અધ્યાય-૧૪૯-યુધિષ્ઠિરનો આનંદ
II संजय उवाच II ततो राजानमभ्येत्य धर्मपुत्र युधिष्ठिरम् I वयंदे स प्रह्रष्टात्मा हते पार्थेन सैन्धवे II १ II
સંજય બોલ્યો-આમ અર્જુને સિંધુરાજનો વધ કર્યો,તે પછી,મનમાં આનંદ પામેલા શ્રીકૃષ્ણ ધર્મપુત્ર યુધિષ્ઠિર પાસે આવ્યા ને તેમને વંદન કરીને બોલ્યા કે-'હે રાજેન્દ્ર,હું તમને સુદૈવની વધામણી આપું છું કે આપણો શત્રુ રાજા જયદ્રથ મરાયો છે.અર્જુન પ્રતિજ્ઞાને તરી ગયો છે એ આપણું અહોભાગ્ય છે' આ સાંભળી યુધિષ્ઠિર હર્ષમાં આવી ગયા અને શ્રીકૃષ્ણ અને અર્જુનને ભેટી પડ્યા અને શ્રીકૃષ્ણ અને અર્જુનને કહેવા લાગ્યા કે-'હે શ્રીકૃષ્ણ,તમારી પાસેથી આ પ્રિય વધામણી સાંભળી મને એટલો બધો હર્ષ થાય છે કે તે હર્ષના પારને હું પામી શકતો નથી.અર્જુને આ અદભુત કર્મ કર્યું છે.
તે પાપી સિંધુરાજ મરણ પામ્યો તે ઠીક જ થયું છે.તમારા રક્ષણ તળે રહીને અર્જુને તેનો વધ કરીને મારી પ્રીતિ સંપાદન કરી છે તે એક સુદૈવ જ છે.પરંતુ આમ આશ્ચર્ય જેવું નથી,કારણકે જેમના તમે નાથ છો તે પુરુષને માટે આ ત્રણેય લોકમાં કશું દુઃસાધ્ય નથી.અમને તમારો જ આશ્રય છે.હે મધુસુદન,તમે સર્વલોકના ગુરુ છો,અમારા નાથ છો,ને તમારી કૃપાથી જ અમે શત્રુઓને જીતી શકીશું.હે જનાર્દન,દેવોથી પણ ન થઇ શકે તેવું આ કર્મ અર્જુને કર્યું છે તેમાં તમારા બુદ્ધિબળનો જ પ્રભાવ છે.હે શ્રીકૃષ્ણ,ઇન્દ્ર પણ તમારી કૃપાથી પ્રાપ્ત થયેલા પરાક્રમ વડે દૈત્યોનો સંહાર કરીને દેવરાજપણાને પામ્યો છે.
હે હૃષીકેશ,તમારા પ્રસાદથી જ સ્થાવર જંગમ આ સર્વ જગત પોતાના માર્ગમાં રહ્યું છે.પૂર્વે,આ સર્વ દૃશ્યમાન પ્રપંચ,કેવળ એક સમુદ્રમય ને અંધકારમય જ હતો પણ તમારી કૃપાથી તે જગતરૂપે સર્વની દ્રષ્ટિએ પડ્યો છે.જે પુરુષો તમને સર્વલોકના સ્ત્રષ્ટા તરીકે તથા અવિનાશી પરમાત્મા તરીકે જુએ છે,તેઓ કદી મોહ પામતા નથી.જે ભક્તપુરુષો,આદિ અને અંતથી રહિત,લોકના ઉત્પન્ન કરતા એવા તમને અવિનાશી દેવ તરીકે ભજે છે તેઓ સર્વ કષ્ટોને તરી જાય છે.વળી,જે હિરણ્યગર્ભ આદિ પરંદેવોથી પણ પર અને બુદ્ધિને આગોચર એવા તમને સર્વોત્કૃષ્ટ પુરાણપુરુષને શરણે આવે છે તે પુરુષને મહાન ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.
હે પરમેશ,જેનું ચારે વેદો ગાન કર્યા કરે છે એ મહાત્માને શરણે જઈને હું સર્વોત્તમ સમૃદ્ધિનો ઉપભોગ કરું છું.હે સર્વ ઇશ્વરોના પણ ઈશ્વર,હે સર્વ નિયંતાઓના પણ નિયંતા,તમને મારા નમસ્કાર હો.અસિત,દેવલ,નારદ તથા વ્યાસ ભગવાને તમને સર્વોત્તમ વિધાતા તરીકે વર્ણવ્યા છે.તમે તેજસ્વરૂપ છો,પરબ્રહ્મ છો,સત્યસ્વરૂપ છો ને જગતનું મુખ્ય કારણ છો.આ સ્થાવર-જંગમ સર્વ જગતને તમે જ સર્જ્યું છે નને પ્રલયકાળ પ્રાપ્ત થતા પુનઃ તમારામાં જ પ્રવેશ કરી જાય છે.સર્વ ભૂતોના આત્મા,અનંત,
સર્વમુખ,ગુહ્ય,આદ્ય,જગતના પતિ,સર્વના ઈશ્વર તથા પરમાત્મા નારાયણસ્વરૂપ એવા તમને પરમદેવને દેવો પણ જાણી શકતા નથી.સર્વગુણ સંપન્ન એવા તમને અમે સુહૃદ તરીકે સ્વીકાર્ય છે,તમે અમારું સર્વ તરફથી રક્ષણ કરજો.'
ત્યારે શ્રીકૃષ્ણ સમયોચીત વચન બોલ્યા-'હે ધર્મપુત્ર,તમારા તપોબળ,પરમધર્મ,સૌજન્ય ને સરળતાથી,અર્જુને અનેક યોદ્ધાઓનો સંહાર કરીને પાપી જયદ્રથને મારી નાખ્યો છે.અર્જુન સરખો પુરુષ કોઈ સ્થળે નથી' પછી,યુધિષ્ઠિરે અર્જુનને આલિંગન કર્યું ને તેનું મુખ લૂછી નાખી,તેને કહ્યું કે-'હે અર્જુન તેં મહાન કર્મ કર્યું છે,તારી પ્રતિજ્ઞા સત્ય થઇ તે સારું થયું'
અર્જુને કહ્યું-'પાપી જયદ્રથ ને કૌરવો તમારા ક્રોધથી જ બળી ગયા છે.માત્ર દ્રષ્ટિથી જ સંહાર કરનારા તમારાથી હવે દુર્યોધન પણ પોતાના મિત્રો ને બાંધવો સહીત પ્રાણોનો ત્યાગ કરશે.જે અતિ દુર્જય હતા તે ભીષ્મ પણ તમારા ક્રોધથી દગ્ધ થઈને બાણશય્યા પર સૂતા છે.જેમના પર તમે કોપો છો તેમને સંગ્રામમાં વિજય મળવો દુર્લભ છે,તેઓ મૃત્યુને વશ થશે'
તેવામાં ભીમસેન અને સાત્યકિ ત્યાં આવી પહોંચ્યા અને તેઓ યુધિષ્ઠિરને વંદન કરીને તેમને વીંટાઇને પૃથ્વી પર બેઠા.યુધિષ્ઠિરે તેમને અભિનંદન આપી કહ્યું કે-'તમને બંનેને દ્રોણાચાર્ય ને કૃતવર્માથી રક્ષિત કૌરવોના સૈન્યરૂપ સાગરથી મુક્ત થયેલા હું જોઉં છું,તે બહુ રૂડું થયું.દ્રોણાચાર્ય,કૃતવર્મા,કર્ણ અને શલ્યને તમે પાછા હટાવ્યા,ને તમને અહીં ક્ષેમકુશળ આવેલા જોઈને મને ઘણો આનંદ થાય છે.' આમ કહી યુધિષ્ઠિર તે બંનેને ભેટી પડ્યા ને આનંદના અશ્રુ વરસાવવા લાગ્યા.(62)
અધ્યાય-149-સમાપ્ત