Jan 19, 2020

ભાગવત રહસ્ય-૧૬૩

હિરણ્યકશિપુએ પૂછ્યું-તારા ભગવાન સર્વત્ર છે-તો આ થાંભલામાં તારો વિષ્ણુ કેમ દેખાતો નથી ? બોલ, તારા ભગવાન આ થાંભલામાં છે?
પ્રહલાદ કહે છે-જી,હા મારા ભગવાન આ સ્તંભમાં પણ છે.તમારી આંખમાં કામ છે એટલે તમને દેખાતા નથી. મને તેમના દર્શન થાય છે.
જેના મનમાં પાપ છે-વિકારવાસના છે-તેને પરમાત્મા નાં દર્શન થતાં નથી.

હિરણ્યકશિપુ કહે છે-હું થાંભલો તોડી નાખીશ.તેમાં વિષ્ણુ હશે તો –તેને મારી નાખીશ.તે દોડતો ગદા લેવા ગયો છે.પ્રહલાદે કહેતાં તો કહી દીધું,કે સ્તંભમાં ભગવાન છે.પણ બાળક છે-એટલે તેને થોડી શંકા ગઈ. આ સ્તંભ પોલો તો નથી.આ સ્તંભમાં ભગવાન કેવી રીતે વિરાજતા હશે? પરંતુ જ્યાં સ્તંભ પાસે કાન ધર્યો તો અંદરથી ઘુરુઘુરુ અવાજ સાંભળ્યો.પ્રહલાદને ખાતરી થઇ-મારા ભગવાન આમાં છે. 

પ્રહલાદે સ્તંભને આલિંગન આપ્યું છે.અંદર નૃસિંહ સ્વામી વિરાજેલા છે.પ્રહલાદને આશ્વાસન આપ્યું છે-હું અંદર વિરાજેલો છું.હું તારું વચન સત્ય કરીશ.હું તારું રક્ષણ કરીશ.
હિરણ્યકશિપુ તેની હજાર મણની ગદા લઇ આવ્યો અને અતિક્રોધમાં થાંભલા પર ગદાપ્રહાર કરે છે.
ત્યાં તરત જ નૃસિંહસ્વામી ઘુરુઘુરુ એવો અવાજ કરતા થાંભલામાંથી પ્રગટ થયા.
તેમની આંખો લાલ છે –દાઢો વિકરાળ છે-વજ્ર નખો છે.દેવો-ગંધર્વો જયજયકાર કરે છે.

હિરણ્યકશિપુ ગભરાયો.મારો કાળ આવ્યો છે, આ પ્રલય કરશે કે શું ? પ્રભુએ પ્રહલાદ ને ગોદમાં લીધો-હિરણ્યકશિપુને કહે છે-આજે ઘરની બહાર નહિ –ઘરની અંદર નહિ –પણ તને ઉંબરા પર મારીશ.
આજે અસ્ત્ર-શસ્ત્રથી નહિ પણ નખથી તને મારીશ.
આમ કહી નૃસિંહસ્વામીએ હિરણ્યકશિપુને નખથી ચીરી નાખ્યો. 

નૃસિંહ સ્વામીનું ચરિત્રનું રહસ્ય એ છે-કે-
--દુઃખનું કારણ દેહાભિમાન છે.આ અભિમાન સર્વને રડાવે છે.આ અભિમાન જલ્દી મરતું નથી.
--ઘરમાં એક જ દીવો હોય તો –તેને લોકો ઘરના ઉંબરા માં રાખે છે-જેથી ઘરની અંદર-બહાર બન્ને જગ્યાએ અજવાળું પડે.--આપણું શરીર એ ઘર છે-અને જીભ એ ઉંબરો છે-પ્રભુનું નામ એ દીવા જેવું છે.પ્રભુનું નામ જીભ પર રાખવાનું છે.--અભિમાનને મારવો હોય-અને અંદર-બહાર સર્વ જગ્યાએ અજવાળું થાય તેવી ઈચ્છા હોય તો જીભ-રૂપી-ઉંબરા પર -હરિનું નામ રાખવાનું છે.--દિવસ અને રાતનો સંધિકાળ –એ દિવસ પણ નથી અને રાત પણ નથી. એક ક્ષણથી બીજી ક્ષણનો સંધિકાળમાં પણ એમ જ છે.

બ્રાહ્મણો સંધ્યા –આ સંધિકાળે કરે છે-અને અભિમાનને મારે છે,વૈષ્ણવો પ્રત્યેક ક્ષણના અંતે હરિના નામ નો જપ કરીને અભિમાનને મારે છે. પ્રત્યેક અવસ્થાનો સંધિકાળ મહત્વનો છે.તેને સાચવવાની જરૂર છે.

પંજાબના મુલતાન શહેરમાં હિરણ્યકશિપુની રાજધાની હતી.
ભક્ત પ્રહલાદનું વચન સત્ય કરવા વૈશાખ સુદ ૧૪ ના રોજ નૃસિંહસ્વામીનું પ્રાગટ્ય થયું છે.
આથી પંજાબના લોકો તેમના નામ પાછળ –સિંહ-લગાડે છે. સિંહના જેવા બળવાન થવાનું છે.
”નાયમાત્મા બલહીનેન લભ્યઃ” આ આત્મા શક્તિહીન પુરુષોથી પ્રાપ્ત કરી શકાતો નથી.
શક્તિ વગર ભક્તિ થતી નથી. શક્તિહીન ભક્તિ કરી શકતો નથી,સેવા કરી શકતો નથી,તે તો સેવા માગે છે.
ધીરે ધીરે સંયમ વધારો-ધીરે ધીરે શક્તિ વધારો-તો ધીરે ધીરે ભક્તિ વધશે.

હિરણ્યકશિપુનો સંહાર કર્યો પણ નૃસિંહસ્વામીનો ક્રોધ શાંત થતો નથી.
બ્રહ્માજી પ્રયત્ન કરે છે-લક્ષ્મીજીને બોલાવ્યા-તેમણે પણ પ્રયત્ન કર્યો.છેવટે બ્રહ્માજીએ પ્રહલાદને મોકલ્યો.
પ્રહલાદજી ભગવાન પાસે ગયા,બે હાથ જોડ્યા અને ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કરે છે.
પ્રહલાદને જોતાં માલિકના હૃદય માં આનંદ ઉભરાયો-ગોદમાં ઉઠાવી વાત્સલ્યભાવે તેનું શરીર ચાટવા લાગ્યા. પરમ આશ્ચર્ય થયું છે.ભક્ત અને ભગવાન એક થયા છે.
ભગવાન બીજા કોઈને આધીન નથી. ફક્ત નિષ્કામ ભક્તોને આધીન છે.
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE