Jun 19, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1155

 

અધ્યાય-૧૫૭-સોમદત્ત,બાહલીક,નાગદત્ત આદિ કુરુઓનો વધ 


II संजय उवाच II द्रुपदस्यात्मजान द्रष्ट्वा कुन्तिभोजसुतांस्तथा I द्रोणपुत्रेण निहतान राक्षसांश्च सहस्त्रशः II १ II

સંજય બોલ્યો-અશ્વત્થામાએ આ પ્રમાણે દ્રુપદરાજાના ને કુંતીભોજના પુત્રોને તથા હજારો રાક્ષસોને મારી નાખ્યા તે જોઈને યુધિષ્ઠિર,ભીમસેન,ધૃષ્ટદ્યુમ્ન અને સાત્યકિ આદિ યોદ્ધાઓ સાવધાન થઈને યુદ્ધ કરવા માટે જ મનમાં નિશ્ચયવાળા થયા.હે ભારત,તે વખતે તમારા અને શત્રુયોદ્ધાઓનું ભયંકર યુદ્ધ થઇ રહ્યું.સાત્યકિને જોઈને સોમદત્ત ફરીથી તેની સામે ધસી આવ્યો.તેને આવતો જોઈને ભીમસેન સાત્યકીની મદદે આવ્યો ને સોમદત્તને વીંધવા લાગ્યો હતો.પુત્રોના દુઃખથી પીડાયેલા એ વૃદ્ધ સોમદત્તને સાત્યકિએ દશ તીક્ષ્ણ બાણો વડે વીંધી નાખી,એક શક્તિના પ્રહારથી તેને ઘાયલ કરી નાખ્યો.બીજી તરફથી ભીમસેને એ  સોમદત્તના મસ્તક પર ઘોર એવું પરિઘ માર્યું,તે જ વખતે સાત્યકિએ પણ એક મોટું તીક્ષ્ણ બાણ સોમદત્તની છાતીમાં માર્યું.આ બંને પ્રહારોથી સોમદત્ત ધરણી પર ઢળી પડ્યો.

આમ પોતાનો પુત્ર બેભાન થયો ત્યારે બાહલીક રાજા સાત્યકિ સામે ધસ્યો.(નોંધ-બાહલીક રાજા એ સોમદત્તનો પિતા ને ભૂરિશ્રવાનો દાદો હતો,વળી તે પ્રતીપનો પુત્ર ને શાંતનુનો મોટોભાઈ હતો,એટલે તે ભીષ્મનો કાકો પણ કહેવાય)તે વેળા ભીમસેન સાત્યકિની મદદે આવ્યો ત્યારે બાહલીકે તેની છાતીમાં પ્રહાર કર્યો કે જેથી ભીમ મૂર્છિત થયો.પણ ક્ષણમાં જ ભાનમાં આવીને,ભીમસેને બાહલીક પર ગદાનો છૂટો ઘા કર્યો કે જે ગદાએ  બાહલીકનું  મસ્તક ભાંગી નાખ્યું,ને તે મરણ પામીને ભૂમિ પર પછડાયો.તે જોઈને હે રાજન,તમારા દશ પુત્રો (નાગદત્ત,દૃઢરથ,મહાબાહુ,અયોભુજ,દૃઢ,સુહસ્ત,વિરજા,પ્રમાથી,ઉગ્ર અને અનુયાયી) આગળ આવીને ભીમસેનને બાણો મારવા લાગ્યા.તે દશેય ભાઈઓને જોઈને ભીમસેન અતિક્રોધિત થયો અને તે દશેય પુત્રોને દશ નારાચ બાણોથી મારી નાખીને કર્ણના પુત્ર વૃષસેન પર નારાચ બાણોનો પ્રહાર કરવા લાગ્યો.ત્યાં તો કર્ણનો ભાઈ વૃકરથ વચ્ચે આવી ભીમસેન પર બાણોનો પ્રહાર કરવા લાગ્યો હતો.


હે ભારત,વીર ભીમસેને તે યુદ્ધમાં તમારા સાત મહારથી સાળાઓને રણમાં રોળી નાખીને તેણે શતચંદ્રને પણ મારી નાખ્યો ત્યારે શકુનિના ગવાક્ષ,શરભ,વિભુ,સુભગ અને ભાનુદત્ત એ પાંચ મહારથી ભાઈઓ ભીમસેન સામે ધસ્યા હતા ને તેના પર બાણોનો વરસાદ વરસાવ્યો હતો.એ વખતે ભીમસેને ક્રોધિત થઈને માત્ર પાંચ બાણોથી તે પાંચેય અતિરથીઓને મારી નાખ્યા હતા.એ જોઈને કૌરવ પક્ષના મોટામોટા રાજાઓ ખળભળી ઉઠયા હતા.


તે પછી,યુધિષ્ઠિરે દ્રોણાચાર્ય અને તમારા પુત્રોના દેખતાં તમારા સૈન્યનો સંહાર કરવા મંડ્યો હતો.કોપેલ યુધિષ્ઠિરે અમ્બષ્ઠો,માલવો,ત્રિગર્તો અને શિબીઓને મૃત્યુલોકમાં મોકલી દીધા.વળી યુધિષ્ઠિરે અભિષાહો,શૂરસેનો,બાહલીકો,મદ્રકો  તથા વસાતીઓને પણ કાપી નાખીને રણભૂમિ પર લોહીનો કાદવ જમાવી દીધો.યુધિષ્ઠિરના આ પરાક્રમથી તમારી સેનાએ ભયભીત થઇ હતી ત્યારે દુર્યોધને દ્રોણાચાર્યને પ્રેરણા કરી એટલે દ્રોણાચાર્યે યુધિષ્ઠિર સામે આવીને તેમને વાયવ્યાસ્ત્રથી પ્રહાર કર્યો.ત્યારે યુધિષ્ઠિરે સામે દિવ્ય અસ્ત્રનો પ્રયોગ કરી તેનો નાશ કર્યો.પોતાનું તે અસ્ત્ર નાશ પામ્યું એટલે દ્રોણાચાર્યે,યુધિષ્ઠિરને મારી નાખવાની ઈચ્છાથી અનુક્રમે વરુણ,યામ્ય,આગ્નેય,ત્વાષ્ટ અને સાવિત્ર નામનાં દિવ્ય અસ્ત્રો ફેંક્યાં કે જે અસ્ત્રોનો યુધિષ્ઠિરે લગારે ત્રાસ પામ્યા વિના સામે દિવ્ય અસ્ત્રો  મૂકીને નાશ કર્યો.


ત્યારે પોતાની પ્રતિજ્ઞાને સત્ય કરવા ઇચ્છતા,દ્રોણાચાર્યે ઇન્દ્રાસ્ત્ર ને પ્રાજાપત્યસ્ત્ર પ્રગટ કર્યું.કે જેની સામે યુધિષ્ઠિરે માહેન્દ્ર નામનું એક અસ્ત્ર પ્રગટ કરીને ઇન્દ્રાસ્ત્રનો નાશ કર્યો.આમ જ્યારે પોતાનાં બધાં દિવ્ય અસ્ત્રો નાશ પામવા લાગ્યાં ત્યારે દ્રોણાચાર્યે અત્યંત ખીજવાઈને બ્રહ્માસ્ત્ર પ્રગટ કર્યું.હે રાજન,તે અસ્ત્રના પ્રગટ થવાથી બધી રણભૂમિ ઘોર અંધકારથી છવાઈ ગઈ હતી તેથી મારા જોવામાં કંઈ પણ આવી શક્યું નહિ.પણ તે બ્રહ્માસ્ત્ર સામે યુધિષ્ઠિરે પણ બ્રહ્માસ્ત્ર પ્રગટ કરીને તેને અટકાવી દીધું હતું.તે જોઈને સર્વ યોદ્ધાઓ,આ બંને કુશળ યોધ્ધાઓના વખાણ કરવા લાગ્યા હતા.


તે પછી,દ્રોણાચાર્ય,યુધિષ્ઠિરને છોડીને દ્રુપદરાજની સેના તરફ ધસીને,વાયવ્યાસ્ત્ર વડે તે સેનાનો નાશ કરવા લાગ્યા.ત્યારે અર્જુન અને ભીમ મોટું સૈન્ય લઈને કૌરવ સૈન્યને ઘેરી વળ્યા.અર્જુને દ્રોણાચાર્યની જમણી બાજુમાં ને ભીમસેને દ્રોણાચાર્યની ડાબી બાજુમાં આવીને દ્રોણ પર સંખ્યાબંધ બાણોની વૃષ્ટિ કરવા માંડી.તે વખતે કેકયો,સૃન્જયો,પાંચાલો,મત્સ્યો અને યાદવો,અર્જુન અને ભીમસેનને અનુસરી રહ્યા હતા.એ રીતર અર્જુન અને ભીમે ભારતી સેનાનો સંહાર કરવા માંડ્યો ત્યારે અંધકાર અને નિંદ્રાના આવેશને લીધે ફરી તમારી સેનામાં ભંગાણ પડ્યું.હે મહારાજ,તે વખતે તમારા પુત્રે અને દ્રોણાચાર્યે,તમારા યોદ્ધાઓને યુદ્ધ માટે ઘણા વાર્યા પણ તેમને વારી શકાયા જ નહિ (49)

અધ્યાય-157-સમાપ્ત