અધ્યાય-૧૪૬-જયદ્રથનો વધ
II संजय उवाच II श्रुत्वा निनादं धनुषश्व तस्य विष्पष्टमुत्कृष्टभिवान्तकस्य I शक्राशनिस्फ़ोटसमं सुघोरं विकृष्णमाणस्य धनंजयेन II १ II
સંજય બોલ્યો-અર્જુને જયારે પોતાના ધનુષ્યને ખેંચ્યું હતું,ત્યારે તેનો ટંકારાવ,કાળની સ્પષ્ટ ગર્જના સરખો તથા ઇન્દ્રના વજ્રના સ્ફોટ સમો અતિઘોર સંભળાયો હતો.હે રાજન,ત્યારે તમારું સૈન્ય ત્રાસથી ઉદ્વિગ્ન થઇ ગયું હતું.એ સમયે અર્જુન સર્વ દિશાઓમાં એકી સાથે સર્વ અસ્ત્રોનો પ્રયોગ કરી દેખાડતો હતો.ને રણમાં ઘૂમતો હતો.પછી,તેણે એકદમ ક્રોધે ભરાઈને દુરાસદ ઐન્દ્રાસ્ત્ર પ્રગટ કર્યું.એટલે તરત જ ત્યાં દિવ્ય અસ્ત્રોથી મંત્રેલાં સેંકડો બાણો પ્રગટ થવા લાગ્યાં.અર્જુન સામે જે જે યોદ્ધાઓ આવતા હતા તેઓ સર્વે બળબળતા અગ્નિ સામે જતા પતંગિયાંની જેમ નાશ પામતા હતા.એ વેળા સંગ્રામમાં અર્જુને ચાલુ કરેલા મહાસ્ત્રોના અતિ દુસ્તર અને મહાઘોર પ્રવાહમાં મોટામોટા યોદ્ધાઓ ડૂબી મરતા હતા.એ મહાન સમરાંગણ મૃત્યુની સંહારભૂમિ જેવું જણાતું હતું.મૂર્તિમાન કાળની જેમ રણમાં ઘૂમી રહેલા એ અર્જુનના પરાક્રમને જોઈને,કૌરવો પૂર્વે કદી નહિ જોયેલા એવા મોટા ભયમાં આવી પડ્યા.સર્વે મહારથીઓનું ઉલ્લંઘન કરીને તે જયદ્રથની સામે પહોંચી ગયો ને ચોસઠ બાણો મારીને તેને વીંધી નાખ્યો.અર્જુનને જયદ્રથ સામે આવેલો જોઈને યોદ્ધાઓ પોતાના જીવિતને માટે,નિરાશ થઇ રણમાંથી નિવૃત્ત થઇ ગયા.
એ પ્રમાણે તમારા સૈન્યને હાંકી કાઢીને અર્જુને સિંધુરાજના રક્ષકોને મારી નાખ્યા ને અશ્વત્થામા,કૃપાચાર્ય,કર્ણ,શલ્ય,વૃષસેન તથા દુર્યોધનને બાણોની તીવ્ર જાળથી ઢાંકી દીધા.અર્જુન એટલી બધી શીઘ્રતાથી બાણો છોડતો હતો કે બાણ ક્યારે છૂટે છે તે કંઈ પણ દેખાતું નહોતું.અર્જુને તે સર્વ મહારથીઓને વીંધી નાખીને સિંધુરાજના સારથિના મસ્તકને છેદી નાખ્યું,ને તેના વરાહના ચિહનવાળો ધ્વજ કાપી નાખ્યો.એ જ સમયે સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતો,એટલે શ્રીકૃષ્ણ અર્જુનને કહેવા લાગ્યા કે-'હે અર્જુન,છ મહારથીઓની વચમાં ઉભેલો જયદ્રથનો વધ એ મહારથીઓને પરાજય આપ્યા વિના થઇ શકશે નહિ.હું અહીં સૂર્યનું આવરણ કરવા યોગનું વિધાન કરીશ,એટલે સિંધુરાજ એકલો સ્પષ્ટ રીતે સૂર્યને અસ્ત પામેલો જોશે,ત્યારે તે હર્ષપૂર્વક તારો વિનાશ કરવા આગળ આવશે,એ લાગ જોઈને તું એના પર પ્રહાર કરીને મારી નાખજે,પણ યાદ રાખજે કે સૂર્ય અસ્ત થયો છે એમ માનીને તારે બેદરકાર રહેવું નહિ' અર્જુને કહ્યું-'બહુ સારું,ત્યારે એમ થવા દો'
