અધ્યાય-૧૬૦-અશ્વત્થામાનું પરાક્રમ
II संजय उवाच II दुर्योधनेनैवविमुक्ते द्रोणिराहवदुर्मदः I चकारारिवधे यत्नमिन्द्रो दैत्यवधे यथा II १ II
સંજય બોલ્યો-દુર્યોધને જયારે એ પ્રમાણે કહ્યું ત્યારે ઇન્દ્રે જેમ દૈત્યોનો વધ કરવા યત્ન કર્યો હતો તેમ,તે યુદ્ધદુર્મદ અશ્વત્થામાએ શત્રુઓનો વધ કરવા તૈયાર થઈને દુર્યોધને કહ્યું કે-'હે કુરુરાજ,તું કહે છે તે સત્ય છે કે મને અને મારા પિતાને પાંડવો નિત્ય પ્રિય છે,ને તેમને પણ અમે બંને પ્રિય છીએ,છતાં યુદ્ધ વખતે અમે પરસ્પરની પ્રીતિ જાળવતા નથી ને બાણોની પર્વ કરવા વિના અમારી શક્તિ અનુસાર યુદ્ધ કરીએ છીએ.અત્યારે જો હું,કૃપાચાર્ય,શલ્ય,કર્ણ અને હાર્દિકય-આદિ આ યુધ્ધમાં ન હોઈએ તો પાંડવો આપણી સેનાને એક અર્ધ નિમેષ જેટલા સમયમાં જ સંહારી નાખે તેમ છે.પણ પાંડવો સામે અમારી શક્તિ પ્રમાણે યુદ્ધ કરીએ છીએ અને તેથી તેજ સામે તેજ આવીને શાંત થઇ જાય છે.આ વાત હું તને સત્ય જ કહું છું કે-જ્યાં સુધી પાંડવો જીવતા છે ત્યાં સુધી આ પાંડવી સેનાનો અતિબળથી પણ પરાજય કરી શકાય તેમ નથી.
સમર્થ એવા તે પાંડુપુત્રો કેવળ પોતાને માટે જ યુદ્ધ કરી રહ્યા છે તેથી તે તારાં સૈન્યોનો સંહાર કેમ નહિ કરે?હે કુરુરાજ,તું લોભી છે ને કેવળ કપટને જ જાણે છે.તું સર્વના તરફ શંકા રાખે છે અને અભિમાની છે,તેથી જ તું અમારા વિષે શંકા કરી રહ્યો છે.વળી,હું માનું છું કે-તું અતિનિંદ્ય,પાપાત્મા અને પાપી છે ને પાપની વાસનાઓથી ભરેલો હોઈને બીજાઓની વિશે શંકા રાખ્યા કરે છે.છતાં હું મારો બનતો પ્રયત્ન કરીશ ને આજે તારા માટે મારા જીવિતનો ત્યાગ કરવા તત્પર થઈશ.તારું પ્રિય કરવા હું આજે પાંચાલો,સોમકો,કેકયો તથા બીજા પાંડવ યોદ્ધાઓ સામે સારી રીતે યુદ્ધ કરીશ ને તેમને હણી નાખીશ.'
આમ કહી તે અશ્વત્થામા રણને મોખરે જઈને પાંચાલો ને કેકયોને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે-'હે મહારથો,તમે બધા મારા શરીર પર પ્રહાર કરવા મંડી પાડો ને તમારા ચાતુર્યને દર્શાવવા મારી સામે યુદ્ધ કરો'
અશ્વત્થામાના એ વચન સાંભળીને સર્વ યોદ્ધાઓ તેના પર શસ્ત્રોની વૃષ્ટિ કરવા માંડ્યા.સામે અશ્વત્થામાએ તે સર્વ શસ્ત્રોનો નાશ કરીને ધૃષ્ટદ્યુમ્ન સમક્ષ જ તેના દશ વીરોનો નાશ કરી નાખ્યો.સોમકો ને પાંચાલો રણમાંથી પલાયન થવા લાગ્યા ત્યારે ધૃષ્ટદ્યુમ્ન પોતે અશ્વત્થામા સામે ધસ્યો ને તેને કહેવા લાગ્યો કે-ઓ દુષ્ટબુદ્ધિ દ્રોણપુત્ર,બીજા સામાન્ય યોદ્ધાઓને મારી નાખવાથી તને શો લાભ થવાનો છે?આવ મારી સામે આવ,હું તારો વધ કરીશ.તું મારી પ્રતિજ્ઞાને તથા ઉત્પત્તિને જાણતો નથી.હું પ્રથમ તારા પિતા દ્રોણાચાર્ય ને મારી નાખી પછી જ તને મારી નાખીશ.હે પુરુષાધમ,જે બ્રાહ્મણ,પોતના બ્રાહ્મણ ધર્મનો ત્યાગ કરીને ક્ષાત્રધર્મમાં આસક્ત થાય છે તે સર્વ કોઈથી વધ કરવા યોગ્ય જ છે'
તે પછી તે બંને મહારથીઓ વચ્ચે એકધારું તુમુલ યુદ્ધ થયું.'કોણ વધુ શ્રેષ્ઠ?' એ કહેવું મુશ્કેલ હતું.જીવોનો મોટો સંહાર થયો હતો.છેવટે અશ્વત્થામાએ,ધૃષ્ટદ્યુમ્નના સારથિ,રથ,ઘોડાઓને મારી નાખી તેની સામે ધસારો કરીને હજારો બાણો મૂકીને સર્વ પાંચાલ યોદ્ધાઓને રણમાંથી નસાડી મુક્યા.એ વેળા પાંડવોની સેનાએ ગભરાટમાં આવી પડી હતી.એ રીતે શત્રુઓનો રણમાં પરાજય કરીને અશ્વત્થામા મેઘની જેમ મોટી ગર્જના કરવા લાગ્યા.તેણે તે વખતે શત્રુઓનો મોટો સંહાર કર્યો હતો (60)
અધ્યાય-160-સમાપ્ત
