Jan 29, 2020

ભાગવત રહસ્ય-૧૭૩

વિઠ્ઠલનાથજીને દૂધ ધરાવી નામદેવ વારંવાર વિનવણી કરે છે.નામદેવનો પ્રેમ જોઈ વિઠ્ઠલનાથ પ્રસન્ન થાય છે.તે દૂધ પીતા નથી પણ કેવળ પ્રેમથી નામદેવને નિહાળી રહ્યા છે.નામદેવ કહે છે-“હું બાળક છું,આજ સુધી સેવા ન કરી તેથી તમે નારાજ થયા છો?દૂધ કેમ પીતા નથી?જલ્દી દૂધ પીઓ, તમને ભૂખ લાગી હશે.”
“શું ખાંડ ઓછી પડી છે?દૂધ ગળ્યું નથી?એટલે દૂધ નથી પીતા ?”

નામદેવ વધુ ખાંડ લઇ આવી અને દૂધમાં વધારે ખાંડ નાખે છે.પણ હજુ વિઠ્ઠલનાથ દૂધ પીતા નથી.
નામદેવ ઈશ્વરને વારંવાર વિનવણી કરે છે.લાલાજીને મનાવે છે. છતાં લાલાજી દૂધ પીતા નથી.
નામદેવનું હૃદય હવે ભરાણું છે.નામદેવ બાળકસહજ ભાવથી વિઠ્ઠલનાથજીને કહે છે-
“વિઠ્ઠલનાથ, દૂધ પીઓ નહિતર મારા પિતાજી મને મારશે.તે શું તમને ગમશે ?”

હવે વિચારે છે-કે મારાથી કોઈ ભૂલ તો નહિ થઇ હોય ને ? –એટલે કહે છે—“મારી ભૂલ થઇ હોય તો ક્ષમા કરો.પિતાજીએ બતાવ્યા મુજબ મેં સેવા કરી છે.પિતાજીએ કહ્યું હતું કે –વિઠ્ઠલનાથ અતિ ઉદાર છે.તે ભક્ત ના અપરાધને ક્ષમા કરે છે. શું આપ મને ક્ષમા નહિ કરો ?”
હવે નામદેવ થોડા અકળાણા છે-“વિઠ્ઠલ તમે દૂધ પીશો નહિ,ભૂખ્યા રહેશો તો હું પણ ભૂખ્યો રહીશ.”

હવે વિચારે છે કે-માલિકને બહુ મનાવ્યા પણ માનતા નથી.માલિક નારાજ થયા છે-તો આ જીવન શું કામનું ?
અતિશય વ્યાકુળ થયા છે-એટલે હવે વિઠ્ઠલનાથજીને કહે છે-“આ હવે છેલ્લી વાર તમને કહું છું.તમે દૂધ પીઓ, હવે જો તમે દૂધ નહિ પીઓ તો તમારાં આગળ માથું પછાડી મરી જઈશ”
વિઠ્ઠલનાથજી બાળકની કાલીઘેલી વાતો સાંભળવામાં મસ્ત બન્યાં છે.તેમને દૂધ પીવાનું યાદ આવતું નથી.
પણ જ્યાં જોયું કે હઠે ચડેલ નામદેવ-હવે માથું પછાડવા તૈયાર થયો છે-કે-માલિકે દૂધનો કટોરો ઉઠાવ્યો છે.

નામદેવના અતિશય પ્રેમથી આજે જડ મૂર્તિ ચેતન બની છે.વિઠ્ઠલનાથ સાક્ષાત થયા છે.અને દૂધ પીએ છે.
નામદેવ આશ્ચર્યથી -હર્ષથી વિઠ્ઠલનાથને દૂધ પીતા જોઈ રહ્યા છે,નામદેવને પરમાનંદ થયો છે.
માલિક દૂધ પીએ છે અને કટોરો ખાલી થતો નામદેવે જોયો....હવે તેમનું બાળક દિલ કહે છે- કે –“વિઠ્ઠલનાથ જો બધું દૂધ પી જશે તો મારા પ્રસાદનું શું ?મારે માટે પ્રસાદ નહિ રાખે ?”
એટલે હવે તે જ બાળકસહજ ભાવથી લાલાજી ને કહે છે-કે-“વિઠ્ઠલનાથ,તમને આજે શું થયું છે ?તમે એકલા જ બધું દૂધ પી જશો? મને પ્રસાદ નહિ આપો? બાપુ તો મને રોજ પ્રસાદ આપે છે.”

બાળકના અતિશય પ્રેમ આગળ બધું જ ભૂલી ગયેલા માલિકને હવે યાદ આવે છે.બાળક માટે પ્રસાદ રાખવાનો છે.દૂધ પીવાનું બંધ કરી વિઠ્ઠલનાથ નામદેવ તરફ જુએ છે,નામદેવની કાલીઘેલી વાણી સાંભળી –પ્રભુ ગદગદ થયા છે.મુખ પર હાસ્ય આવ્યું છે. નામદેવને ગોદ માં લીધો છે.અને જાતે નામદેવને દૂધ પાય છે.

આ પ્રમાણે સેવાનો ક્રમ બતાવ્યો. સેવા માર્ગ અતિદિવ્ય-અતિસુંદર છે.
મોટા મોટા મહાત્માઓ પણ પાંડિત્ય છોડી-બાળકના જેવા બની, ભગવાનની સેવા કરે છે.
પરમાત્માને કોઈ વસ્તુની ભૂખ હોઈ શકે ? પરમાત્માને કેવળ પ્રેમની ભૂખ છે.સેવા અને સ્મરણથી પરમાત્મા પરતંત્ર બને છે. અને ભક્તને આધીન બને છે. પ્રભુ અને ભક્તનો એક સંબંધ થાય છે.

સેવા કરતાં કરતાં –હૃદય પીગળે,સેવામાં નટખટ લાલાજીને લાડ લડાવતાં-તેમની જોડે પ્રેમની થોડી થોડી વાતો કરતાં-માલિકને મનાવવામાં-કે પ્રભુથી પ્રેમથી થોડાં રૂસણા લેતાં-કે મીઠી ફરિયાદ કરતાં—
જો....આંખમાંથી હર્ષ નાં આંસુ નીકળે તો ...માનવું કે સેવા સફળ થઇ છે. એ જ સમાધિ છે.

જ્ઞાનમાર્ગ –માં મળતાં જ્ઞાન થી –વસ્તુના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે.જ્ઞાનીને ખબર પડે છે-કે મૂર્તિમાં ભગવાન નથી. પણ ભગવાનનું આહવાહન કરવાથી મૂર્તિ ભગવાન બને છે.પણ જ્ઞાનથી તે-મૂર્તિ તો જડ જ રહે છે. તેનું સ્વરૂપ બદલાતું નથી. (હાલના જમાનામાં બધા જ જ્ઞાની બની ગયા છે!!)
જયારે ભક્તિમાર્ગ માં –ભક્તિ પાસે-પ્રેમ પાસે-એવી શક્તિ છે-કે-જડ મૂર્તિ તેના આકાર મુજબ -ચેતન બને છે.
ભક્તિમાં વસ્તુના સ્વરૂપનું પરિવર્તન કરવાની શક્તિ છે.
જ્ઞાન અને ભક્તિનો સમન્વય થાય –તો બેડો પાર છે.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE