Jun 15, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1151

 

અધ્યાય-૧૫૪-રાત્રિયુદ્ધની ભયંકરતા 


II धृतराष्ट्र उवाच II यत्तदा प्राविशत्पांडुनाचार्यः कुपितो बली I उक्त्वा दुर्योधनं मंदं मम शास्त्रातिगं सुतम् II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-જયારે કોપેલ બળવાન આચાર્ય,શાસ્ત્રોનું ઉલ્લંઘન કરનારા મારા મંદબુદ્ધિ પુત્ર દુર્યોધનને કેટલાંક હિતવચનો કહીને સૈન્યમાં દાખલ થઈને સૈન્યમાં ઘૂમવા લાગ્યા ત્યારે પાંડવોએ તે મહાધનુર્ધરને કેવી રીતે અટકાવ્યા હતા? તે વખતે દ્રોણના જમણા ને ડાબા ચક્રનું તથા પૃષ્ઠ ભાગનું કોણ રક્ષણ કરતા હતા? કયા રથીઓ તેમની સામે થયા હતા? કોપાયમાન દ્રોણ  પાંચાલોની સેનાનો સંહાર કરી રહ્યા હતા એમ છતાં તે મૃત્યુ કેમ પામ્યા ?

સંજય બોલ્યો-સાયંકાળે સિંધુરાજનો વધ કરીને અર્જુન,પ્રથમ યુધિષ્ઠિરને મળ્યો હતો અને પછીથી તે અને સાત્યકિ દ્રોણાચાર્ય સામે યુદ્ધ કરવા ધસી ગયા હતા.વળી તેમની સાથે પાંડવો,ધૃષ્ટદ્યુમ્ન,ઘટોત્કચ,શિખંડી આદિ અને સર્વ યોદ્ધાઓ પોતપોતાના સૈન્યો સહિત દ્રોણાચાર્ય સામે ચડી ગયા હતા.ત્યારે ભીરુ પુરુષોના ભયમાં વધારો કરનારી ઘોર રાત્રી થઇ હતી.અને યોદ્ધાઓને ઘણી અમાંગલિક,રૌદ્ર અને કાળ તરફ ગમન કરાવનારી હતી.


તે ઘોર રાત્રિમાં શિયાળવીઓ રુદન કરતી હતી,ખાસ કરીને કૌરવોની સેનામાં અતિ મહાન ભયને સુચવનારાં મોટાં ઘુવડો દ્રષ્ટિએ પડતાં હતા.સર્વ સૈન્યોમાં ભેરીઓ અને મૃદંગોના મહાન શબ્દનો નિનાદ સંભળાવા લાગ્યો હતો.હાથીઓની ગર્જનાઓથી,ઘોડાઓના હણહણાટથી તથા ઘોડાઓની ખરીઓના ખબખબાટથી સર્વ સ્થળે તુમુલ શબ્દ થવા લાગ્યો.હે રાજન,બરાબર તે રાત્રી સમયે દ્રોણાચાર્ય સામે અતિ દારુણ યુદ્ધ થઇ રહ્યું હતું.અંધકારના એ પિછોડામાં પોતાનો કોણ અને પારકો કોણ એ પણ કંઈ ઓળખી શકાતું નહોતું.


જોતજોતમાં તો રુધિરે પૃથ્વીની ઉડેલી રજનો નાશ કરી નાખ્યો.તે સર્વ સેના શિયાળવાંના ટોળાંઓથી ગાજી રહી હતી,હાથીઓના ચિત્કારથી ઘોર જણાતી  હતી,ને સિંહનાદોની ગર્જનાઓથી ધ્રુજી રહી હતી.ત્યારે ત્યાં રોમાંચ કરી નાખે તેવો મહાતુમુલ નાદ સંભળાતો હતો.અસ્ત્રોના સામસામે અથડાવાના મહાન શબ્દથી ગાજી રહેલો તે ઘોર રાત્રિનો આરંભ,ભીરુઓને ત્રાસ ઉપજાવતો હતો અને શૂરાઓના હર્ષને વધારનારો હતો.ત્યારે અતિદારુણ તથા મહાઘોર એવું રાત્રિયુદ્ધ ચાલી રહ્યું હતું.

દ્રોણાચાર્યે પોતાની સામે આવતા સર્વ યોદ્ધોને પાછા હટાવ્યા હતા અને કેટલાકને યમલોકમાં મોકલી દીધા હતા.તે રાત્રિના આરંભમાં દ્રોણાચાર્ય એકલા એ જ નારાચ બાણો મુકીમુકીને હજાર હાથીઓને,દશ હજાર રથોને અને અણગણિત ઘોડાઓ ને પાયદળોને કાપી નાખ્યા હતા.(41)

અધ્યાય-154-સમાપ્ત