Jun 3, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1149

 

અધ્યાય-૧૫૨-પુનઃ યુદ્ધારંભ 


 II संजय उवाच II ततो द्दुर्योधनो राजा द्रोणेनेयं प्रचोदित I अमर्षवर्षवशमापश्वो युद्धावैव मनोदधे II १ II

સંજય બોલ્યો-દ્રોણની આ પ્રમાણે આજ્ઞા થતાં,રાજા દુર્યોધને ક્રોધવશ થઈને યુદ્ધ કરવાનું જ મન કર્યું ને કર્ણ પાસે જઈને તેને કહેવા લાગ્યો કે-'અરે ઓ કર્ણ,જરા જો તો ખરો,અર્જુને અશક્ય એવા દ્રોણના વ્યુહને તોડીને,અનેક યોદ્ધાઓનો સંહાર કરીને જયદ્રથને મારી નાખ્યો.એ અર્જુને મારુ થોડુંક જ સૈન્ય બાકી રહેવા દીધું છે.હે વીર,જો દ્રોણાચાર્યની ઈચ્છા હોય તો જ તેમના દુર્ભેદ્ય વ્યુહને તોડીને અર્જુન આગળ વધી શક્યો હતો.

દ્રોણને અર્જુન નિત્ય પ્રિય છે ને એટલે જ યુદ્ધ કર્યા વિના તેને વ્યૂહમાં પેસવાનો માર્ગ કરી આપ્યો હતો.અરે,મારુ દુર્ભાગ્ય તો જો,દ્રોણે સિંધુરાજને અભય વચન આપ્યું હતું છતાં અર્જુનને વ્યૂહમાં દ્વાર કરી આપ્યું.અરે,તે વેળા,જો મેં સિંધુરાજને ઘેર જવાની રજા આપી હોત તો આટલા બધા મનુષ્યોનો સંહાર થાત નહિ.મેં દ્રોણ પાસેથી અભય વચન મેળવીને જ સિંધુરાજને ઘેર જતાં અટકાવ્યો હતો.હાય આપણે દુષ્ટાત્માઓ જોઈ રહ્યા છતાં ચિત્રસેન આદિ મારા ભાઈઓ,ભીમસેન સામે યુદ્ધમાં જઈને આજે માર્યા ગયા છે.' 


કર્ણ બોલ્યો-હે દુર્યોધન,તું દ્રોણાચાર્યની નિંદા ન કર.કારણકે તે બ્રાહ્મણ,પોતાના જીવિતની પણ પરવા રાખ્યા વિના,પોતાની શક્તિ પ્રમાણે યુદ્ધ કર્યા કરે છે.અર્જુન તે આચાર્યને ઉલ્લંઘીને સૈન્યમાં દાખલ થઇ ગયો,એમાં એમનો જરાયે દોષ નથી.અર્જુન ઘણો કુશળ,ચતુર,યુવાન,અસ્ત્રકુશળ ને શીઘ્ર પરાક્રમવાળો છે.તેથી દિવ્ય અસ્ત્રોથી ભરેલા,વાનરના ચિહનવાળા અને શ્રીકૃષ્ણે પકડેલી ઘોડાઓની લગામવાળા રથમાં બેસીને તથા અભેદ્ય કવચ પહેરીને,હાથમાં ગાંડીવ લઈને તે તીક્ષ્ણ બાણો ફેંકતો ફેંકતો,દ્રોણાચાર્ય પાસેથી આગળ વધી આવ્યો,અર્જુન માટે તે યોગ્ય જ છે.


હે રાજન,દ્રોણાચાર્ય હવે વૃદ્ધ થયા છે,તે ઝડપથી જવા અસમર્થ છે અને બાહુઓને ઝટપટ શ્રમ આપવામાં અશક્ત છે,તેથી જ તે અર્જુન તેમને ઉલ્લંઘીને આવ્યો હતો.ને આવા કારણથી જ મને આચાર્યનો દોષ દેખાતો નથી.વળી,હું માનું છું કે-દ્રોણાચાર્ય અસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે છતાં તે યુદ્ધમાં પાંડવોને જીતી શકે તેમ નથી,તેથી જ અર્જુન તેમને ઉલ્લંઘી ગયો હતો.

