Jan 13, 2020

ભાગવત રહસ્ય-૧૫૭

સમતા ઈશ્વરની છે-પણ જે વિષમતા દેખાય છે –તે માયાની છે.ઈશ્વરના અધિષ્ઠાનમાં (આધારમાં) માયા ક્રિયા કરે છે-એટલે માયા જે કાંઇ ક્રિયા કરે- તેનો આરોપ ઈશ્વર પર કરવામાં આવે છે.ઉદાહરણ તરીકે-દીવો કંઈ કરતો નથી પણ દીવો ન હોય તો કંઈ થઇ શકતું નથી.નાનો બાળક જમવા બેઠો હોય અને બાળક વધુ માગે –તો પણ મા તેને વધારે ખાવા આપતી નથી. મા વિચારે છે-કે વધુ ખાશે અને પચશે નહિ તો ઝાડા થઇ જશે, જયારે મા નો સોળ વર્ષ નો છોકરો બહારથી આવે તો વગર માગ્યે મા બે રોટલી વધારે આપશે.વિચારે છે કે બહાર રમવા જશે તો બધું પચી જશે અને છોકરો તગડો થશે. 

મા ની ક્રિયામાં વિષમતા દેખાય છે,પણ તેમાં સમતા છે.બંને બાળક પર તેનો પ્રેમ સરખો જ છે.
ભગવાન દૈત્યોને મારે છે-પણ ભગવાનના મારમાં પણ પ્રેમ છે.

સત્વગુણ-રજોગુણ અને તમોગુણ એ પ્રકૃતિના ગુણો છે. આત્માના નથી.માયા (પ્રકૃતિ) ત્રિગુણાત્મિકા છે. (ત્રણ ગુણોવાળી) જયારે પરમાત્મા ત્રણે ગુણોથી પર છે.ત્રણ ગુણો વધે –ક્ષોભ થાય એટલે ક્રિયા થાય છે.
પરમાત્મા જયારે જીવના ભોગ માટે શરીર સર્જે છે- ત્યારે રજોગુણના બળમાં વૃદ્ધિ કરે છે.
જીવના પાલન માટે સત્વગુણની વૃદ્ધિ કરે છે. અને સંહાર માટે તમોગુણના બળમાં વૃદ્ધિ કરે છે.

શુકદેવજી કહે છે-રાજન,તમે જેવો પ્રશ્ન કર્યો છે-તેવો જ પ્રશ્ન તમારા દાદા ધર્મરાજાએ –રાજસૂય યજ્ઞમાં નારદજીને કર્યો હતો.રાજસૂય યજ્ઞમાં પહેલી પૂજા શ્રીકૃષ્ણની કરવામાં આવી. આ સહન નહિ થવાથી શિશુપાલ ભગવાનની નિંદા કરવા લાગ્યો.ભગવાન નિંદા સહન કરે છે- પણ સો અપરાધ પુરા થયા પછી તેનું મસ્તક ઉડાવી દે છે.શિશુપાલના શરીરમાંથી નીકળેલું આત્મતેજ ભગવાનમાં લીન થયું. અને તેને સદગતિ મળી.આ જોઈ યુધિષ્ઠિરને આશ્ચર્ય થયું.તેમણે નારદજીને પ્રશ્ન પૂછ્યો-

શિશુપાલ તો ભગવાનનો શત્રુ હતો-તેની દુર્ગતિ થવી જોઈએ –તેના બદલે તેની સદગતિ કેમ થઇ ? શિશુપાલ ની સદગતિ થઇ છે-તે મેં નજરો નજર જોઈ છે.આવી સાયુજ્ય ગતિ શિશુપાલ કેવી રીતે પામ્યો?
નારદજી બોલ્યા-રાજન, પારસમણિ ઉપર કોઈ લોખંડનો હથોડો મારે-તો હથોડાથી પારસમણિ તૂટી જશે, પણ પારસમણિ તે હથોડાને સુવર્ણનો બનાવી દેશે. તેમ-કોઈ પણ નિમિત્તથી જીવ ઈશ્વરનો સ્પર્શ કરે તો –પરમાત્મા તેનું કલ્યાણ કરે છે.વેરથી પણ જે પરમાત્માને યાદ કરે છે-તેનું પણ તે કલ્યાણ કરે છે. 

પરમાત્મા એ કહ્યું છે-કે-“કોઈપણ રીતે,કોઈ પણ ભાવથી,જીવ મારા સાથે તન્મય બને તો મારા સ્વરૂપનું હું તેણે દાન કરું છું. “ મારા માલિક અતિ ઉદાર છે.
જેમ ભક્તિથી ઈશ્વરમાં મન જોડી-ઘણા મનુષ્યો,પરમાત્માની ગતિ ને પામ્યા છે, તેવી જ રીતે –પ્રભુ પ્રત્યે- કામ થી,દ્વેષથી,ભય થી તથા ઘણા સ્નેહથી પણ ભગવાનમાં મન જોડી અનેક મનુષ્યો સદગતિ પામ્યા છે.
કોઈ ગોપીઓ કામભાવથી ભગવાનનું ચિંતન કરતી હતી,પણ જેનું ધ્યાન કરે છે-તે કૃષ્ણ નિષ્કામ છે, એટલે તે ગોપી નિષ્કામ બને છે.કંસને દેવકીનો આઠમો પુત્ર જ દેખાય છે,બીકને લીધે તે શ્રીકૃષ્ણનું ચિંતન કરતા તન્મય થયો છે.શિશુપાલ વેરથી-ક્રોધથી પણ ચિંતન ભગવાનનું કરતો હતો. તેથી સર્વેને સદગતિ મળી છે.

કોઈ પણ ભાવથી ઈશ્વરની તન્મયતા જરૂરી છે.તેથી હરકોઈ મનુષ્યે કોઈ પણ ઉપાયથી સંપૂર્ણપણે પોતાનું મન પ્રભુમાં જોડવું જોઈએ.શિશુપાલ સાધારણ નહોતો.તે વિષ્ણુ ભગવાનનો પાર્ષદ હતો. વેર કરનારને પણ શ્રીકૃષ્ણ સદગતિ આપે છે.વેર કરનાર સાથે પણ પ્રભુ પ્રેમ કરે છે- તો પછી જે ભક્ત પરમાત્મા સાથે પ્રેમ કરે તેણે ભગવાન મુક્તિ આપે –એમાં શું આશ્ચર્ય ?

નારદજીએ પછી-જય-વિજયના ત્રણ જન્મોની કથા ટૂંકમાં કહી.પહેલા જન્મમાં –હિરણ્યાક્ષ.હિરણ્યકશિપુ- બીજા જન્મમાં –રાવણ,કુંભકર્ણ- ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ત્ર.
દિતિના બે પુત્રો-હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ.
હિરણ્યાક્ષનો વધ વરાહ ભગવાને કર્યો. હવે હિરણ્યકશિપુની કથા આવે છે,હિરણ્યકશિપુ-પોતાના પુત્ર પ્રહલાદને મારવા પ્રયત્ન કરે છે-ત્યારે પ્રભુ નૃસિંહ રૂપ ધારણ કરી તેનો વધ કરે છે.

ધર્મરાજા નારદજીને પૂછે છે-પુત્ર સાથે પિતા વેર કરે તે આશ્ચર્ય લાગે છે, પ્રહલાદ મહાન ભક્ત હતા,છતાં તેમને મારવાની ઈચ્છા હિરણ્યકશિપુને કેમ થઇ ? કૃપા કરી આ નૃસિંહઅવતારની કથા વિસ્તારપૂર્વક અમને સંભળાવો.
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE