અધ્યાય-૧૪૭-કર્ણ અને સાત્યકિનું યુદ્ધ
II धृतराष्ट्र उवाच II तस्मिन्न विनिहते विरे सैन्धवे सव्यसाचिना I मामक यदकुर्वन्त तन्ममाचक्ष्य संजय II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,સવ્યસાચી અર્જુને જયારે વીર સિંધુરાજને મારી નાખ્યો પછી મારા પુત્રોએ શું કર્યું?તે તું મને કહે.
સંજય બોલ્યો-હે ભારત,સિંધુરાજને અર્જુને રણમાં મારી નાખેલો જોઈને કૃપાચાર્યે ક્રોધવશ થઈને અર્જુન પર મોટી બાણવૃષ્ટિ કરી.તે વખતે અશ્વત્થામા પણ અર્જુન સામે ધસી આવ્યો.તે બંને અર્જુનને પીડવા લાગ્યા હતા છતાં અર્જુને પોતાના ગુરુને ને ગુરુપુત્રને મારવાની ઈચ્છા ન કરી પરંતુ એ યુદ્ધમાં ગુરુનું સન્માન કરીને મંદ વેગવાળાં બાણો જ ફેંક્યા હતાં ને તે બાણોના પ્રહારથી કૃપાચાર્યને મૂર્છા આવી ગઈ ને તેઓ રથની બેસણી પર બેસી ગયા.
ત્યારે તેમનો સારથિ,'આમનું મરણ જ થયું છે' એમ સમજીને કૃપાચાર્યને રણમાંથી દૂર લઇ ગયો,આમ જયારે કૃપાચાર્ય રણમાંથી દૂર થયા ત્યારે અશ્વત્થામા પણ અર્જુન પાસેથી દૂર ખસીને બીજા રથીઓ પાસે ચાલ્યો ગયો.કૃપાચાર્યને મૂર્છિત થયેલા જોઈને અર્જુન,પોતાના રથમાં જ વિલાપ કરવા લાગ્યો ને દીનતા પૂર્વક બોલ્યો કે-'ખરે વિદુરે પ્રથમથી જ ભાવિફલ જોઈને ધૃતરાષ્ટ્રને કહ્યું હતું કે 'આ પાપી દુર્યોધન કુરુકુળનો સંહાર કરનારો થશે માટે તેને જન્મતાં જ પરલોકમાં મોકલી દો તો સારું' તે સત્યવાદી વિદુરનું વચન આજે સત્ય થયું છે.તેના લીધે જ ભીષ્મ બાણશૈય્યા પર પડ્યા છે ને આ ઋષિપુત્ર,મારા આચાર્ય ને દ્રોણના પરમમિત્ર મારા બાણોથી પીડાઈને રથની બેસણી પર શયન કરી ગયા છે.
મારી ઈચ્છા ન હતી છતાં પુત્રના શોકથી સંતપ્ત થઈને મેં તેમના પર વારંવાર બાણોનો પ્રહાર કર્યો હતો.પૂર્વે જે વેળા કૃપાચાર્ય મને અસ્ત્રોનું શિક્ષણ આપતા હતા ત્યારે તેઓ મને કહેતા હતા કે-'તારે કદી ગુરુ પર પ્રહાર કરવો નહિ' તેમના વચનને મેં માન આપ્યું નથી અને તેમના પર બાણો ચલાવી તેમને દુઃખી કર્યા છે.ગૌતમ ગોત્રના કૃપાચાર્યને મારા પ્રણામ હો.હે કૃષ્ણ,મને ધિક્કાર હજો કે આજે મેં ગુરુ પર પ્રહાર કર્યો છે' અર્જુન આમ જયારે વિલાપ કરી રહ્યો હતો,ત્યારે કર્ણ સામે ધસ્યો.તેને આવતો જોઈને પાંચાલ વંશના યુધામન્યુ ને ઉત્તમૌજા,સાત્યકિને આગળ કરીને એકાએક રણની સામે ધસ્યા.તે જોઈને અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે-'આ કર્ણ સાત્યકીના રથ સામે ધસી જાય છે,અવશ્ય ભૂરિશ્રવા રણમાં હણાયો છે.માટે જ તે ક્રોધિત કર્ણ સાત્યકિ સામે ધસ્યો છે,એથી આપણા ઘોડા સાત્યકિનું રક્ષણ કરવા કર્ણ સામે જ હંકારો'
ત્યારે શ્રીકૃષ્ણ સમયોચિત વચન બોલ્યા કે-'હે અર્જુન,સાત્યકિ એકલો જ કર્ણને પૂરો પડે તેમ છે.વળી તેની સાથે યુધામન્યુ ને ઉત્તમૌજા છે.આ સમયે તારે કર્ણની સામે સંગ્રામ કરવો યોગ્ય નથી કારણકે તેની પાસે ઇન્દ્રે આપેલી ઉલ્કા સરીખી એક શક્તિ છે ને એ શક્તિને તેણે તારા માટે જ મૂકી રાખી છે.કર્ણનો મરવાનો કાળ આવશે ત્યારે હું તને જણાવીશ,ને ત્યારે તું એને મારજે.'
