Jun 23, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1157

 

અધ્યાય-૧૫૯-કર્ણને પોતાના અભિમાનનું મળેલું ફળ 


II संजय उवाच II तथा परुषितं द्रष्ट्वा सूतपुत्रेण भातुलम I खडगमुद्यम्य वेगेन द्रौणिरम्यपतद् द्रुतम् II १ II

સંજય બોલ્યો-સૂતપુત્ર કર્ણે આ પ્રમાણે કઠોર વચનો કહીને પોતાના મામાનો તિરસ્કાર કર્યો તે જોઈને અશ્વત્થામા હાથમાં તલવાર ઊંચી કરીને વેગપૂર્વક કર્ણ સામે ધસ્યો.ને તેને કહેવા લાગ્યો કે-'ઓ નરાધમ,મારા શૂરા મામા અર્જુનના સત્ય ગુણોનું કથન કરે છે ત્યારે તું દ્વેષને લીધે તેમનો તિરસ્કાર કરે છે.તું જાણે સર્વ લોકમાં એકલો જ ધનુર્ધર હોય તેમ બડાશ મારે છે,તને ગર્વનું ભૂત ભરાયું છે અને સંગ્રામમાં તું કોઈને ગણનામાં લેતો જ નથી.પણ,અર્જુને આજે યુદ્ધમાં તારો પરાજય કરીને તારી સમક્ષ જ જયદ્રથને મારી નાખ્યો ત્યારે તારાં પરાક્રમ ને અસ્ત્રો ક્યાં ગયાં હતાં ? જેણે પૂર્વે સાક્ષાત મહાદેવની સામે યુદ્ધ કર્યું છે તે અર્જુનને તું કેવળ વૃથા મનોરથ માત્રથી જીતવા ઈચ્છે છે ! શ્રીકૃષ્ણની સાથે રહેલા તે અર્જુનને જીતવા ત્રણે લોકમાં કોઈ સમર્થ નથી.તો પછી,હે દુષ્ટમતિ કર્ણ,આ લોકમાં એક જ વીર ગણાતા અર્જુનને તું ક્યાંથી જીતશે?ઓ દુર્બુધ્ધિ નરાધમ,હવે તું ઉભો રહેજે હું પોતે જ આજે તારા માથાને ધડથી જુદું કરીશ'

 તે વખતે દુર્યોધન વચ્ચે આવીને અશ્વત્થામાને રોકીને તેને કહેવા લાગ્યો કે-હે અશ્વત્થામા,તું શાંત થા.અત્યારે તારે કર્ણ પર રોષ કરવો ઉચિત નથી.કેમ કે સામે શત્રુ પક્ષના સૈન્યો આવી ઊભાં છે ને તારા,કર્ણ,દ્રોણાચાર્ય,કૃપાચાર્ય-આદિ સર્વના પર જ મારો આધાર છે.માટે હાલ તું કર્ણને માફ કરી દે' દુર્યોધનનાં વચનથી અશ્વત્થામા શાંત થયો ને કહેવા લાગ્યો કે-'જયારે અર્જુન સામે આવશે ત્યારે જ કર્ણને તેના પરાક્રમની ખબર આપોઆપ થઇ જશે' ત્યારે કૃપાચાર્યે પણ તેને માફ કરતાં કહ્યું કે-'એ અર્જુન આવીને આ કર્ણનો ઘમંડ ઉતારશે'


પછી,કર્ણ સામે આવેલા પાંચાલોની સામે યુદ્ધ કરવા પ્રવૃત્ત થયો,ને તેમની સામે સંખ્યાબંધ બાણોની વૃષ્ટિ કરવા લાગ્યો.તે વખતે કર્ણના હાથની અદભુત ચાલાકી અમે જોઈ હતી,કારણકે શત્રુ યોદ્ધાઓ તેને પહોંચી વળ્યા નહોતા.જોતજોતામાં તે સર્વ શત્રુ યોદ્ધાઓ કર્ણના બાણોથી પીડાઈને હાવરાબાવરા બની ગયા.કર્ણે મારી નાખેલા જથ્થાબંધ ઘોડાઓ,હાથીઓ અને રથી  યોદ્ધાઓ જ્યાં ત્યાં રણમાં અમારી દ્રષ્ટિએ પડતા હતા.આખું રણક્ષેત્ર યમરાજના નગર સમું રૌદ્ર દેખાતું હતું.એ જોઈને અર્જુન તેની સામે ધસી આવ્યો.તેને આવતો જોઈને અશ્વત્થામા,કૃપાચાર્ય,શલ્ય અને મહારથી હાર્દિકય પણ કર્ણના રક્ષણ અર્થે અર્જુન સામે ધસ્યા.


ધૃતરાષ્ટ્ર બોલ્યા-'પ્રલયકાળના યમરાજની જેમ કોપેલ એ અર્જુનને જોઈને કર્ણે શો ઉપાય કર્યો હતો?તે મને કહે'

સંજય બોલ્યો-'અર્જુનને જોઈને તે કર્ણ જરાયે ગભરાયા વિના તેની સામે યુદ્ધ કરવા ધસી આવતો જોઈને અર્જુને તેને સીધાં જતાં બાણો મૂકીને તેને ઢાંક્યો,સામે કર્ણે પણ અત્યંત ઝડપથી અર્જુનને બાણોથી ઢાંક્યો.અર્જુન તે સાંખી શક્યો નહિ અને તેણે ક્રોધપૂર્વક બાણ મારીને કર્ણના ડાબા હાથના અગ્રભાગને વીંધી નાખ્યો કે જેથી કર્ણના હાથનું ધનુષ્ય છટકી પડ્યું.પણ નિમેષમાત્રમાં કર્ણે નવું ધનુષ્ય ધારણ કરીને બાણોની વૃષ્ટિ કરી કે જેનો અર્જુને હસતાં હસતાં નાશ કરી નાખ્યો.


તે વખતે અર્જુન અને કર્ણનું મહાઅદભુત યુદ્ધ થઇ રહ્યું હતું.પછી,અર્જુને કર્ણના ધનુષ્યને મુષ્ટિપ્રદેશમાંથી કાપી નાખ્યું ને તેના ચારેય ઘોડાઓ ને સારથિને મારી નાખીને કર્ણને સારી પેઠે ઘાયલ કરી નાખ્યો.ઘવાયેલો કર્ણ એકદમ રથમાંથી કૂદીને કૃપાચાર્યના રથ પર ચડી ગયો.કર્ણને પરાજય પામેલો જોઈને તમારા પક્ષના સર્વ યોદ્ધાઓ કાયર થઈને દશે દિશામાં નાસભાગ કરવા લાગ્યા હતા.ત્યારે દુર્યોધન તેમને પાછા વાળીને કહેવા લાગ્યો કે-'હે ક્ષત્રિયો તમે ઉભા રહો,અર્જુનનો વધ કરવા હું પોતે જ તેની સામે યુદ્ધ કરવા જાઉં છું,હું સર્વ શત્રુઓનો આજે નાશ કરીશ.આજે સર્વ મારા પરાક્રમને જોઈ રહેશે.તમે સર્વ ભય ત્યાગો'

આમ કહીને તે દુર્યોધન મોટા સૈન્ય સાથે અર્જુન સામે યુદ્ધ કરવા પ્રયાણ કરી ગયો.


તે જોઈને કૃપાચાર્ય અશ્વત્થામા પાસે આવીને તેને કહેવા લાગ્યા કે-'આ દુર્યોધન ક્રોધિત થઈને બેભાન જેવો થઇ ગયો છે ને કેવળ પતંગિયાની વૃત્તિ કરીને અર્જુન સામે યુદ્ધ કરવા ઈચ્છે છે.પણ અર્જુન સામે ભેટો કરીને તે આપણા સર્વના દેખતાં પોતાના પ્રાણનો ત્યાગ ન કરે માટે તું તેને અર્જુન સામે જતાં અટકાવ.આપણે ઉભા છીએ અને દુર્યોધન કશી કુમક વિના અર્જુન સામે યુદ્ધ કરવા જાય એ મને અયોગ્ય દેખાય છે.અર્જુન સામેથી તે જીવતો પાછો આવશે નહિ'

મામાનાં એ વચન સાંભળીને અશ્વત્થામા,ત્વરિત દુર્યોધન પાસે જઈને તેને કહેવા લાગ્યો કે-'હે દુર્યોધન,હું જ્યાં સુધી જીવતો છું,ત્યાં સુધી તમારે યુદ્ધ કરવા જવું યોગ્ય નથી,હું તમારું હિત ઈચ્છું છું,મારો અનાદર કરીને તારે ભ્રાંતિમાં ન પડવું જોઈએ કે-'આ યુદ્ધમાં અર્જુનનો વિજય થશે ને મારો પરાજય થશે' હું એકલો જ અર્જુનને આગળ વધતો અટકાવીશ'


દુર્યોધન બોલ્યો-'હે ઉત્તમ બ્રાહ્મણ,તમારા પિતા દ્રોણાચાર્ય પાંડવોની પુત્રોની જેમ રક્ષા કરે છે ને તમે પોતે પણ નિત્ય તેમની ઉપેક્ષા કરો છો.આ યુદ્ધમાં તમારું પરાક્રમ મને મંદ દેખાય છે,તેમાં મારા ભાગ્યની મંદતા જ કારણભૂત છે.હે અશ્વત્થામા,તમે મારા પર પ્રસન્ન થાઓ અને મારા આ શત્રુઓનો સંહાર કરી નાખો.અમે બધા આપના રક્ષણ તળે રહી શત્રુઓને મારીશું.હવે તમે ઉતાવળ કરો ને અર્જુનના રક્ષણ તળે રહેલા આ કેકય યોદ્ધાઓ મારા સૈન્યનો નાશ કરી નાખે તે પહેલાં તેને અટકાવી દો.તમે સર્વ પાંચાલોનો નાશ કરવા જ ઉત્પન્ન થયા છે,તમે જો બરાબર સજ્જ થશો તો જરૂર આ સર્વ જગતને પાંચાલો વિનાનું કરશો.સિદ્ધોએ પણ પૂર્વે આ પ્રમાણે જ કહ્યું છે અને તે પ્રમાણે અવશ્ય થશે જ.અર્જુનના બાણોથી પીડાયેલી આપણી સેના નાસભાગ કરી રહી છે ત્યારે તમારા દિવ્ય તેજથી પાંચાલોને શિક્ષા કરવા તમે સમર્થ છો'(100)

અધ્યાય-159-સમાપ્ત