Jan 14, 2020

ભાગવત રહસ્ય-૧૫૮

દિતિ એ ભેદબુદ્ધિ છે. ભેદબુદ્ધિના બે પુત્રો છે-અહંતા (હું) અને મમતા (મારું) 
સર્વ દુઃખનું મૂળ ભેદબુદ્ધિ છે. સર્વ સુખનું મૂળ અભેદભાવ છે.અભેદભાવ શરીરથી નહિ-પણ બુદ્ધિથી થાય તો –સર્વ- માં -સમબુદ્ધિ આવે છે. જ્યાં ભેદ છે ત્યાં ભય છે-અભેદ છે ત્યાં અભય છે.જ્ઞાની પુરુષો જગતને અભેદ ભાવથી જુએ છે. મારામાં જે ચૈતન્ય છે તે સર્વ માં છે.જયારે સામાન્ય માણસ જગતને ભેદભાવથી જુએ છે.આ સારું છે-આ ખરાબ છે.—આ યુવાન છે આ વૃદ્ધ છે.-આ સ્ત્રી છે,આ પુરુષ છે.

ભેદભાવથી ભેદબુદ્ધિ થાય અને તેમાંથી –હું અને મારું.(અહંતા ને મમતા) પેદા થાય છે.
મમતાનો કદાચ વિવેકબુદ્ધિથી નાશ થાય છે.પણ અહંભાવનો નાશ થવો કઠણ છે.
મારામાં અભિમાન નથી એમ માનવું તે પણ અભિમાન છે.

હિરણ્યકશિપુ અહંકારનું –અભિમાનનું સ્વરૂપ છે.અભિમાન સર્વને ત્રાસ આપે છે-રડાવે છે. દેહાભિમાન દુઃખ નું કારણ છે.મમતા મરે છે-પણ અહંકાર મરતો નથી,અહંકારને મારવો કઠણ છે.
તે રાતે મરતો નથી કે દિવસે મરતો નથી.ઘરની અંદર મરતો નથી કે ઘરની બહાર મરતો નથી.
તે અસ્ત્ર કે શસ્ત્રથી મરતો નથી. તેને મધ્યમાં મારવો પડશે. (હિરણ્યકશિપુની જેમ)
દેહાભિમાન મરે તો શાંતિ મળે છે. અહંકારને મારે તો તે ઈશ્વરથી દૂર નથી.

અહંકારને મારવાનો છે,અને અહંકાર મરે છે ઉંબરામાં.આગળ કથા આવશે કે બે ગોપીઓની વચ્ચે શ્રીકૃષ્ણ છે-એટલે કે-બે મનોવૃત્તિની વચમાં શ્રીકૃષ્ણને રાખશો તો અહંકાર મરશે.
મન સંકલ્પ-વિકલ્પ કરે છે-એક સંકલ્પની સમાપ્તિ અને બીજા નો આરંભ.તે બેની વચ્ચે શ્રીકૃષ્ણને રાખો-તો અહંકાર મરે.સતત ભક્તિ કરવાની ટેવ પડે તો દેહભાવ જાય છે.અને દેહભાવ જાય તો અહંકાર ક્યાંથી રહે ?

પ્રહલાદ સતત ભક્તિ કરે છે,અને આ ભક્તિથી હિરણ્યકશિપુ-એટલે કે અહંકાર મરે છે.
અભિમાન સર્વ દુર્ગુણોને ખેંચી લાવે છે-જયારે ભક્તિ સર્વ સદ-ગુણોને ખેંચી લાવે છે.
સર્વ સદગુણોની મા ભક્તિ છે.ભક્તિ છે ત્યાં વિનય છે,નમ્રતા છે,દયા છે, ઉદારતા છે.
જ્ઞાન ભલે સુલભ લાગે-પણ અહંતા-મમતાનો વિનાશ ન થાય ત્યાં સુધી જ્ઞાન દીપે નહિ.

