Jun 20, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1156

 

અધ્યાય-૧૫૮-કર્ણ અને કૃપાચાર્યનો વચનકલહ 


II संजय उवाच II उदीर्यमाणं तद्दष्टवा पांडवानां महद्बलम् I अविषह्यं च मन्वानः कर्ण दुर्योधनोब्रवीत II १ II

સંજય બોલ્યો-પાંડવોના મહાન સૈન્યને આગળ વધતું જોઈને તથા તેને સહન કરવું અશક્ય માનીને દુર્યોધને કર્ણને કહ્યું કે-'હે મિત્રવત્સલ,મિત્રોને સહાય કરવાનો આ ખરો સમય આવી પહોંચ્યો છે,તું આપણા સર્વ મહારથીઓનું રક્ષણ કર.જો,આ પાંચાલો,મત્સ્યો,કેકયો અને પાંડવો આપણા મહારથીઓને ચારે બાજુથી ઘેરીને ઉભા છે,ને સિંહનાદો કરી રહ્યા છે'

કર્ણ બોલ્યો-'આ રણમાં સાક્ષાત ઇન્દ્ર પણ કદાચ અર્જુનનું રક્ષણ કરવા આવે તો પણ હું તેનો પરાજય કરીને અર્જુનને હણી નાખીશ.હે ભારત,તું શાંત થા,હું સત્ય પ્રતિજ્ઞા કરું છું કે-મારી સામે આવેલા પાંડુપુત્રોને તથા સર્વ પાંચાલોને હું જરૂર મારીશ.હે રાજા હું તને વિજય અપાવીશ,મારે તારું પ્રિય કરવું છે,ને એ કારણથી જ હું જીવી રહ્યો છું.અર્જુન સામે હું ઇન્દ્રે નિર્માણ કરેલી મારી આ અમોઘ શક્તિ ફેંકીશ કે જેથી અર્જુન માર્યો જશે એટલે તેના બીજા ભાઈઓ તારે વશ થશે અથવા ફરી વનમાં ચાલ્યા જશે.હે કુરુરાજ,હું જીવતો છું ત્યાં સુધી તારે ખેદ કરવો નહિ,હું સર્વ પાંડવોને જીતી આ ભૂમિ તને સોંપીશ.'


કરીને જયારે એ પ્રમાણે દુર્યોધનને કહ્યું ત્યારે કૃપાચાર્યે ટોળ કરીને હસતાં હસતાં કર્ણને કહ્યું કે-'વાહવાહ અલ્યા કર્ણ,આ બિચારો કુરુરાજ તારા વડે જ ધણિયાતો છે પણ તારા જેવા ધણીને આગળ કરી જો બોલવા માત્રથી કામ થઇ જતું હોય તો શું જોઈએ?તું આ કુરુરાજ આગળ બડાઈઓ હાંકે છે પણ તારું એવું કોઈ પરાક્રમ કે ફળ તો ક્યાંયે દેખાતું નથી.પાંડવો સામે તારો અનેકવાર ભેટો થયો છે પણ તે સર્વમાં પાંડવોએ તને હરાવ્યો જ છે.ગંધર્વો આ દુર્યોધનને બાંધીને ઉઠાવી જતા હતા ત્યારે સર્વ સૈન્યોએ યુદ્ધ કર્યું હતું પણ તું એકલો જ પલાયન થઇ ગયો હતો.વિરાટનગરમાં પણ અર્જુને તારો પરાજય કર્યો હતો.


અરે,તું અર્જુન એકલાની આગળ પણ આ રણમાં ઉભો રહેવા સમર્થ નથી તો કૃષ્ણ સહીત પાંડવોને જીતવાનો તું કેમ ઉત્સાહ કરે છે?તું ચૂપચાપ યુદ્ધ કર,બહુ બકવાદ કર્યા વિના પરાક્રમ કરી દેખાડ.આ રાજા દુર્યોધન કંઈ સમજતો નથી.જ્યાં સુધી તને અર્જુનનાં દર્શન થયાં નથી ત્યાં સુધી ગાજવું હોય તેટલું ગાજી લે.જયારે અર્જુનના બાણોથી તું વીંધાઈ જઈશ ત્યારે તારું ગાજવું અશક્ય થઇ પડશે.ખરેખર,ક્ષત્રિયો બાહુઓથી શૂરા કહેવાય છે,બ્રાહ્મણો વાણીથી શૂરા કહેવાય છે,અર્જુન ધનુષ્યથી શૂરો કહેવાય છે પણ ઓ કર્ણ તું તો માત્ર મનોરથોથી જ શૂરો છે.અરે,જરા વિચાર તો કર,જેણે સાક્ષાત રુદ્રદેવને પણ યુદ્ધ આપી પ્રસન્ન કર્યા છે તે અર્જુનને કોણ મારી શકે તેમ છે?'


આમ,કૃપાચાર્યે કર્ણને કોપાવ્યો ત્યારે તે કર્ણ બોલી ઉઠ્યો કે-'હે બ્રાહ્મણ,રણના મોખરામાં ઉભા રહીને શૂરાઓ જો તે યુદ્ધના ભારને ઉઠાવતા હોય અને તેમાં જો તેઓ આત્મશ્લાઘા કરતા હોય તો તે શૂરાઓ જરા પણ દોષપાત્ર નથી એમ મને લાગે છે.પુરુષ જે ભાર ઉઠાવવા મનમાં નિશ્ચય કરે છે તેમાં તેને દૈવ અવશ્ય સહાય કરે છે.વળી હું તો ઉદ્યોગને સાથે રાખીને આ ભારને ઉઠાવવા ધારું છું.આ સંગ્રામમાં સાત્યકિ તથા કૃષ્ણ સહીત પાંડવોનો નાશ કરવાની જો હું ગર્જના કરું તો તેમાં તમારું શું જાય છે?જે પુરુષો શૂરા છે તે પોતાનું સામર્થ્ય જાણ્યા પછી જ ગાજે છે.હું અર્જુનને જીતવાનો મનમાં ઉત્સાહ ધરાવું છું અને તે પ્રમાણે જ ગાજું છું.મારી આ ગર્જનાનું ફળ તમે જોજો.'


કૃપાચાર્ય બોલ્યા-'હે સૂતપુત્ર,આ તારા મનોરથના બકવાદો મારા માન્યામાં આવતા નથી.તું તે સમજતો નથી કે જે સ્થળે શ્રીકૃષ્ણ અને અર્જુન હોય તે સ્થળે વિજય અવશ્ય હોય છે.ત્રણેલોકમાં અર્જુનને કોઈ જીતી શકે તેમ નથી.વળી ધર્મકુશળ ધર્મરાજ ને તેના ભાઈઓ સર્વ અસ્ત્રોમાં કુશળ છે ને યુદ્ધમાં સારી રીતે પ્રહાર કરનારા છે.તે ઉપરાંત ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી,દૌરમુખી,

જન્મેજય,ચંદ્રસેન,રૂદ્રસેન,કીર્તિધર્મા,ધ્રુવ,અધર,વસુચન્દ્ર,દામચંદ્ર,સિંહચંદ્ર અને સુતેજન આદિ દ્રુપદના પુત્રો ને દ્રુપદરાજ પોતે પણ પાંડવો માટે યુદ્ધ કરવા સજ્જ થઈને ઉભા છે.અને પુત્ર સહિત મત્સ્યરાજ (વિરાટ),શતાનિક,શ્રુતાનીક,સૂર્યદત્ત,

શ્રુતધ્વજ,બલાનીક,જયાનિક,જયાશ્ચ,રથવાહન,ચંદ્રોદય તથા સમરથ નામના વિરાટરાજના ભાઈઓ તથા નકુલ,સહદેવ,

દ્રૌપદીના પુત્રો,ઘટોત્કચ અને બીજા અનેક યોદ્ધાઓ પણ જેમને માટે યુદ્ધ કરે છે તેમનો કદી નાશ થવાનો નથી.


અરે,એકલા ભીમસેન અને અર્જુન ધારે તો દેવો,અસુરો સહિત સર્વ જગતનો પોતાના અસ્ત્રોથી સંહાર કરી શકે તેમ છે.ને એકલા યુધિષ્ઠિર પણ માત્ર પોતાની ઘોર દૃષ્ટિથી આ સમગ્ર પૃથ્વીને બાળી શકે તેમ છે.હે કર્ણ,અમાપ બળવાળા શ્રીકૃષ્ણ જેમને માટે કવચધારી થયા છે તે તારા શત્રુઓનો તું રણમાં પરાજય કરવા માટે કેમ ઉત્સાહ કરે છે?તું આ રણમાં શ્રીકૃષ્ણની સાથે યુદ્ધ કરવાનો ઉત્સાહ રાખે છે એ તારી મોટી મૂર્ખતા ને ભૂલ જ છે'


ત્યારે કર્ણ ખડખડાટ હસીને કૃપાચાર્ય પ્રત્યે બોલ્યો કે-'હે બ્રહ્મન,પાંડવો વિષે તમે જે વચન કહ્યું તે સત્ય છે.તેમને ત્રણે લોકમાં કોઈ જીતી શકે તેમ નથી પણ ઇન્દ્રે મને આપેલી શક્તિથી હું અર્જુનનો વધ કરીશ.અને અર્જુન વગર તેના બીજા ભાઈઓ પૃથ્વી ભોગવવા સમર્થ થશે નહિ.ઉત્તમ ઉપાયો યોજવાથી આ જગતમાં સર્વ અર્થો સિદ્ધ કરી શકાય છે તેમાં સંશય નથી.એ અર્થને સમજીને જ હું ગર્જના કરું છું.વળી,તમે બ્રાહ્મણ છો,વૃદ્ધ થયા છો ને પાંડવો પર લાગણીથી મોહવશ થઈને મારુ અપમાન કરો છો.પણ હે દુષ્ટ બુદ્ધિના બ્રાહ્મણ,હવે જો ફરીથી તું મને આવું અપ્રિય વચન કહીશ તો આ તલવારથી હું તારી જીભ કાપી નાખીશ.તું પાંડવોની સ્તુતિ કરીને કૌરવોનાં સર્વ સૈન્યોને ભયભીત કરી નાખવા ઈચ્છે છે.


કૌરવોના આ યોદ્ધાઓ પાંડવોનો વધ કરવાની ઈચ્છાથી જ આ સંગ્રામમાં ઉભા છે.છતાં હું માનું છું કે-યુદ્ધમાં જય થવો તે તો દૈવાધીન છે.કૌરવોના જયદ્રથ,ભૂરિશ્રવા-આદિ મહાન યોદ્ધાઓ.કે જે કોઈથી જીતી શકાય તેમ નહોતા તે પાંડવોના હાથે હણાયા છે તેમાં દૈવયોગ સિવાય બીજું તું શું માને છે? ઓ બ્રાહ્મણ,તું દુર્યોધનના જે શત્રુઓની સ્તુતિ કરે છે તેમના પણ સેંકડો યોદ્ધાઓ આ રણમાં હણાયા છે.આ વર્તમાન કાળમાં કુરુઓ ને પાંડવોનાં સર્વ સૈન્યોનો સાથે જ ક્ષય થાય છે તેમાં પાંડવોનો કોઈ જાતનો પ્રભાવ હોય તેવું મને જરા પણ દેખાતું નથી.છતાં,ઓ નીચ બ્રાહ્મણ,તું જેમને નિત્ય બળવાન માને છે તેમની સાથે જ રણમાં યુદ્ધ કરવા હું યથાશક્તિ પ્રયત્ન કરીશ.તો પણ જય તો દૈવાધીન જ છે.(70)

અધ્યાય-158-સમાપ્ત