Jan 26, 2020

ભાગવત રહસ્ય-૧૭૦

સેવા ને પૂજામાં ભેદ છે.જ્યાં પ્રેમ પ્રધાન છે તે સેવા. અને જ્યાં વેદ-મંત્રો પ્રધાન છે પૂજા.
બ્રાહ્મણો ભગવાનની પૂજા કરે છે. પૂજામાં બ્રાહ્મણો પ્રભુને જમાડે છે-ત્યારે –પ્રાણાય સ્વાહા-ઉદાનાય સ્વાહા...વગેરે કહી હસ્ત પ્રક્ષાનલમ-કહી-સેકન્ડોમાં હાથ ધોવડાવી નાખે છે. ભગવાનને હજુ જમવાની ઈચ્છા છે-પણ ભગવાન બ્રાહ્મણના વચનને માન આપે છે.દેવને મંત્રને આધીન રહેવું પડે છે.

જયારે ભગવાનની સેવામાં વૈષ્ણવો –ભગવાનની સામે થાળ ધરાવી-પંદર વીસ મિનિટ સુધી –ઓમ નમો ભગવતે વાસુદેવાય-ના જપ કરી –પ્રેમથી મનાવી મનાવી-ભગવાનને જમાડે છે.
જયારે દેવ મંત્રાધીન બને છે-તે પૂજા અને જયારે દેવ પ્રેમાધીન બને છે-તે સેવા.

આજકાલ લોકો બહુ પુસ્તકો વાંચે છે-ભણેલા –જ્ઞાની –બુદ્ધિશાળી બની જાય છે.સુંદર સુંદર વાતો કરે છે-પણ કોઈ સાધન કરતા નથી.મૂર્તિ-પૂજામાં ય એક અલૌકિક તત્વ સમાયેલું છે.જે સર્વવ્યાપી છે-તેને એક જગ્યાએ જોવાના છે. એક જગ્યાએ માનવાના છે.પોતાની સ્થિતિ પ્રમાણે સેવા કરો.(કે માનસી સેવા કરો.)
થોડું મળે પણ ઘણું માને તે ઈશ્વર.ઘણું મળે પણ ઓછું માને તે જીવ.
જીવને અનેકવાર મળ્યું હોય –પણ જો એકવાર ન મળ્યું તો –અગાઉનું આપેલું ભૂલી જશે.જીવ દુષ્ટ છે.

ગજરાજે ભગવાનને એક જ ફૂલ આપ્યું હતું. ફૂલની માળા પણ અર્પણ નહોતી કરી હતી.
દ્રૌપદીએ ભગવાનને ભાજીનું એક પાન જ આપ્યું છે.(ગીતામાં –પત્રમ-પુષ્પમ-એકવચન જ વાપર્યું છે.)
સેવા કરો તો અનન્ય પ્રેમથી સેવા કરો.સ્નેહ વગરનું સમર્પણ વ્યર્થ જાય છે.
સારાં કપડાં બગડી જાય –તે બીકે મનુષ્ય ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરતો નથી.
'નર કપડનકો ડરત હૈ-“નરક” “પડન” કો નહિ'  સર્વ ઈશ્વરનું છે-તેનું જ તેને અર્પણ કરવાનું છે.

દક્ષિણમાં એક કથા પ્રચલિત છે.એક ગામમાં એક ગૃહસ્થને ત્યાં લગ્ન હતા.ગોરમહારાજે જોયું તો –ગણપતિની મૂર્તિ હતી નહિ.ગોરમહારાજ જ્ઞાની હતા.તેઓ જાણતા હતા કે જ્યાં પ્રેમથી પ્રભુને પધરાવો ત્યાં-આવીને ઈશ્વર બેસે છે.નૈવેદ્યનો ગોળ હતો –તે ગોળથી ગણપતિ બનાવ્યા. યજમાનને પૂજા કરાવી.ધૂપ-દીપ થયા પછી-નૈવેદ્ય અર્પણ કરવાનો સમય આવ્યો.નૈવેદ્યના ગોળના તો ગણપતિ બનાવ્યા હતા,તો હવે નૈવેદ્ય ક્યાંથી લાવવું ?
એટલે ગોર મહારાજે-ફરીથી ગોળના ગણપતિમાંથી થોડો ગોળ કાઢી અને ગોળનું નૈવેદ્ય ધર્યું.
ગોળના ગણપતિ અને ગોળનું નૈવેદ્ય. આવી પૂજાથી પણ ગણપતિ પ્રસન્ન થયા અને કાર્યમાં વિઘ્ન ન આવ્યું.
કારણ આ કાર્ય પાછળ ભાવના શુદ્ધ હતી.

વસ્તુનું મહત્વ નથી.પણ ભાવની મહત્તા છે.સેવા કરતા રોમાંચ થાય, સેવા કરતા આંખમાં આંસુ આવે-તે સેવા સાચી.સેવા ક્રિયાત્મક હોવી જોઈએ.સેવા કરતા આનંદ આવવો જોઈએ.
ભગવાન માટે રસોઈ કરો અને ભગવાનને અર્પણ કરી જમો.જમાડતાં પ્રાર્થના કરો-કે-નાથ,આપ વિશ્વંભર છો,સર્વના માલિક છો.તમને કોણ જમાડી શકે ? તમારું તમને અર્પણ કરું છું.

બાળકને બાપ રૂપિયો આપે છે, અને બાપ જો પાછો માગે 
તો ઘણા બાળકો રૂપિયો પાછો આપતા નથી. પિતાને દુઃખ થાય છે.
“મેં જ રૂપિયો આપ્યો અને મને તે આપતો નથી” પણ જો બાળક રૂપિયો આપે તો પિતાને આનંદ થાય છે.

જીવ માત્રના પિતા ઈશ્વર છે. તેમણે જે આપ્યું –તે જ તેમને પાછું આપવાનું છે.
એવો નિયમ લો કે-ભગવાનને ધરાવ્યા વગર હું ખાઇશ નહિ.
ભગવાનને ધરાવ્યા વગર જે જમે તે એક જન્મમાં જરૂર દરિદ્ર થાય છે.પ્રભુની સેવા કર્યા વગર ખાય તે પાપ છે. જે ઘરમાં ઠાકોરજીની (કે કોઈ પણ ઈશ્વરના સ્વરૂપની) સેવા ન હોય તે ઘર સ્મશાન જેવું છે.

તમારા ઠાકોરજીની સેવા બીજો કોઈ કરે અને તમને ગમે તો માનજો કે-
તમે સાચા ભક્ત નથી. સાચા વૈષ્ણવ નથી.ઠાકોરજીની સેવા જાતે કરવી જોઈએ.
જે ઘરમાં બાલકૃષ્ણની સેવા થાય છે-તે ઘરમાં લક્ષ્મીજી પધારે છે.
જે ઘરમાં ભગવાન માટે રસોઈ થાય છે-તે ઘરમાં અન્નપૂર્ણા વિરાજે છે.તે ઘરમાં અનાજની ખેંચ પડે નહિ.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE