Jun 16, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1152

 

અધ્યાય-૧૫૫-ભીમસેનનું પરાક્રમ 


II धृतराष्ट्र उवाच II तस्मिन् प्रविष्टे दुर्घर्षे स्रुंजयानमितौजसि I अमृप्यमाणे संरब्धे का वोभुद्वै मतिस्तदा II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-દુરાધર્ષ ને અમાપ તેજવાળા તે દ્રોણાચાર્ય સૃન્જયોને ન સાંખીને ક્રોધપૂર્વક સૈન્યમાં દાખલ થયા,ત્યારે તમારા બધાનો શો નિશ્ચય હતો? મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા મારા પુત્ર દુર્યોધનને તે સમયે કેટલાંએક હિતવચનો કહીને દ્રોણાચાર્ય જયારે સૈન્યમાં પેઠા ત્યારે દુર્યોધને ને અર્જુને શું કરવા ધાર્યું હતું? દ્રોણાચાર્યનું રક્ષણ કોણ કરી રહ્યા હતા? પુરુષોમાં વ્યાઘ્ર સરખા તે દ્રોણાચાર્ય પાંચાલોના મધ્યમાં પ્રવેશ કરી કેમ મરણ પામ્યા? હે સંજય,તું પાંડવોને હર્ષ પામેલા,સર્વથી ઉત્કૃષ્ટ તથા સંતુષ્ટ કહે છે અને મારા યોદ્ધાઓને શોક્ગ્રસ્ત ને પરાજય પામેલા જણાવે છે પણ તે રાત્રિના સમયમાં યુદ્ધમાં પાછા નહિ હઠનારા તે પાંડવોનું,કુરુઓમાં કેમ પ્રગટ યુદ્ધ થયું હતું?

સંજય બોલ્યો-હે રાજન,તે સમયે જયારે દારુણ યુદ્ધ થઇ રહ્યું હતું,ત્યારે સર્વ પાંડવો સોમકયોદ્ધાઓની સાથે દ્રોણાચાર્ય સામે ધસ્યા હતા.તે વેળા,દ્રોણાચાર્યે શીઘ્રગામી બાણો મૂકીને કેકયકુમારોને તથા ધૃષ્ટદ્યુમ્નના સર્વ પુત્રોને પ્રેતલોકમાં મોકલી દીધા.ત્યારે પ્રતાપી શિબિરાજા ક્રોધ કરીને તેમની સામે ચડી આવ્યો.ને દ્રોણના સારથિને મારી નાખી દ્રોણને વીંધી નાખ્યા.સામે કોપેલા દ્રોણે તે રાજાના સારથિ,ઘોડાઓને મારીને તેના માથાને પણ ધડ પરથી ઉડાવી દીધું.પછી,દુર્યોધને તત્કાલ એક બીજો સારથી દ્રોણના રથ માટે મોકલ્યો,કે જેણે લગામ પકડી કે તરત જ દ્રોણાચાર્ય પુનઃ શત્રુઓ સામે ધસ્યા.


બીજી તરફથી કલિંગરાજનો પુત્ર,પૂર્વે પોતાના પિતાનો ભીમસેને વધ કર્યો હોવાથી કોપાયમાન થઈને પોતાના સૈન્ય સાથે ભીમસેન તરફ ધસી આવ્યો ને તેણે ભીમ અને તેના સારથિ પર પ્રહાર કર્યો.સામે ભીમસેન એકદમ કોપીને પોતાના રથ પરથી ઉતરીને તેની સામે દોડીને તેના પર મુષ્ટિપ્રહાર કર્યો કે જેથી તે રાજાના હાડકાઓ એકદમ શિથિલ થઇ ગયાં.તે રાજાના ભાઈઓ ને કર્ણ આ સહન કરી શક્યા નહિ અને તેઓ બધા સર્પસમાન નારાચ બાણોથી ભીમને વીંધવા લાગ્યા.ત્યારે ભીમસેન કલિંગરાજના ભાઈ ધ્રુવ તરફ ગયો ને તેને એક મુષ્ટિના પ્રહારથી છૂંદી નાખીને મારી નાખ્યો.


તેને મારીને ભીમસેન સિંહની જેમ વારંવાર ગાજવા લાગ્યો ને જયરાતના રથ પાસે જઈને તેને રથમાંથી ખેંચી કાઢીને માત્ર એક લપડાકના પ્રહારથી મારી નાખ્યો ને પછી કર્ણના રથ પાસે આવ્યો ત્યારે કર્ણે એક શક્તિ ભીમસેન તરફ ફેંકી કે જે શક્તિને ભીમે હસતાં હસતાં હાથમાં પકડી લીધી ને તે જ શક્તિને તેણે કર્ણ સામે ફેંકી.તે શક્તિને ધસી આવતી જોઈને શકુનિએ વચમાં આવી તેના ટુકડા કરી નાખ્યા.હવે,ભીમસેન પુનઃ પોતાના રથમાં બેસીને કૌરવ સેના સામે ધસ્યો,ત્યારે તમારા પુત્રોએ તેને આગળ વધતો અટકાવી,તેના પર બાણોની વૃષ્ટિ કરી.


તે વખતે જાણે હસતો હોય તેમ ભીમસેને તમારા પુત્ર દુર્મદના સારથિ અને ઘોડાઓને મારી નાખ્યા એટલે તે પોતાના ભાઈ દુષ્કર્ણના રથમાં ચડી ગયો ને પછી તે બંને ભાઈઓ ભીમસેનને વીંધવા લાગ્યા.એટલે કોપેલા ભીમસેને એક પાટુનો પ્રહાર કરી ને તેમના રથને પૃથ્વીમાં પેસાડી દીધો ને મુષ્ટિના પ્રહારથી તમારા તે બંને પુત્રોને યમસદનમાં મોકલી દીધા.એ જોઈને સર્વ રાજાઓ ભીમસેનને જોઈને કહેવા લાગ્યા કે-'આ તો સાક્ષાત રુદ્ર જ ભીમનું સ્વરૂપ ધારણ કરીને કૌરવો સામે યુદ્ધ કરે છે' આમ કહીને તે રાજાઓ ત્યાંથી પલાયન થવા લાગ્યા.


હે રાજન,એ રાત્રિના આરંભમાં ભીમસેને તમારા સૈન્યને અત્યંત ડહોળી નાખ્યું હતું.ભીમસેનના તે પરાક્રમને જોઈને,નકુલ,સહદેવ,દ્રુપદ,વિરાટ,કેકયો અને યુધિષ્ઠિર રાજા પરમ હર્ષને પામ્યા હતા.ને અંધકાસુરના વધ સમયે જેમ,દેવો શંકરની પૂજા કરતા હતા તેમ,તે બધા ભીમસેનની પૂજા કરવા લાગ્યા.પછી,તમારા પુત્રો ક્રોધાયમાન થઈને રથ,પાળાઓ ને હાથીઓને સાથે લઈને ગુરુ દ્રોણાચાર્યને સાથે રાખીને,યુદ્ધ કરવાની ઈચ્છાથી ભીમસેનને ચારે બાજુથી ઘેરી વળ્યા.હે રાજન,અંધકારથી ગાઢ થયેલી તે મહાભયંકર રાત્રિના આરંભમાં તેઓનું અતિદારુણ અદભુત યુદ્ધ ચાલુ થયું હતું.(46)

અધ્યાય-155-સમાપ્ત