અધ્યાય-૧૪૮-શ્રીકૃષ્ણે અર્જુનની કરેલી પ્રશંસા
II धृतराष्ट्र उवाच II तथा गतेषु शूरेषु तेषां मम च संजय I किं चै भीमस्तदाकार्पित्तन्ममाचक्ष्य संजय II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,પાંડવ ને મારા પક્ષના સર્વ શૂરા યોદ્ધાઓ,જયારે જય-પરાજયના
વાતાવરણમાં આવી પહોંચ્યા હતા ત્યારે વીર ભીમસેને શું કર્યું હતું?તે તું મને કહે.
સંજય બોલ્યો-તે સમયે રથરહિત થયેલો ભીમ,કર્ણના વાણીરૂપ વિષથી ક્રોધવશ થઇ ગયો હતો ને તેણે અર્જુનને કહ્યું હતું કે-'હે ધનંજય,તારી સમક્ષ કર્ણે મને,'હે મૂઢ,હે ખાઉધરા,દાઢીમૂછ વિનાના,અકુશળ,બાળક,રણકાયર ને યુદ્ધ કરવાનું રહેવા દે' વગેરે વિષ વચનો કહ્યાં છે.'આમ બોલનારને મારે મારી જ નાખવો' એવું મેં પ્રથમથી જ કહ્યું છે.પણ,કર્ણનો વધ કરવાની તારી પ્રતિજ્ઞા છે તેને ધ્યાનમાં રાખીને મેં તેનો વધ કર્યો નથી.તો હવે તારી પ્રતિજ્ઞા સત્ય કરી બતાવ.'
ભીમસેનનાં વચન સાંભળીને અર્જુન,કર્ણની સામે ગયો ને તેને કહેવા લાગ્યો કે-'ઓ મિથ્યાદૃષ્ટિ કર્ણ,હે અધર્મ બુદ્ધિવાળા હું કહું છું તે તું સાંભળી લે.શૂરા પુરુષોમાં જય ને પરાજય એ બે કર્મ હોય છે.તને જયારે સાત્યકિએ રથ વિનાનો કરીને લગભગ મરણ શરણ થયો હતો છતાં તારો વધ કરવાના મારા નિશ્ચયને માન આપીને એણે તારો વધ કર્યો નહિ ને તને જીવતો છોડ્યો છે.એના એ જ તેં ભીમસેનને દૈવેચ્છાએ રથ રહિત કરી નાખ્યો ને તેને તેં જે કડવાં વચન કહ્યાં છે તે ઘણો મોટો અધર્મ છે ને અનાર્ય પુરુષનું કર્મ છે,કારણકે શૂરા સત્પુરુષો પોતાના શત્રુનો પરાજય કરીને આત્મશ્લાઘા કરતા નથી,દુષ્ટ વચન બોલતા નથી,ને કોઈની નિંદા કરતા નથી.વળી,તે વચનો તેં એકલો ભીમસેન સાંભળે તેમ કહ્યાં નથી પણ સર્વના દેખતાં તું તે બોલ્યો છે.અરે,એ ભીમસેને તને ઘણીવાર રથરહિત કરી નાખ્યો હતો છતાં તેણે તને એક પણ કઠોર વચન કહી સંભળાવ્યું નથી.
વળી,મારી ગેરહાજરીમાં તમે બધાએ એકઠા મળીને મારા પુત્ર અભિમન્યુને મારી નાખ્યો છે,તે આ તારા ગર્વનું ફળ તને તત્કાલ મળશે.તેં તારા પોતાનો જ વિનાશ કરવા માટે અભિમન્યુના ધનુષ્યને કાપી નાખ્યું છે.માટે હે મૂઢ,પુત્રો,બાંધવો અને અનુચરો સહીત હું તને હણી નાખીશ,માટે હવે તું તારે કરવાનાં કૃત્યો સત્વરે કરી લેજે,તારા પર મોટો ભય આવી પડ્યો છે.આ રણમાં તારા દેખતાં જ હું તારા પુત્ર વૃષસેનને મારીશ,તે હું આ હાથમાં ધનુષ્ય લઈને સત્ય કહું છું' એ રીતે અર્જુને જયારે પ્રતિજ્ઞા કરી,ત્યારે સર્વ રથી યોદ્ધાઓમાં તુમુલ શબ્દ થઇ રહ્યો,ને ત્યાં અંદરોઅંદર તેમનામાં મોટો ભય ચાલુ થયો.
હે રાજન,પોતાની (જયદ્રથ વધની) પ્રતિજ્ઞાને પહોંચી વળેલા તે અર્જુનને ભેટીને શ્રીકૃષ્ણ તેને કહેવા લાગ્યા કે-'હે જિષ્ણુ,તેં તારી પ્રતિજ્ઞા પુરી કરી તે ઘણું સારું થયું.તેં પાપી વૃદ્ધક્ષત્રને તેના પુત્ર સહીત મારી નાખ્યો તે પણ ઠીક થયું.હું ઘણો ઘણો વિચાર કરું છું,છતાં આ લોકમાં આ સૈન્ય સામે લડી શકે તેવો એક તારા વિના બીજો કોઈ યોદ્ધો ક્યાંય જોતો નથી.ખરેખર તારું પરાક્રમ,બળ એ રુદ્ર,ઇન્દ્ર ને કાળ સરખું છે કારણકે તારા સિવાય કયો પુરુષ આવું પરાક્રમ કરવા શક્તિમાન થાય?તેં એકલાએ જ શત્રુઓને તપાવીને આજે જે કર્મ કર્યું છે અને આજે હું જે રીતે તને વધાવી રહ્યો છું,તે પ્રમાણે જયારે તું આ દુષ્ટ કર્ણનો તેના પરિવાર સહીત વધ કરીશ ત્યારે પણ હું તને વધાવી લઈશ'
અર્જુન બોલ્યો-'હે માધવ,મારી પ્રતિજ્ઞા દેવોને પણ દુસ્તર હતી,પણ તે હું પુરી શક્યો તેમાં તમારો જ પ્રસાદ હેતુરૂપ છે.તમે જેમના નાથ છો તેમનો જ વિજય થાય તેમાં કોઈ આશ્ચર્ય નથી.આમાં તમારો જ પ્રભાવ છે ને તમારો જ વિજય છે'
અર્જુને આ વિનયવચનો કહ્યાં પછી શ્રીકૃષ્ણે ઘોડાઓને છાવણી તરફ હાંકતાં ને ક્રૂર રણક્ષેત્ર દેખાડતાં કહેવા લાગ્યા કે-
''હું અર્જુન તું જો,આ યુદ્ધમાં વિજયની ને યશની ઈચ્છા રાખનારા શૂરા રાજાઓ તારાં બાણોથી મરણ પામીને પૃથ્વી પર શયન કરી રહ્યા છે.તું જો આ યુદ્ધભૂમિ જોવી પણ ન ગમે તેવી ભયંકર થઇ પડી છે.તારા હાથે પતન પામેલા હાથીઓ,રથો અને ઘોડાઓથી તે વ્યાપ્ત થઇ ગઈ છે.એમાં લોહી-માંસનો કીચડ જામ્યો છે ને તે રાક્ષસો,વરુઓ,કૂતરાંઓ અને પિશાચો આદિને આનંદ ઉપજાવનારી થઇ પડી છે.આ રણમાં યશની વૃદ્ધિ કરનારું આવું મહાન કર્મ તને જ ઘટે છે.'
આમ રણભૂમિ દેખાડતા શ્રીકૃષ્ણે પોતાના સ્વજનો સાથે મળીને પોતાનો પાંચજન્ય શંખ વગાડ્યો.
અને ધીરે ધીરે યુધિષ્ઠિર પાસે પહોંચીને તેમને જયદ્રથના વધનો વૃત્તાન્ત જણાવવા લાગ્યા.(59)
અધ્યાય-148-સમાપ્ત