સંજય બોલ્યો-હે રાજન,ભૂરિશ્રવા સાત્યકિનો રણમાં પરાજય કરશે એ વાત શ્રીકૃષ્ણને પ્રથમથી જ મનમાં આવી ગઈ હતી.ભૂત,ભવિષ્ય અને વર્તમાનની ઘટનાઓને એ જનાર્દન જાણે જ છે તેથી તેમને પોતાના દારુક સારથિને આજ્ઞા કરી હતી કે-'તું આપણા (શ્રીકૃષ્ણના)રથને સજ્જ કરી રાખજે' જયારે કર્ણ સજ્જ થઈને ચડી આવ્યો ત્યારે શ્રીકૃષ્ણે પોતાના શંખને ઋષભ સ્વરે વગાડ્યો.કે જે નાદને તેમનો સારથિ દારુક તરત જ સમજી ગયો ને તુરત જ ગરુડના ઊંચા નિશાનવાળી ધજાવાળા રથને શ્રીકૃષ્ણ પાસે લઇ આવ્યો.તે વખતે શ્રીકૃષ્ણની આજ્ઞા લઈને સાત્યકિ તે રથ પર ચડી ગયો.મહાવેગવાળા ને ઇચ્છામાં આવે ત્યાં ગતિ કરનારા શૈબ્ય,સુગ્રીવ,મેઘપુષ્પ અને બલાહક નામના ઉત્તમ ઘોડાઓ જોડેલા,તે સાક્ષાત વિમાન સરખા રથમાં બેસીને સાત્યકિ અનેક બાણો છોડતો કર્ણ સામે ધસ્યો.તેની પાછળ ચક્રરક્ષક તરીકે યુધામન્યુ ને ઉત્તમૌજા હતા.
પછી,કર્ણ અને સાત્યકિ વચ્ચે જે યુદ્ધ મચ્યું હતું,તેવું પૂર્વે કદી પણ થયું નથી.સઘળું સૈન્ય તે યુદ્ધને જોવા અટકી પડ્યું હતું.તે બંને પુરુષવ્યાઘ્રો પોતાનું અનુપમ પરાક્રમ દર્શાવીને અન્યોન્યને વીંધી નાખતા હતા.સાત્યકિએ કર્ણના સારથિને રથ પરથી ગબડાવી નાખી તેના ચારે ઘોડાઓને મારી નાખ્યા,ત્યારે કર્ણને રથવિહીન થયેલો જોઈને કર્ણપુત્ર વૃષસેન,શલ્ય અને અશ્વત્થામાએ આગળ આવી સાત્યકિને ઘેરી લીધો.ને રથ વિનાનો કર્ણ દુર્યોધનના રથ પર ચડી ગયો હતો.તે વખતે કર્ણને ને તે પહેલાં દુઃશાસન આદિ તમારા પુત્રોને,સાત્યકિએ જાણી જોઈને જ માર્યા ન હતા,કેમકે અર્જુન અને ભીમસેને તેમને મારવાની જે પ્રતિજ્ઞા કરી હતી,તે પ્રતિજ્ઞાઓને જ સાત્યકિએ માન આપ્યું હતું.
સાત્યકિનો વધ કરવા,કર્ણ આદિએ ઘણો પ્રયત્ન કર્યો હતો પણ તેઓ સાત્યકિને હણી શક્યા નહોતા.સાત્યકિએ કેવળ ધનુષ્યની સહાયતાથી જ અશ્વત્થામા,કૃતવર્મા ને બીજા સેંકડો મહારથીઓનો પરાજય કર્યો હતો.ને તમારા સર્વ સૈન્યોને જીત્યાં હતા.હે રાજન,આ જગતમાં શ્રીકૃષ્ણ,અર્જુન અને સાત્યકિ એ ત્રણ જ ખરા ધનુર્ધરો છે,ચોથો કોઈ નહિ.શ્રીકૃષ્ણના અનુપમ રથમાં બેસીને સાત્યકિ આગળ ધસ્યો હતો ત્યારે આપણા યોદ્ધાઓએ પણ કર્ણને નવો રથ લાવી આપ્યો હતો કે જે પર બેસીને તેણે પણ શત્રુઓ તરફ ફરીથી ધસારો કર્યો હતો.હે રાજન,આ યુદ્ધમાં ભીમસેને તમારા એકત્રીસ પુત્રોને મારી નાખ્યા હતા ને તે ઉપરાંત સાત્યકિ ને અર્જુને તમારા સેંકડો યોદ્ધાઓનો સંહાર કરી નાખ્યો હતો જેમાં ભીષ્મ ને ભગદત્ત મુખ્ય હતા.(92)
અધ્યાય-147-સમાપ્ત