એટલે શ્રીકૃષ્ણે સૂર્યને ઢાંકી દેવા અંધકાર પ્રગટ કર્યો,ત્યારે જયદ્રથ ઊંચું માથું કરીને સૂર્ય સામે જોઈ રહ્યો હતો.તે જોઈ શ્રીકૃષ્ણે પુનઃ અર્જુનને તેની પ્રતિજ્ઞા પુરી કરવા તેના વધની આજ્ઞા કરી.ત્યારે છ મહારથીઓ આગળ આવ્યા ને અર્જુન પર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા.હે રાજન,તે વખતે અર્જુને જેવો સંગ્રામ મચાવ્યો હતો તેવો હજી સુધી ક્યાંયે થયો નથી અને થશે નહિ.અર્જુને તેમના ધનુષ્યોને કાપી નાખ્યા,ને દિવ્ય અસ્ત્રો વડે તેમને વીંધી લોહીલુહાણ કરી દીધા.એ વેળા શ્રીકૃષ્ણ અર્જુનને પુનઃ કહેવા લાગ્યા કે-'હે અર્જુન,જયદ્રથના વધ કરવાના સંબંધમાં તું મારુ એક વાક્ય સાંભળી લે.આ સિંધુરાજનો વૃદ્ધક્ષત્ર નામનો પિતા જગતમાં ઘણો પ્રસિદ્ધ છે.જયદ્રથના જન્મ વખતે આકાશવાણી થઇ હતી કે-'તારો પુત્ર ક્ષત્રિયોમાં ઉત્તમ થશે પણ એક સમયે સંગ્રામમાં એક મહાન ક્ષત્રિય તેનો શિરચ્છેદ કરશે'
એ વખતે પુત્રના સ્નેહથી પ્રેરાઈને વૃદ્ધક્ષત્રે જ્ઞાતિજનો સમક્ષ કહ્યું હતું કે-જે પુરુષ મારા પુત્રના મસ્તકને પૃથ્વી પર પાડશે તેના મસ્તકના પણ સો ટુકડા થઇ જશે' સમય આવ્યે જયદ્રથને ગાદી પર બેસાડી વૃદ્ધક્ષત્ર વનમાં ઘોર તપ કરી રહ્યો છે.હે અર્જુન,તું આ જયદ્રથના મસ્તકને કાપીને દિવ્યાસ્ત્રથી તેના મસ્તકને ઊંચકી લઈને તપશ્ચર્યા કરતા તેના પિતા વૃદ્ધક્ષત્રના ખોળામાં તેને જાણ ના થાય તેમ પાડજે,કારણકે જો તે મસ્તક પૃથ્વી પર પડશે તો તુરત તારા મસ્તકના પણ સો ટુકડા થઇ જશે,એમાં સંશય નથી.હે અર્જુન,દિવ્ય અસ્ત્રનો આશ્રય કરી તું આ કાર્ય કરી બતાવ,તારે માટે કોઈ કાર્ય એવું નથી કે તે અસાધ્ય હોય.'
ત્યારે શ્રીકૃષ્ણના કહેવા મુજબ,અર્જુને દિવ્ય મંત્રોથી મંત્રેલું બાણ છોડ્યું કે જે સિંધુરાજના મસ્તકને કાપી નાખીને બાજ પક્ષીની જેમ તેના મસ્તકને સાથે લઈને જ ઊંચે આકાશમાં જવા માંડ્યું.ને તે વખતે અતિ આશ્ચર્ય થયું હતું.તે બાણ જયદ્રથના મસ્તકને જ્યાં વૃદ્ધક્ષત્ર તપશ્ચર્યા કરતો હતો ત્યાં લઇ ગયું.અને ધીરેથી તેના ખોળામાં જઈ પડ્યું.એ સમયે વૃદ્ધક્ષેત્રને જરાયે ખબર પડી નહિ કે પોતાના ખોળામાં પોતાના પુત્રનું જ મસ્તક આવીને પડ્યું છે.વૃદ્ધક્ષેત્ર જેવો જપ જપીને ઉભો થયો કે તુરત તે મસ્તક પૃથ્વી પર પડ્યું ને તે રાજાના મસ્તકના પણ સો ટુકડા થઇ ગયા.
આ પ્રમાણે જયારે અર્જુને સિંધુરાજનો વધ કર્યો,ત્યારે વાસુદેવે,પોતે કરેલા અંધકારને સમેટી લીધો.તે પછીજ તમારા પુત્રોને જાણવામાં આવ્યું કે સૂર્યનો વાસ્તવિક અસ્ત થયો ન હતો પણ કૃષ્ણે કરેલી માયા જ હતી.હે રાજન,અમાપ તેજવાળા અર્જુને આઠ અક્ષૌહિણી સેનાનો વિનાશ કર્યા પછી જ તમારા જમાઈ સિંધુરાજનો વધ કર્યો હતો.જયદ્રથને મરણ પામેલો જોઈને તમારા પુત્રો દુઃખના આંસુઓ વહાવવા લાગ્યા હતા ત્યારે અર્જુન અને કેશવે પોતપોતાના શંખો વગાડ્યા.ભીમસેન,સાત્યકિ,
યુધામન્યુ અને ઉત્તમૌજાએ પોતપોતાના શંખો વગાડ્યા,કે જે શંખોના અવાજથી યુધિષ્ઠિરે માની લીધું કે અર્જુને સિંધુરાજને માર્યો છે.પાંડવો મદોન્મત બનીને દ્રોણ સામે લડતા હતા ને અર્જુન ચોતરફથી શત્રુઓનો સંહાર કરી રહ્યો હતો (144)
અધ્યાય-146-સમાપ્ત