ઘટોત્કચ-વધ પર્વ
અધ્યાય-૧૫૩-ચૌદમો દિવસ-યુધિષ્ઠિરથી દુર્યોધનનો પરાજય
II संजय उवाच II तदुदीर्ण गजानीकं बलं तव जनाधिप I पांडुसेनामतिक्रम्य योधयामास सर्वतः II १ II
સંજય બોલ્યો-હે ધૃતરાષ્ટ્રરાજ,તે સમયે પ્રથમ હાથીઓનું સૈન્ય એકદમ ધસી આવ્યું અને ચોતરફથી યુદ્ધ કરવા મંડી પડ્યું.પાંચાલો ને કુરુઓ યમરાજના રાજ્યમાં મોટો વધારો કરવા માટે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા અને પરલોકમાં પ્રયાણ કરવા માટે દીક્ષા લઇ બેઠા.શૂરાઓ શૂરાઓ સામે ભેટીને બાણ,તોમર,શકિતઓથી અન્યોન્યને વીંધવા લાગ્યા,ને એકબીજાને યમસદન મોકલી દેવા લાગ્યા.દારુણ રુધિરસ્ત્રાવ થતો હતો.ત્યારે 'હવે તો મરવું જ' એવો વિચાર કરીને દુર્યોધન તે સૈન્યમાં દાખલ થયો ને સર્વ દિશાઓને ગજાવી મૂકતો તે પાંડવોની સેના સામે ચઢી આવ્યો,ને મહાવિનાશનો સમય ચાલુ થયો.
દુર્યોધને પાંચાલ યોદ્ધાઓને એવા તો મારવા માંડ્યા કે તેઓ રણમાંથી પલાયન થઇ જવા લાગ્યા.હે રાજા,તમારા પુત્ર દુર્યોધને એ સમયે યુદ્ધમાં જેવું કર્મ કર્યું હતું તેવું તમારા પક્ષના બીજા કોઈ યોદ્ધાઓએ કર્યું ન હતું.તમારા પુત્રના તેજથી પાંડવોની સેના નિસ્તેજ થઇ રહી હતી.એ જોઈને ભીમ,નકુલ,સહદેવ,વિરાટ,દ્રુપદ,શિખંડી,ધૃષ્ટદ્યુમ્ન,કેકયકુમારો,સાત્યકિ,દ્રૌપદીના પુત્રો ને ઘટોત્કચ આદિ જે જે યોદ્ધાઓ દુર્યોધન સામે આવ્યા તેમને દુર્યોધને વીંધી નાખ્યા ને સિંહની જેમ ગર્જના કરીને પાંડવ સૈન્યનો ઘોર સંહાર કરવા લાગ્યો કે જેથી સેનામાં નાસભાગ થવા લાગી.પાંડવ સૈનિકો તેને જોવા પણ સમર્થ થતા નહોતા.
તે વખતે યુધિષ્ઠિર ક્રોધ કરીને દુર્યોધન સામે ધસી આવ્યા,ત્યારે દુર્યોધને યુધિષ્ઠિર સામે પ્રહાર કરીને તેમના સારથિને વીંધીને તેમના ધનુષ્યને કાપી નાખ્યું.ત્યારે એક પલકમાં યુધિષ્ઠિરે નવું ધનુષ્ય લઈને સામે પ્રહાર કરીને તેના ધનુષ્યને કાપી નાખીને દુર્યોધનના મર્મસ્થાનોમાં પ્રહાર કર્યો.પાંડવપક્ષના યોદ્ધાઓ તે વખતે યુધિષ્ઠિર આસપાસ વીંટાઈ વળ્યા હતા.હવે યુધિષ્ઠિરે અતિ ઉગ્ર બાણ છોડ્યું કે જેથી દુર્યોધન મૂર્છિત થઈને રથની બેઠક પર બેસી ગયો.દુર્યોધનને તે અવસ્થામાં જોઈને પાંચાલોની સેનામાં 'દુર્યોધન મૂઓ' એ પ્રમાણેનો હર્ષનાદ થઇ રહ્યો.એ સમયે વાયુના ઝપાટાની જેમ,દ્રોણાચાર્ય દુર્યોધનનું રક્ષણ કરવા દોડી આવ્યા.ને ત્યાં સામસામે આવી ચડેલા સૈન્યોની વચ્ચે ઘોર સંગ્રામ ને સંહાર મચી રહ્યો.(44)
અધ્યાય-153-સમાપ્ત
