Page list

May 26, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1142

 

અધ્યાય-૧૪૫-સંકુલ યુદ્ધ 


II धृतराष्ट्र उवाच II तदवस्थे हते तस्मिन् भूरिश्रवसि कौरवे I यथा भुयोमवद्युद्वं तन्ममाचक्ष्य संजय II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય જયારે તે ભૂરિશ્રવા મરણ પામ્યો પછી જે યુદ્ધ થયું હોય તે વિષે તું મને કહે.

સંજય બોલ્યો-હે ભારત,એ રીતે જયારે ભૂરિશ્રવા પરલોક પ્રયાણ કરી ગયો ત્યારે અર્જુને વાસુદેવને કહ્યું કે-હે કૃષ્ણ,જે તરફ જયદ્રથ છે તે તરફ આપણા ઘોડાઓને હંકારો,આ સમયે તે ત્રણ ધર્મોમાં આવી પડેલો સંભળાય છે.(જો તે યુદ્ધમાં મરણ પામે તો સ્વર્ગલોકે જશે,યુદ્ધમાં પલાયન કરતાં માર્યો જશે તો નરકે જશે,ને અર્જુનના ભયથી પોતાના દેશ તરફ ભાગી જશે તો યશરૂપી શરીરનો નાશ થતાં તેનો વાસ્તવિક નાશ થશે-આ રીતે તે ત્રણ ધર્મમાં રહેલો છે)

હે કૃષ્ણ,જેમ બને તેમ તમે મારી પ્રતિજ્ઞા સફળ કરાવવા યોગ્ય છો,કારણકે સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં છે.સૂર્યાસ્ત પહેલાં હું તેનો વધ કરી શકું તે રીતે તમે ઘોડાઓને હંકારો' તે સાંભળી,અશ્વોના હૃદયને જાણનારા શ્રીકૃષ્ણે જયદ્રથના વધને લક્ષ્યમાં રાખીને પોતાના ઘોડાઓને,જયદ્રથ પ્રતિ દોડાવ્યા.અર્જુનને વાયુવેગે પ્રયાણ કરતો જોઈને યોદ્ધાઓ તેની તરફ ધસ્યા.

દુર્યોધન,કર્ણ,વૃષસેન,મદ્રરાજ,અશ્વત્થામા,કૃપાચાર્ય અને સિંધુરાજ પોતે તે વખતે અર્જુનની સામે થયા હતા.


ત્યારે દુર્યોધન કર્ણને કહેવા લાગ્યો કે-'હે કર્ણ,તું તારા બળને દર્શાવ ને અર્જુન જયદ્રથનો વધ ન કરી શકે તેવું તું કર.હવે દિવસ થોડો જ બાકી રહ્યો છે તો તું બાણોના ઢગ છોડીને તેને રોકી રાખ.જો આમ કરતાં કરતાં જો સૂર્યાસ્ત થઇ જશે તો અર્જુન પોતાની પ્રતિજ્ઞા મુજબ જરૂર અગ્નિમાં પ્રવેશ કરશે,ને આપણો વિજય થશે.અર્જુન વિનાના તેના ભાઈઓ પોતાના અનુયાયીઓ સહીત એક મુહૂર્તકાળ પણ જીવવાનો ઉત્સાહ ધરાવશે નહિ.તેમનો વિનાશ થશે તો આપણે આ નિષ્કન્ટક પૃથ્વીને ભોગવીશું.હે કર્ણ,તું જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી અર્જુન સૂર્યાસ્ત પહેલાં જયદ્રથનો વધ કેવી રીતે કરી શકશે?આપણે સર્વ મળીને જયદ્રથ નું રક્ષણ કરીશું તો અર્જુન તેને કેવી રીતે મારી શકશે? માટે હે કર્ણ,તું આજે યત્નપૂર્વક અર્જુન સામે યુદ્ધ કરી તેને રોકી રાખ'


કર્ણ બોલ્યો-'હે દુર્યોધનરાજ,ભીમસેને મારા શરીરને અત્યંત ઘાયલ કર્યું છે,પણ રણમાં મારે હાલ ઉભા જ રહેવું જોઈએ એમ સમજીને હાલ હું અહીં ઉભો છું.મારુ અંગ એટલું બધું તપે છે કે તે જરાયે કાર્ય કરી શકતું નથી.છતાં મારું જીવિત કેવળ તમારા માટે જ છે અને તેથી હું યથાશક્તિ પૂર્ણ પ્રયત્નથી યુદ્ધ કરીશ.તો પણ વિજય તો દૈવાધીન જ છે.'


સંજય બોલ્યો-'હે રાજન,તે વખતે અર્જુન તમારી સેનાનો ઘાણ વળી રહ્યો હતો.મહા સંહાર થઇ રહ્યો હતો.જોતજોતામાં તો અર્જુને તમારી સેનાનો લગભગ સંહાર કરી નાખ્યો ને તે,ભીમસેન અને સાત્યકિના રક્ષણ તળે સિંધુરાજ પાસે આવી પહોંચ્યો.અર્જુનને ત્યાં આવી પહોંચેલો જોઈને દુર્યોધન,કર્ણ,વૃષસેન,મદ્રરાજા,અશ્વત્થામા,કૃપાચાર્ય વગેરે સજ્જ થઈને અર્જુનને ઘેરી વળ્યા.ને અર્જુન તરફ સેંકડો બાણો છોડવા માંડયા.અર્જુન તે બાણોને વચમાંથી જ કાપી નાખવા લાગ્યો.ત્યારે કૃપાચાર્ય,અશ્વત્થામા,વૃષસેન,દુર્યોધન,કર્ણ અને શલ્યે પોતપોતાના દિવ્ય બાણોનો પ્રયોગ કરીને અર્જુનને વીંધ્યો.

પણ તે સર્વનો પ્રતિકાર કરીને ને સૈન્યોના યોદ્ધાઓનો લગભગ સંહાર કરીને અર્જુન જયદ્રથ પર ચઢી આવ્યો.


ત્યારે કર્ણે અનેક બાણો મૂકીને તેને અટકાવ્યો.તે સમયે સૂતપુત્ર કર્ણનું પરાક્રમ અમને અદભુત જણાયું હતું,કારણકે તેણે એકલાએ જ અર્જુન,ભીમ અને સાત્યકિને અટકાવ્યા હતા.પછી,અર્જુને કર્ણને સો બાણોથી તેના મર્મસ્થાનોમાં પ્રહાર કર્યો,ને તેના ધનુષ્યને કાપી નાખ્યું.તે વખતે કર્ણે તરત જ નવું ધનુષ્ય લઈને આઠ હજાર બાણો મૂકીને અર્જુનને છાઈ દીધો.પણ સામે અર્જુને તે અતુલ બાણસૃષ્ટિનો સામે અનેક બાણો મૂકીને નાશ કરી નાખી,કર્ણનો વધ કરવા સૂર્યસમાન પ્રભાવાળું એક બાણ મૂક્યું,કે જે બાણને અશ્વત્થામાએ વચમાં જ કાપી નાખ્યું.પરસ્પરના વધની ઈચ્છા કરતા કર્ણ અને અર્જુનનું તે યુદ્ધને સર્વ જોઈ રહ્યા હતા.ને તે બંનેની પ્રશંસા કરતા હતા.તે વખતે દુર્યોધને સર્વ યોદ્ધાઓને કહ્યું કે-'તમે કર્ણનું બરાબર રક્ષણ કરજો,આજના રણમાં કર્ણ અર્જુનને માર્યા વિના પાછો ફરશે નહિ'


પછી,ક્રોધાયમાન થયેલા અર્જુને બાણો મૂકીને કર્ણના ઘોડાઓને અને સારથિને ઢાળી દીધા ને કર્ણને બાણજાળથી દાટી દીધો.રથરહિત થયેલો ને ગભરાયેલો કર્ણ અશ્વત્થામાના રથ પર ચડી ગયો.ત્યારે કૃપાચાર્ય,સિંધુરાજ.મદ્રરાજ,વૃષસેન આદિ અર્જુન સામે આવી તેને વીંધવા લાગ્યા.એટલે તે સર્વને અર્જુને અનેક બાણો મૂકીને સામે વીંધી નાખ્યા.હવે જયારે સર્વ યોદ્ધાઓ એકત્ર થઈને અર્જુન સામે ધસી આવ્યા ત્યારે તે સર્વને ત્રાસ પમાડવા અર્જુને વારુણાસ્ત્ર પ્રગટ કર્યું.તે સમયે આકાશ સળગતાં ઉંબાડિયાંવાળું થઇ ગયું હતું.રણમાં નિર્જીવ થઈને પડેલાં કલેવરો પર માંસાહારી પક્ષીઓ ઝડપ મારતાં હતાં.આગળ વધતા કૌરવ યોદ્ધાઓને અટકાવીને અર્જુને કૌરવ સૈન્યનો મહાસંહાર કર્યો હતો (98)

અધ્યાય-145-સમાપ્ત