પોતાની માયાને નષ્ટ થયેલી જોઈને ક્રોધી ઘટોત્કચે ઘોર બાણો છોડીને અશ્વત્થામાને લોહીલુહાણ કરી નાખ્યો,ત્યારે સામે અશ્વત્થામાએ દશ બાણો છોડીને ઘટોત્કચને મર્મસ્થાનોમાં વીંધી ઘાયલ કરી નાખ્યો.વ્યથા પામેલા ઘટોત્કચે એક લાખ આરાવાળું ચક્ર ફેંક્યું,કે જેને અશ્વત્થામાએ બાણો વડે વચમાં જ તોડી પાડ્યું.તેવામાં ઘટોત્કચનો પુત્ર અંજનપર્વા ત્યાં ધસી આવ્યો અને અશ્વત્થામાને બાણોથી ઢાંકીને તેને રોકી રાખ્યો.તે બંને વચ્ચે તુમુલ યુદ્ધ શરુ થયું.અશ્વત્થામાએ,તે અંજનપર્વાના ઘોડાઓ,સારથિ ને રથનો નાશ કર્યો,એટલે તે અંજનપર્વાએ ખડગ ને ગદા ફેંકી કે જેને અશ્વત્થામાએ નિષ્ફળ કરી.હવે તે અંજનપર્વા મોટી ગર્જના કરીને આકાશમાં ઉડીને વૃક્ષોની વૃષ્ટિ કરવા લાગ્યો એટલે અશ્વત્થામાએ તેને ત્યાં પણ બાણોથી વીંધી નાખ્યો એટલે તે પાછો પૃથ્વી પર ઉતરી આવ્યો.ત્યારે અશ્વત્થામાએ,તે અંજનપર્વાને બાણોથી મારી નાખ્યો.
પોતાના પુત્ર અંજનપર્વાને મરાયેલો જોઈને ઘટોત્કચ બોલ્યો-'ઓ દ્રોણપુત્ર,ઉભો રહે,હવે તું અહીંથી જીવતો જઈશ નહિ'
અશ્વત્થામા બોલ્યો-'હે દેવ સરખા પરાક્રમી વત્સ,તું અહીંથી ચાલ્યો જા ને બીજા કોઈ સાથે યુદ્ધ કર.મને તારા પર રોષ નથી'
ઘટોત્કચ ક્રોધથી બોલ્યો-'હે દ્રોણપુત્ર,તું શું મને કાયર સમજે છે?તારું વાક્ચાતુર્ય અસ્થાને છે.હું યુદ્ધમાં પાછા નહિ હઠનારા પાંડુઓનો પુત્ર ને રાક્ષસોનો રાજા છું.ઉભો રહે,તું આજે અહીંથી જીવતો પાછો જઈ શકીશ નહિ' આમ કહી તે યુદ્ધમાં આગળ ધસ્યો ને અશ્વત્થામા પર રથનાં પૈડાં જેવડા બાણોની વૃષ્ટિ કરવા મંડ્યો.પરંતુ અશ્વત્થામા તે બાણવૃષ્ટિને વચમાં જ કાપી નાખતા હતા,તેથી તે વેળા આકાશમાં બાણોનો બીજો સંગ્રામ મચ્યો હોય તેવું જણાતું હતું.
પોતાની માયાનો નાશ થયેલો જોઈને ઘટોત્કચ આકાશમાં અદ્રશ્ય થઈને પુનઃ માયાને રચવા લાગ્યો.જોતજોતામાં ત્યાં એક મહાન પર્વત થઇ ગયો કે જેમાંથી જાણે ત્રિશૂળો,ભાલાઓ,તલવારો-આદિ રૂપ ઝરણાં ઝરતાં હતાં.અશ્વત્થામાએ જરાયે ગભરાયા વિના વજ્રાસ્ત્ર પ્રગટ કરીને તે પર્વતના ચુરા કરી નાખ્યા.પછી તે ઘટોત્કચ,શ્યામ મેઘ થઈને આકાશમાં દેખાયો અને પથ્થરોની વૃષ્ટિ કરીને અશ્વત્થામાને રણમાં દાટી દેવા લાગ્યો.ત્યારે અશ્વત્થામાએ વાયવ્ય અસ્ત્રનું અનુસંધાન કરીને તે શ્યામ મેઘને વિખેરી નાખ્યો.હવે ઘટોત્કચ પોતાના રાક્ષસ સૈન્યથી વીંટાઈને રથમાં બેસીને સામે આવ્યો.ભયંકર ને બેડોળ દેખાતા તામસી રાક્ષસો ઘટોત્કચની સાથે રહીને યુદ્ધ કરવા ઉપસ્થિત થયા હતા,તેને જોઈને દુર્યોધન ખિન્ન થયો.
ત્યારે અશ્વત્થામાએ તેને કહ્યું કે-'હે દુર્યોધન તું ગભરાઈશ નહિ.હું સત્ય પ્રતિજ્ઞા કરું છું કે તારા આ સર્વ શત્રુઓને હું હણી નાખીશ.તારો પરાજય નથી,તું આપણી સેનાને ધીરજ આપ' પછી,દુર્યોધને એક હજાર રથથી વીંટાયેલા શકુનિને કહ્યું કે-'હે મામા,તમે રથી યોદ્ધાઓને સાથે લઈને અર્જુન સામે ધસારો કરો.આ કર્ણ,વૃષસેન,કૃપાચાર્ય,કૃતવર્મા,દુઃશાસન-આદિ યોદ્ધાઓ તમારી સહાય કરવા તમારી પાછળ આવશે.તમે પાંડવ ભાઈઓનો નાશ કરી નાખજો.મારા વિજયની આશા તમારા પર જ આધાર રાખી રહી છે' ત્યારે દુર્યોધનને પ્રસન્ન કરવા શકુનિ ત્યાંથી પાંડવોનો સંહાર કરવા ત્યાંથી ચાલ્યો.
ઘટોત્કચે એક અંજલિક નામનું બાણ મૂકીને અશ્વત્થામાના ધનુષ્યના ટુકડા કરી નાખ્યા,એટલે તેણે નવું ધનુષ્ય લઈને બાણોની વર્ષા કરીને રાક્ષસોની એક અક્ષૌહિણી સેનાનો નાશ કરી નાખ્યો.તે સમયે અશ્વત્થામાએ એવું પરાક્રમ કરી બતાવ્યું હતું કે તે મનુષ્યોમાં બીજા કોઈથી બનવું અશક્ય હતું.તેણે એકલાએ જ બળબળતાં બાણો મૂકીને જાણે એક ક્ષણવારમાં જ રાક્ષસોની સેનાને બાળી મૂકી હતી.ત્યારે રથમાં બેઠેલો ઘટોત્કચ પુનઃ તેની સામે યુદ્ધ કરવા જઈ પહોંચ્યો ને એક મહાન શબ્દ કરીને તેને એક મહાન શક્તિને અશ્વત્થામા સામે ફેંકી,કે શક્તિ ને ભગવાન શંકરે નિર્માણ કરી હતી.તે શક્તિને આવતી જોઈને અશ્વત્થામા એકદમ રથમાંથી ઉતરીને તે શક્તિને હાથથી પકડીને,પાછી તે જ શક્તિને ઘટોત્કચના રથ સામે જ ફેંકી.શક્તિને પાછી આવતી જોઈને ઘટોત્કચ રથમાંથી ઉતરી ગયો પણ તે શક્તિએ રથને ભસ્મ કરી નાખ્યો.
પછી,રથ વગરનો થયેલો ઘટોત્કચ ધૃષ્ટદ્યુમ્નના રથમાં બેસી ગયો ને અશ્વત્થામાની છાતીમાં તીક્ષ્ણ બાણો વડે પ્રહાર કરવા લાગ્યો.બંને અરસપરસ બાણો છોડતા હતા ને એકબીજાના બાણોનો નાશ કરતા હતા.બંને વચ્ચે તીવ્ર મહાયુદ્ધ મચ્યું હતું.એ જ અરસામાં એક હજાર રથીઓ,ત્રણસો હાથીઓ ને હજાર ઘોડેસ્વારોને સાથે લઈને ભીમસેન તે ભાગમાં આવી પહોંચ્યો.તે ઘમાસાણ યુદ્ધમાં મોટો સંહાર થયો હતો ને અસંખ્ય માનવ સંહારથી રણભૂમિનો દેખાવ ભયંકર ને બીભત્સ લાગતો હતો.અશ્વત્થામાએ ત્યાં લોહીની નદી વહેવડાવી દીધી હતી,વળી,ક્રોધાયમાન થઈને તેણે ભીમસેન,ધૃષ્ટદ્યુમ્ન આદિ પાંડવ યોદ્ધાઓને વીંધી નાખ્યા ને દ્રુપદરાજના સુરથ,શત્રુંજય,બલાનીક,જયાનિક અને જયાશ્ચ નામના પુત્રોને મારી નાખ્યા,વળી તેણે રાજા શ્રુતાહવય,હેમમાલી,પૃષધ્ર,ચંદ્રસેન ને કુંતીભોજના દશે પુત્રોને હણી નાખી યમસદન મોકલી દીધા.
પછી,તે અશ્વત્થામાએ ક્રોધ કરીને કાળના દંડ જેવા એક ઉત્તમ બાણને,ધનુષ્યને કાન સુધી ખેંચીને,ઘટોત્કચ તરફ ફેંક્યું કે જે બાણે ઘટોત્કચના હૃદયને ચીરી નાખીને પૃથ્વીમાં પેસી ગયું.ઘટોત્કચ રથમાં ઢળી પડ્યો એટલે ધૃષ્ટદ્યુમ્ન,રથને રણમાંથી દૂર લઇ ગયો.તેના જવાથી રાજાઓ પણ રણમાંથી પાછા હઠ્યા.આ રીતે યુધિષ્ઠિરના સૈન્યનો રણમાં પરાજય કરીને દ્રોણપુત્ર અશ્વત્થામા ગર્જના કરવા લાગ્યો.યુદ્ધમાં રહેલા સર્વ યોદ્ધાઓ ને તમારા પુત્રો તેની પ્રશંસા કરવા લાગ્યા.અશ્વત્થામાના બાણોથી મરેલા રાક્ષસોનાં શરીરો છિન્નભિન્ન થઈને રણભૂમિ પર પડ્યા હતાં ને રણભૂમિ પર્વતોના શિખરો વડે દુર્ગમ અને અતિરૌદ્ર થઇ ગઈ હતી.ત્યાં સિદ્ધો,ગંધર્વો આદિ અશ્વત્થામાના પરાક્રમની પ્રસંશા કરી રહ્યા હતા (190)
અધ્યાય-156-સમાપ્ત