વળી,આજના યુદ્ધમાં આપનો જે પરાજય થયો છે તે દૈવના આદેશથી જ થયો છે,નહિ કે દ્રોણના અપરાધથી.જો એમ ન હોત  તો આપણે બધા પણ પરમ શક્તિથી યુદ્ધ કરતા હતા છતાં સિંધુરાજ કેમ માર્યો ગયો? માટે દૈવ જ સર્વોત્કૃષ્ટ છે.


વળી,આપણે કપટથી અને પરાક્રમથી નિરંતર પ્રયત્ન કરી રહ્યા છીએ,છતાં દૈવ આપણા પુરુષાર્થનો નાશ કરી નાખે છે ને આપણને પાછા પાડે છે.દુદૈવથી ગ્રસ્ત થયેલો પુરુષ કોઈ સ્થળે જે કંઈ કર્મ કરે છે તે સ્થળે તે કર્મનો નાશ તેનું દુદૈવ કરે છે.ઉદ્યોગી મનુષ્યે તો પોતાનું જે કર્તવ્યકર્મ હોય તે નિઃશંક થઈને કર્યા જ કરવું જોઈએ,કર્મની સિદ્ધિ-અસિદ્ધિ તો દૈવાધીન જ છે.હે ભારત,આપણે પાંડવોને કપટ કરીને છેતર્યા હતા,વિષપ્રયોગોથી મારી નાખવા ધાર્યા હતા,લાક્ષાગૃહમાં બાળવા ધાર્યા હતા,જુગારમાં હરાવીને રાજનીતિનો આશ્રય કરીને જંગલમાં હાંકી કાઢ્યા હતા.યત્નપૂર્વક કરવામાં આવેલા તે કાર્યોનો દૈવે નાશ કર્યો છે,માટે હવે તો દૈવની અવગણના કરીને તથા પ્રયત્ન પર જ આધાર રાખીને તું યુદ્ધ કર.


તું અથવા શત્રુઓ,એ બંનેમાંથી જે કોઈ અતિ દૃઢ પ્રયત્ન કરશે તેના તે ઉદ્યમને લીધે દૈવ પણ અનુકૂળ માર્ગે જ આવી જશે.તે પાંડવોએ બુદ્ધિપૂર્વક પુણ્ય કે પાપ કર્યું હોય એવું મને ક્યાંય જોવામાં આવતું નથી.સર્વ મનુષ્યને પાપ અને પુણ્યમાં દૈવ જ પ્રમાણભૂત છે.અરે,ગાઢ નિંદ્રામાં પડેલા પુરૂષોનું દૈવ પણ હંમેશા જાગ્રત જ રહે છે.વળી,જયારે આ યુદ્ધનો પ્રારંભ થયો ત્યારે આપણા સૈન્યો ને યોદ્ધાઓ પાંડવો કરતાં અધિક પ્રમાણમાં હતા,છતાં અલ્પ સમયમાં તે પાંડવોએ આપણા ઘણા સૈન્ય ને યોદ્ધાઓનો સંહાર કરી નાખ્યો છે,આથી મને તો એ જ શંકા રહે છે કે આપણા દુદૈવનું જ તે કર્મ છે ને એ દુદૈવે જ આપણા પુરુષાર્થનો નાશ કર્યો છે.' 


સંજય બોલ્યો-હે રાજા,એ પ્રમાણે કર્ણ અને દુર્યોધન વાતો કરતા હતા તેવામાં પાંડવોનાં સૈન્યો રણમાં દેખાયાં 

ને પછી તમારા ને શત્રુ યોદ્ધાઓ વચ્ચે રથો અને હાથીઓના સામસામે અથડામણવાળું ઘોર યુદ્ધ થયું.(36)

અધ્યાય-152-સમાપ્ત 

જયદ્રથવધ-પર્વ સમાપ્ત