હિરણ્યકશિપુ જ્ઞાની હતો પણ તેનું જ્ઞાન અહંતા અને મમતાથી ભરેલું હતું. પોતાના ભાઈ હિરણ્યાક્ષના મરણ પ્રસંગે તે માતાને બ્રહ્મોપદેશ કરે છે-પણ અંદર વિચારે છે કે મારા ભાઈનો વધ કરનાર વિષ્ણુ ઉપર ક્યારે વેર વાળું ? વેદાંત અને બ્રહ્મજ્ઞાનની વાતો કરે પણ પ્રેમ સંસારના વિષયો સાથે કરે-તે દૈત્ય.
હિરણ્યકશિપુએ તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. અને વરદાન માગ્યા-કે-મને બે વરદાન આપો.મને વૃદ્ધાવસ્થા આવે નહિ –હું કોઈ દિવસ મરું નહિ. મને અજર અમર બનાવો.

બ્રહ્માજી કહે છે-કે-દરેકને મરવું તો પડે જ. જન્મેલાને મરણ તો છે જ. તું બીજું કાંઇક માગ.
હિરણ્યકશિપુ કહે-મને અજર અમર થવાનું વરદાન તો આપવું જ પડશે.હું દહાડે ના મરું-રાત્રે ના મરું, જડથી ન મરું-ચેતનથી ન મરું,શસ્ત્રથી ના મરું-અસ્ત્રથી ન મરું. તેવું વરદાન મને આપો.
બ્રહ્માજીએ વિચાર કર્યો-હિરણ્યકશિપુએ ખુબ તપશ્ચર્યા કરી છે-વરદાન તો આપવું જ પડશે.એટલે તેમણે વરદાન આપ્યું.

હિરણ્યકશિપુની શક્તિ વધી છે.સ્વર્ગમાં ગયો અને ત્યાંથી સંપત્તિ લઇ આવ્યો.ઇન્દ્ર વગેરે દેવોનો પરાભવ કર્યો.દેવો ઘણા દુઃખી થયા છે. પરમાત્માને પ્રાર્થના કરી છે. ભગવાને કહ્યું-મારા લાડીલા ભક્તો જયારે દુઃખી થાય છે-ત્યારે હું અવતાર ધારણ કરું છું. દેવોને ભગવાને આશ્વાસન આપ્યું છે અને કહ્યું-“જયારે તે પોતાના પુત્ર નો દ્રોહ કરી તેને મારવા તૈયાર થશે-ત્યારે હું અવતાર ધારણ કરીશ અને તેને મારીશ.

આ બાજુ હિરણ્યકશિપુને ઘેર –પુત્ર-પ્રહલાદનો જન્મ થયો છે.પ્રહલાદજી ધીરે ધીરે મોટા થયા છે. પાંચ વર્ષના થયા છે.સર્વ ને આહલાદ-આનંદ આપનાર તે પ્રહલાદ.
દૈત્યોના ગુરુ હતા શુક્રાચાર્ય.તેમના પુત્ર હતા શંડ અને અમર્ક.(શંડામર્ક)
હિરણ્યકશિપુ એ આ બંને બોલાવી કહ્યું કે-આ બાળક-પ્રહલાદને રાજનીતિ ભણાવો.
શંડામર્ક પ્રહલાદને રાજનીતિ શીખવાડે છે-પરંતુ ગર્ભમાં આવ્યા ત્યારથી પ્રહલાદને ભક્તિનો રંગ લાગ્યો હતો.
ભક્તિનો રંગ જલ્દી લાગતો નથી-અને લાગી જાય તો પાછી સંસારની પ્રવૃત્તિ ગમતી નથી.
મીરાબાઈએ કહ્યું છે-કે-મારા શ્રી કૃષ્ણનો રંગ કાળો છે. કાળા રંગ પર બીજો કોઈ રંગ લાગતો નથી.
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE