Jun 1, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1147

 

અધ્યાય-૧૫૦-દુર્યોધનનો પશ્ચાતાપ 


 II संजय उवाच II सिन्धवे निहते राजन पुत्रम्तव सुयोधनः I अश्रुपुर्णमुखो दीनो निरुत्साहो द्विप्ज्जये II १ II

સંજય બોલ્યો-હે રાજન,સિંધુરાજનું મરણ થતાં તમારો પુત્ર દુર્યોધન અશ્રુપૂર્ણ મુખવાળો,દીન અને શત્રુઓને પરાજય કરવામાં તદ્દન નિરુત્સાહ બની ગયો હતો.તેનું મન અતિ ઉદાસ થઇ ગયું.તે સર્પની જેમ નિશ્વાસ મુકતો હતો.તમારો એ પુત્ર લોકોનો અપરાધી થઈને પરમ દુઃખમાં આવી પડ્યો હતો.અર્જુન,ભીમ અને સાત્યકિએ કરેલા પોતાના સૈન્યના મહાઘોર સંહારને જોઈને તેના શરીરનો વર્ણ ફીક્કો પડી ગયો હતો,શરીર કૃશ થઇ ગયું હતું ને નેત્રો અશ્રુથી ભરાઈ ગયા હતાં.હે રાજન,આખરે તેને માનવું પડ્યું કે અર્જુન સરખો બીજો કોઈ યોદ્ધો નથી.અર્જુનની સામે ટકવાને દ્રોણ,કૃપ,અશ્વત્થામા કે કર્ણ પણ સમર્થ નથી.

તે મનમાં જ કહેવા લાગ્યો કે-'આજના યુદ્ધમાં આખરે અર્જુને સિંધુરાજને મારી નાખ્યો,મારો કોઈ યોદ્ધો તેને અટકાવી શક્યો નથી.ખરે,મારુ આખું સૈન્ય માર્યું જ ગયું છે,ઇન્દ્ર પણ તેનું રક્ષણ કરી શકે તેમ નથી.અરે,જે કર્ણનો  લઈને મેં આ સંગ્રામમાં શસ્ત્રો ઊંચક્યાં છે તે કર્ણનો પણ અર્જુને પરાજય કર્યો છે'હે રાજન,આમ ઉદાસ મનવાળો તથા સર્વનો અપરાધી થયેલો તે તમારો પુત્ર દુર્યોધન,દ્રોણાચાર્યને મળવા તેમની પાસે જઈને કૌરવોના મહાન સંહારની ને પોતાના પરાજયની વાત કહેતાં બોલ્યો-


'હે આચાર્ય,જુઓ,પિતામહ ભીષ્મ અને બીજા મોટા રાજાઓનો સંહાર થઇ ગયોછે.ભીષ્મને મારી શિખંડી સર્વ પાંચાલોની સાથે યુદ્ધના મોખરામાં ઉભો રહે છે.વળી અર્જુને મારી સાત અક્ષૌહિણી સેનાનો સંહાર કરીને જયદ્રથને મારી નાખ્યો છે.મારા વિજયની ઈચ્છા રાખનારા મારા ઉપકારી સુહ્રદો યમસદનમાં પહોંચી ગયા છે.હવે તેમના ઋણમાંથી હું ક્યારે મુક્ત થઈશ?આવા મિત્રોના સંહારને લીધે મારા જેવો દુષ્ટ એક હજાર અશ્વમેઘ યજ્ઞો કરે તો પણ પોતાના આત્માને પવિત્ર કરવા ઉત્સાહ ધરી શકે તેમ નથી.અરે,આચાર-વિચારથી ભ્રષ્ટ થયેલા તથા પૃથ્વીનો અને સુહ્રદનો દ્રોહ કરનારા મને તે સમયે રાજસભામાં પૃથ્વી કેમ માર્ગ ન આપી શકી? કારણકે રાજાઓના મધ્યમાં લોહીલુહાણ અંગોવાળા થઇને રણમાં હણાયેલા ભીષ્મ પિતામહનું હું રક્ષણ કરી શક્યો નથી.ખરે,હું મિત્રોનો દ્રોહ કરનારો અધાર્મિક અનાર્ય પુરુષ છું.


ઓ આચાર્ય,સાત્યકિએ મારી નાખેલા મહાધનુર્ધર જલસંઘને જુઓ.કામ્બોજ રાજાને,અલંબુષને અને બીજા સુહૃદોને મરેલા જોઈને હવે મારે જીવીને શું કરવું છે?હવે યમુના નદીને તટે જઈને હું તેમને જળ વડે તૃપ્ત કરીશ અને મારી  શક્તિ પ્રમાણે મુક્ત થઈશ.હે આચાર્ય,હું તમારી આગળ મારા પુત્રોના સોગંધ ખાઈને સત્ય પ્રતિજ્ઞા કરું છું કે-તે સર્વ પાંચાલો અને પાંડવોનો રણમાં નાશ કરીને જ હું જંપીશ.અથવા હું રણમાં જઈશ અને મારે માટે,અર્જુન સાથે યુદ્ધ કરીને જે પુરુષશ્રેષ્ઠો મરણ પામ્યા છે તેમના લોકમાં જઈશ.હે મહાબાહુ,મારા સહાયક યોદ્ધાઓ પણ અત્યારે તેમનો (તમારા દ્વારા)સત્કાર નહિ થતો હોવાથી અમારું રક્ષણ કરવા ઇચ્છતા નથી.તમે (અને ભીષ્મ) પાંડવોને જેવા કલ્યાણકારક માનો છો તેવા અમને માનતા નથી.


ભીષ્મ પિતામહે (પાંડવોને માન આપી) રણમાં પોતાની મેળે જ પોતાનું મૃત્યુ કર્યું છે અને તમે અર્જુનને પોતાના પટ્ટશિષ્ય તરીકે માનીને તેની ઉપેક્ષા કરો છો.આ કારણથી જ આપણો વિજય ઇચ્છનારા સર્વ યોદ્ધાઓ માર્યા ગયા છે.આ ઘડીએ એક કર્ણ જ આમારા વિજયને ઇચ્છનારો દેખાય છે.ખરે,જે (હું) મંદબુદ્ધિ પુરુષ પોતાના મિત્રને ઓળખતો નથી ને તેને મિત્રકાર્યમાં યોજે છે તે પુરુષનું કાર્ય જ નાશ પામે છે.મોહથી લુબ્ધ થઈને મારા પોતાના કાર્યને,સુહૃદ ગણાતા (તમારા જેવા)પુરુષો એ જ બગાડ્યું છે.

અર્જુન સાથે યુદ્ધ કરીને જે પુરુષશ્રેષ્ઠો હણાયા છે ત્યાં જ હું હવે ચાલ્યો જઈશ.તે મહાન પુરુષો સિવાય હવે મારે જીવવાનું કોઈ પ્રયોજન નથી,તો હે પાંડુપુત્રોના આચાર્ય,આપ મને  આજ્ઞા આપો.(36)

અધ્યાય-150-સમાપ્ત

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE