Jun 17, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1153

 

અધ્યાય-૧૫૬-મોટા મોટા મહારથીઓનું ઘમસાણ 


II संजय उवाच II प्रायोपविष्टे तु हते पुत्रे सात्यकिना तदा I सोमदत्तो भृशं कृद्वः सात्यकी वाक्यमब्रवीत् II १ II

સંજય બોલ્યો-સાત્યકિએ રણમાં અનશન વ્રતનો સ્વીકાર કરીને બેઠેલા સોમદત્તપુત્ર ભૂરિશ્રવાને મારી નાખ્યો હતો તેથી સોમદત્ત અત્યંત ક્રોધે ભરાઈને સાત્યકિને કહેવા લાગ્યો કે-'હે સાત્યકિ,ક્ષાત્રધર્મથી વિમુખ થઈને,તેં શસ્ત્રોને ત્યાગીને બેઠેલા દીન પુરુષ પર પ્રહાર કરીને અનાર્ય.પાપભર્યું ને અતિક્રૂર કર્મ કર્યું છે.ઓ દુરાચારી,તું આજના રણમાં તે કર્મનું ફળ પામીશ.આજે હું મારા પુત્રોના સોગંધ ખાઈને કહું છું કે-તને જો અર્જુન રક્ષે નહિ તો આજ રાત્રિની સમાપ્તિ પહેલાં તને મારી નાખીશ.'

ત્યારે સાત્યકિએ કહ્યું-'હે સોમદત્ત,હું તારા સઘળા સૈન્યના રક્ષણ તળે રહીને મારી સામે યુદ્ધ કરે તો પણ મને કોઈ ત્રાસ થાય તેમ નથી.જેનાથી લડાઈ જ થાય તેવાં આ દુર્જનોએ માન્ય કરેલાં તારાં વાક્યોથી તું મને ડરાવી શકીશ નહિ,તારા મહારથી પુત્ર ભૂરિશ્રવા અને શલનો તો મેં વધ કર્યો જ છે ને આજે હું પણ શ્રીકૃષ્ણ,અર્જુન અને ઇષ્ટાપૂર્તના સોગંધ ખાઈને કહું છું કે હું તને પુત્રો ને બાંધવો સહીત મારી નાખીશ.જો તું રણનો ત્યાગ કરીને નાસી જઈશ તો જ તું મારા હાથમાંથી છૂટી શકીશ'


પછી,એક હજાર રથી યોદ્ધાઓ ને દશ હજાર હાથીઓને સાથે રાખીને દુર્યોધન સોમદત્તને ચારે બાજુથી વીંટી વળી ઉભો રહ્યો.વળી,શકુનિ,એક લાખ ઘોડેસ્વારોને સાથે રહીને સોમદત્તની રક્ષા કરવા લાગ્યો.તે સર્વના પ્રહારથી ઘવાયેલા સાત્યકિને જોઈને ધૃષ્ટદ્યુમ્ન કોપી ઉઠ્યો ને મોટી સેના લઈને સોમદત્ત સામે ચઢી આવ્યો.સાત્યકિ ને ધૃષ્ટદ્યુમ્નના બાણોના પ્રહારથી સોમદત્ત ગાઢ વીંધાઇને બેભાન થઈને મૂર્છાવશ થઇ પડ્યો.તે જોઈને દ્રોણાચાર્ય ત્યાં ધસી આવ્યા.અને તેમણે યુધિષ્ઠિર,સાત્યકિ,ધૃષ્ટદ્યુમ્ન,ભીમસેન,નકુલ,સહદેવ,શિખંડી,દ્રૌપદીના પાંચ પુત્રો,દ્રુપદ,યુધામન્યુ,ઉત્તમૌજા-આદિ પર દરેકને અનેક બાણોથી વીંધી નાખ્યા ને પછી તે યુધિષ્ઠિર સામે ધસ્યા.દ્રોણાચાર્યના ભયથી સૈનિકો આમતેમ નાસવા લાગ્યા.


દ્રોણાચાર્યે સૈન્યને હાંકી કાઢવા માંડ્યું છે,તે જોઈને અર્જુનને ક્રોધ ચડ્યો ને તુરત તે ગુરુ સામે ધસ્યો.હે રાજન તે સમયે તમારા પુત્રો ચોતરફથી દ્રોણાચાર્યને વીંટાઈ વળ્યા હતા ને દ્રોણાચાર્ય પાંડવોના સૈન્યનો મહાવિનાશ કરી રહ્યા હતા.તેમને કોઈ ખાળી શકતું નહોતું.ત્યારે અર્જુને શ્રીકૃષ્ણને રથને દ્રોણાચાર્ય સામે લેવાનું કહ્યું.અર્જુનને દ્રોણાચાર્ય સામે જતો જોઈને ભીમસેને પણ સારથિને પોતાના રથને દ્રોણાચાર્ય સામે લઇ જવાનું કહ્યું.તેને જોઈને પાંચાલ,સૃન્જય,મત્સ્ય,ચેદી,કારુષ,કેકય અને કૌશલ યોદ્ધાઓ પણ દ્રોણાચાર્ય સામે જવા લાગ્યા.હે રાજન,પછી,ત્યાં જોનારનાં રોમાંચ ખડાં થઇ જાય તેવો ઘોર સંગ્રામ શરુ થયો.


હે રાજન,અર્જુન અને ભીમ ત્યાં યુદ્ધ કરતા હતા ત્યારે સાત્યકિ ને ધૃષ્ટદ્યુમ્ન તમારા સૈન્ય પર ચડી આવ્યા.ત્યારે સાત્યકિ સામે અશ્વત્થામા યુદ્ધ કરવા ધસ્યો.તે જોઈને ભીમસેનનો પુત્ર ઘટોત્કચ અત્યંત ક્રોધ કરીને આવ્યો ને તેણે અશ્વત્થામાને અટકાવ્યો.

તે વેળા તે ઘટોત્કચ તદ્દન લોઢાના બનાવેલા ઘોર રથમાં બેઠો હતો.રીંછના ચામડાથી એ રથને ચારે બાજુથી વીંટવામાં આવ્યો હતો.તે રથની લંબાઈ પહોળાઈ બાર હજાર હાથની (ત્રીસ નલ્વની-એક નલ્વ=ચારસો હાથ)હતી ને તેના પર યંત્રોની સામગ્રી ગોઠવી હતી ને તે મેઘમંડળ સમાન ગાજતો હતો.હાથી ઘોડા નહિ પણ હાથીઓની આકૃતિને મળતા પિશાચો એ રથમાં જોડ્યા હતા.ને તે રથના ધ્વજ પર મોટા ગીધની આકૃતિ હતી.તે રથ પર લોહીથી ભીની થયેલી પતાકા ફરકતી હતી અને તેને આંતરડાની માળાથી શણગારવામાં આવ્યો હતો.આઠ પૈડાંવાળા તે રથમાં ઘટોત્કચ બેઠો હતો.


તે ઘટોત્કચ,મુદ્દગરો,પર્વતો અને વૃક્ષોરૂપ આયુધોને હાથમાં ધારણ કરનારા,ઘોર સ્વરૂપી રાક્ષસોની એક અક્ષૌહિણી સેનાથી વીંટળાઈ વળેલો આવતો જોઈને સર્વ રાજાઓ ગાભરા બની ગયા.પર્વતના શિખર સમાન પ્રચંડ શરીરવાળા,વિકરાળ દાઢો-ઉગ્ર મુખવાળા,શંકુ સમાન ઊંચા કાનવાળા,મોટી હડપચીવાળા,ઉભા કેશવાળા ને વિકરાળ દેખાતા તે ઘટોત્કચને આવતો જોઈને,તમારા પુત્રોની સેનાએ ભયથી વિહવળ થઈને ખળભળી ઉઠી.ઘટોત્કચે મોટો સિંહનાદ કર્યો ને રાત્રિના તે સમયે બળવાન થયેલા રાક્ષસોએ મોટા પથ્થરોની વૃષ્ટિ કરી,ને ત્યાં લોઢાનાં ચક્રો,ભુશંડીઓ,ભાલાઓ,તોમરો,ત્રિશૂળો,તોપો -આદિ શસ્ત્રોનો એકધારો રણભૂમિ પર વરસાદ થયો.ઘટોત્કચનું આ યુદ્ધ જોઈને,તમારા પુત્રો ને કર્ણ બહાવરા બનીને જુદી જુદી દિશાઓમાં પલાયન થઇ ગયા.ત્યારે માત્ર અશ્વત્થામાએ ત્યાં ઉભા રહી ઘટોત્કચની માયાનો નાશ કરી નાખ્યો.