર-રૂપ ) પુરુષ આ દેહમાં (દેશમાં) રહેલો છે.
--જેમાં જવાય પણ નીકળાય નહિ તે જગા કઈ ?—પ્રભુના ચરણ (ત્યાંથી પાછું ફરાતું નથી)
--બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેનારી નદી કઈ ?—સંસાર. (પ્રવૃત્તિ-વિષયો તરફ અને નિવૃત્તિ પ્રભુ તરફ લઇ જાય છે) --માથે ચક્ર ફરે છે-તે શું ?—કાળ ચક્ર દરેક જીવને માથે ફરે છે.

દક્ષે જોયું કે પોતાના દસ હજાર પુત્રો પ્રવૃત્તિ માર્ગમાંથી ભ્રષ્ટ થયા છે-એટલે તેણે બીજા દસ હજાર પુત્રો ઉત્પન્ન કર્યા.આ બીજા દસ હજાર પુત્રો પણ નારદજીના ઉપદેશથી નિવૃત્તપરાયણ થયા. તેથી દક્ષ પ્રજાપતિએ ગુસ્સે થઇ નારદજીને શાપ આપ્યો-કે તમે એક ઠેકાણે કદી રહી શકશો નહિ. અનેક ઠેકાણે ભટકવું પડશે.
નારદજીએ શાપ માથે ચઢાવ્યો છે. નારદજી કહે છે-હું તને શાપને બદલે વરદાન આપું છું-કે હવે તારે ત્યાં પુષ્કળ કન્યાઓ થશે-એટલે સંન્યાસનો પ્રશ્ન નહિ રહે.

શુકદેવજી વર્ણન કરે છે-રાજન,તે પછી દક્ષને ત્યાં સાઠ કન્યાઓ થઇ.તેમાં અદિતિને ત્યાં બાર બાળકો થયાં. તેમાંના એક નું નામ –ત્વષ્ટા.અને ત્વષ્ટા પ્રજાપતિને ત્યાં વિશ્વરૂપ થયા છે.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE