Jun 2, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1148

 

અધ્યાય-૧૫૧-દ્રોણાચાર્યનાં વચનો 


II धृतराष्ट्र उवाच II सिन्धुराजे हते तात समरे सव्यसाचिना I तथैव भूरिश्रवसि किमासीद वो मनस्तदा II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે તાત,એ રણમાં અર્જુને જયારે સિંધુરાજને મારી નાખ્યો ને ભૂરિશ્રવાનું મરણ થયું ત્યારે તારા મનમાં શું થયું હતું?વળી,દુર્યોધને દ્રોણાચાર્યને જયારે એ રીતે કહ્યું હતું,ત્યારે તેમણે તેને શું કહ્યું હતું? તે તું મને કહે.'

સંજય બોલ્યો-'હે ભારત,સિંધુરાજ અને ભૂરિશ્રવાને મરણ પામેલા જોઈને તમારા સૈન્યમાં મહાન ગભરાટનો કોલાહલ થઇ રહ્યો હતો.સર્વ સૈનિકો તમારા પુત્રના વિચારોની અવગણના કરવા લાગ્યા હતા,કારણકે તેના ભ્રષ્ટ વિચારના પરિણામે જ મોટા મોટા ક્ષત્રિયોનો સંહાર વળી ગયો હતો.વળી,તમારા એ પુત્રનાં વચનો સાંભળીને દ્રોણાચાર્યનું મન ઘણું જ દુભાયું હતું.ને ઘણી જ વ્યથા પામ્યા હતા છતાં,એક મુહૂર્ત વિચાર કરીને તે બોલ્યા હતા કે-

'ઓ દુર્યોધન,આ રીતનાં વાગ્બાણોથી તું શા માટે મને વીંધી નાખે છે?હું તને નિરંતર કહું છું કે અર્જુન કદી જીતાય તેમ નથી.એ અર્જુનના રક્ષણ નીચે જ શિખંડીએ પિતામહનો વધ કર્યો છે તે ઉપરથી જ તું અર્જુનને જાણી લે તો પણ તે પૂરતું છે.ત્રણેય લોકમાં જેમને આપણે પુરુષોમાં શ્રેષ્ઠ માનતા હતા,તે જયારે રણમાં માર્યા ગયા છે ત્યારે બાકીનાઓની તો શી આશા રાખવી?

જે સમયે,તું જુગારમાં જીત્યો,તે સમયે વિદુરે તારા કલ્યાણને માટે ઘણાં ઘણાં વચનો કહ્યાં હતાં પણ તેં તે સાંભળ્યાં જ નહિ.તેના વાક્યોનું અપમાન કરવાથી આપનો ઘોર સંહાર થઇ રહ્યો છે.


વળી,કૃષ્ણાને સભામાં ઘસડી મંગાવી તેનું ઘોર અપમાન કર્યું હતું,તે અધર્મનું જો તને આ લોકમાં જ આવું ફળ ના મળ્યું હોત તો તને પરલોકમાં આનાથી પણ અધિક ફળ મળત.કેવળ કપટ કરીને પાંડવોને જીતીને તેમને ચામડાના વસ્ત્રો પહેરાવીને તેં જંગલમાં હાંકી કાઢ્યા.તે નિત્ય ધર્મનું આચરણ કરનારા પાંડવોનો આ લોકમાં મારા સિવાય બીજો કયો દુષ્ટ બ્રાહ્મણ દ્રોહ કરે? તેં કુરુસભામાં ધૃતરાષ્ટ્રની સંમતિ પ્રમાણે શકુનિ,દુઃશાસન ને કર્ણને સાથે રાખી,પાંડવોનો કોપ વહોરી લીધો છે.તમે બધા પણ સિંધુરાજનું રક્ષણ કરવા ઉભા હતા તો અર્જુને તમારો પરાજય કેવી રીતે કર્યો?


તમારા સર્વના રક્ષણ વચ્ચે પણ જો જયદ્રથ માર્યો ગયો તો હવે મને આપણા જીવિતની સલામતી માટે કોઈ સ્થાન દેખાતું નથી.હે દુર્યોધન,હવે તું મને વાણીરૂપ બાણોથી શા માટે પીડે છે? આ યુદ્ધમાં સત્ય પ્રતિજ્ઞાવાળા ભીષ્મના ધ્વજને નહિ દેખાવા છતાં,તું હવે વિજયની આશા કેમ રાખે છે? મોટામોટા મહારથીઓની મધ્યમાં પણ જ્યાં સિંધુરાજ ને ભૂરિશ્રવા માર્યા ગયા તો હવે બાકી રહે એવું તું શું જુએ છે? જયારે ભીષ્મપિતામહને મેં તારા નાના ભાઈની આંખ આગળ જ મરણ પામતા જોયા ત્યારે જ મેં માની લીધું હતું કે આ પૃથ્વી તારી નથી.


હે ભારત,જો (આ રાત્રિમાં પણ)પાંડવો ને સૃન્જયોના સર્વ સૈન્યો એકત્રિત થઈને મારી સામે ધસી આવે છે.આજના રણમાં હું તારું યોગ્ય હિત કરીશ.ને તેમનો નાશ કર્યા વિના મારુ કવચ ઉતારીશ નહિ.આજના સંગ્રામમાં તું અશ્વત્થામાને કહેજે કે-તારા પોતાના જીવિતનું રક્ષણ કરીને તારે સોમક યોદ્ધોને છોડવા નહિ,તારા પિતાએ જે શિક્ષાવચનો કહ્યા છે તે પાળજે,ક્રૂર થયા વિના સત્યમાં સ્થિર થઈને રહેજે' વળી હે ભારત,તું શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને સંતોષ આપી તેમનું પૂજન કરજે ને તેમનું અપ્રિય કરીશ નહિ,કારણકે તેઓ બળબળતી શિખા જેવા છે.તારાં વાગ્બાણોથી હું ઘણો પીડાયો છું.હવે હું આ મહાન સંગ્રામમાં પ્રવેશ કરું છું.તારામાં જો શક્તિ હોય તો તું આપણા સૈન્યનું પાલન કરજે,કારણકે ક્રોધાવેશમાં આવી ગયેલા પાંડવો અને સૃન્જયો,આજે રાત્રિમાં પણ યુદ્ધ કરશે.' આમ કહી દ્રોણાચાર્ય યુદ્ધ માટે ધસી ગયા (41)

અધ્યાય-151-સમાપ્ત