Jan 25, 2020

ભાગવત રહસ્ય-૧૬૯

એકનાથ મહારાજ આખો દિવસ પ્રભુ સેવા –પ્રભુ ભજન કરતા.સેવાના અવિરત શ્રમથી તેઓ થાકી જતા.આવી ઉદાત્ત ભક્તિ જોઈને ઈશ્વરને પણ તેમની પર દયા આવી. “મારો ભક્ત –મારા માટે કેટલો શ્રમ ઉઠાવે છે ? ચાલ હું જઈ તેને તેના કાર્યમાં મદદ કરું.”
ભગવાન બ્રાહ્મણનું રૂપ ધરી એકનાથને ત્યાં આવ્યા છે.આવીને કહે છે-“ભાઈ, મને તમારે ત્યાં નોકર રાખો”

એકનાથ કહે છે-મારે ત્યાં ક્યાં નોકરની જરૂર છે ? હું તો આખો દિવસ પ્રભુનું સેવા સ્મરણ કરું છું.
ભગવાન કહે છે-કે-હું તમને ઠાકોરજીની સેવા પૂજા માં મદદ કરીશ.
એકનાથ કહે છે-તારી ઈચ્છા હોય તો ભલે મારે ત્યાં રહેજે. ભાઈ તારું નામ શું ? 
ભગવાન કહે –મારું નામ-“શિખંડ્યો” ભગવાન- બાર વર્ષ એકનાથને ત્યાં નોકર બની ને રહ્યા છે.
જેને ચંદન લગાડવાનું છે-એ પોતે જ ચંદન ઘસે છે.“તુલસીદાસ ચંદન ઘસે-તિલક લેત રઘુવીર” ને બદલે-
આજે-“રઘુવીર ચંદન ઘસે-તિલક લેત રઘુવીર “ આવો છે ભક્તિનો મહિમા.........

શ્રીધરસ્વામી એ હરિવિજયમાં એક પ્રસંગનું વર્ણન કર્યું છે.
સત્યભામાને એક દિવસ અભિમાન થયું કે પતિ –શ્રીકૃષ્ણની સહુથી માનીતી તો હું જ.એક દિવસ નારદજી આવી ચડ્યા-સત્યભામા નારદજીને કહે છે-મને આવા પતિ જન્મોજન્મ મળે તેવો ઉપાય બતાવો.
નારદજીએ કહ્યું-જે વસ્તુનું તમે આ જન્મમાં દાન કરો તે આવતા જન્મમાં તમને મળે.કૃષ્ણ આવતા જન્મમાં જોઈતા હોય તો-શ્રી કૃષ્ણનું દાન તમે કરો.

સત્યભામા દાન આપવા તૈયાર થયા –પણ આવું દાન લે કોણ ? અંતે નારદજી દાન લેવા તૈયાર થયા.
સંકલ્પ કરી સત્યભામાએ શ્રીકૃષ્ણનું દાન –નારદજીને કર્યું.શ્રીકૃષ્ણ દાનમાં મળ્યા એટલે નારદજી શ્રીકૃષ્ણને લઇ ચાલવા માંડ્યા.સત્યભામા કહે છે-મારા પતિને ક્યાં લઇ જાઓ છો?
નારદજી કહે-તમે દાન આપ્યું-એટલે શ્રીકૃષ્ણ મારા થયા,તેમના પર મારો હક્ક થયો.

સત્યભામાને પોતાની ભૂલ સમજાઈ.તે શ્રીકૃષ્ણને પાછા આપવા વિનવે છે-પણ નારદજી ના પાડે છે.
છેવટે નારદજી કહે છે-જો તમે કૃષ્ણના ભારોભાર સોનું આપો તો –તેમણે હું પરત આપવા તૈયાર છું.
સત્યભામા ખુશ થઇ ગયા.એકબાજુ પલ્લામાં શ્રીકૃષ્ણને બેસાડ્યા-બીજી બાજુ સત્યભામાએ તેમની પાસે હતા તે બધા દાગીના મુક્યા પણ –શ્રીકૃષ્ણનું પલ્લું ઊંચું થતું નથી. બધી બીજી રાણીઓ પણ દોડી આવી અને તેમના બધા દાગીના ખડક્યા –પણ હજુ તેમનું તેમ. હજારો મણના દાગીના મુકાયા પણ શ્રીકૃષ્ણનું પલ્લું હજુ ભારે છે.

સત્યભામાનું અભિમાન ઉતારવાની આ લીલા હતી-બધી રાણીઓ વિચારમાં પડી ગઈ-હવે શું કરવું ? સત્યભામાએ દાન આપી મોટી ભૂલ કરી છે.સત્યભામા રૂક્ષ્મણીને શરણે ગઈ. રૂક્ષ્મણી ત્યાં આવ્યા. 
ભગવાન કેમ તોળાતા નથી તેનો ભેદ તે જાણી ગયા.
બીજી રાણીઓને કહે છે-કે-ભગવાન કઈ દાગીનાથી તોળતા હશે ?
રૂક્ષ્મણીએ તુલસીજીનું એક પાન છાબમાં મુક્યું અને ભગવાન તોળાઈ ગયા.

તુલસીનું પાન રૂક્ષ્મણી એ ભાવથી-પ્રેમથી અર્પણ કર્યું –તેથી ભગવાન તોળાઈ ગયા.
“તુલસી ના પાંદડે તોળાયો મારો વ્હાલમો”
આ પ્રમાણે-બોડાણા માટે ભગવાન સવા વાલના થયા હતા.
“ધન્ય ધન્ય બોડાણાની નારી-સવા વાલ ના થયા વનમાળી”

ઈશ્વરને એવી ઈચ્છા નથી કે કોઈ મારી સેવા કરે.તેમને કોઈ વસ્તુની અપેક્ષા નથી.તે સ્વયં આનંદ સ્વરૂપ છે.
તેમની ઈચ્છા એવી નથી કે વૈષ્ણવો મને ભોગ ધરે.તેમની ખાવાની ઈચ્છા નથી.પણ ભક્તોને રાજી કરવા ભગવાન આરોગે છે.ભગવાને આપેલું છે-તે તેમને આપવાનું છે.કોઈ વસ્તુ ઉતપન્ન કરવાની જીવની શક્તિ નથી.જીવ કંઈ આપી શકતો જ નથી.કોઈ વસ્તુ પર જીવની સત્તા નથી.આ સર્વ શ્રીકૃષ્ણનું છે.

પ્રેમથી ભગવાનને અર્પણ કરશો તો ભગવાન પ્રસન્ન થશે. ભગવાનનું ભગવાનને અર્પણ કર્યા વગર 
ખાય તે દુષ્ટ છે.કૃતઘ્ની છે. ઈશ્વરને અર્પણ કર્યા વગર ખાય તે ભૂખ્યો મરે છે. 
ઈશ્વરને અર્પણ કરશો તો તે અનંતગણું કરી પાછું આપશે.

ઈશ્વરની આરતી ઉતારવાથી ભગવાનને ત્યાં અજવાળું થવાનું નથી-અજવાળું આપણા હૃદયમાં કરવાનું છે.
ઈશ્વર તો સ્વયંપ્રકાશ છે.તેમનું શ્રીઅંગ દિવ્ય છે .
સેવા કરવાથી સેવકને સુખ થાય છે.તેથી ભગવાનને શું મળવાનું હતું ? તે તો પરમાનંદ સ્વરૂપ છે.
જીવ ને આપનાર ઈશ્વર છે. જીવ દાસ છે-ઈશ્વર માલિક છે.
પરંતુ મનુષ્ય પ્રેમથી નિવેદન કરે એટલે ભગવાન પ્રસન્ન થાય છે.
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE