More Labels

Oct 29, 2012

ભાગવત રહસ્ય-૧૬૫

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE                     
 સ્કંધ-૭-(સાતમો)-૧૦
જ્ઞાન નો ઉપયોગ પ્રભુની સર્વવ્યાપકતા નો અનુભવ કરવા માટે છે.

એક મહાત્મા ના બે શિષ્યો.બન્ને ખુબ ભણેલા.કથા વાર્તા પણ કરતા. મહાત્મા નો અંત સમય આવ્યો. મહાત્મા એ વિચાર્યું-કે –
ગાદી કોને આપું ?મહાત્મા એ બે ફળ મંગાવ્યા. અને બન્ને શિષ્યો ને બોલાવી –બન્ને ને એકએક ફળ આપ્યું.
અને કહ્યું-એવી જગ્યાએ આ ફળ ખાજો કે કોઈ તમને ફળ ખાતાં જુએ નહિ.
એકે વિચાર્યું-ઓરડો બંધ કરીને ખાઇશ તો મને કોણ જોવાનું છે ? તે ઓરડામાં જઈ ફળ ખાઈ ને પાછો આવ્યો.
બીજા એ જ્ઞાન પચાવેલું હતું. બીજા ને જ્યાં જાય ત્યાં ઈશ્વર દેખાય છે. પરમાત્મા વિશ્વોત્મુખ છે. આખો દહાડો ફર્યો-પણ કોઈ
એકાંત જગા મળી નહિ. ફળ ખાધા વગર જ તે પાછો આવ્યો.
ગુરૂજી એ નક્કી કર્યું કે આ બીજો ચેલો લાયક છે. પહેલો કથા કરે છે-પણ ઈશ્વરના સર્વવ્યાપક સ્વરૂપ ને સમજ્યો નથી.

પ્રહલાદ ની દૃઢ નિષ્ઠા છે-કે ઈશ્વર સર્વ માં છે. અનેક માં એક વસ્તુ ના દર્શન કરે તે ભક્તિ. એક માં અનેક ને જોવું તે જ્ઞાન.
જ્ઞાની એક વસ્તુ માં અનેક નો લય કરે છે. આ વેદાંત (અદ્વૈત) ની પ્રક્રિયા છે.
વેદાંત માં દ્રષ્ટા (જોનાર) ની ઉપાસના છે-ભક્તિ માં દૃશ્ય ની ઉપાસના છે.
વેદાંત માં દૃશ્ય નો નિષેધ કરવો પડે છે-જયારે ભક્તિ કહે છે-જે દૃશ્ય છે તે પણ ભગવદસ્વરૂપ  છે.
શબ્દો માં થોડો ફરક છે-જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ માં ફરક નથી.

જ્ઞાની ઓ બાહ્ય રૂપરંગ ને જોતા નથી. પરંતુ બાહ્ય રૂપરંગ જેનાથી સુંદર લાગે છે-તે પરમાત્મા નો વિચાર કરે છે.
ગાય કાળી હોય –ધોળી હોય કે રાતી હોય –પણ તેનું દૂધ સફેદ જ હોય છે.
મનુષ્ય બુદ્ધિમાન હોય કે મૂર્ખ હોય પણ દરેક માં રહેલું ચેતન તત્વ એક-જ છે.
જગત માં કોઈ મૂર્ખ નથી.બધા ઈશ્વરના અંશ છે. જે બીજા ને મૂર્ખ માને તે પોતે જ મૂર્ખ છે.

આપણે ત્યાં તો પશુ ની પણ પૂજા થાય છે.કૂતરો ભૈરવનાથ નું વાહન છે.ગધેડો શીતળા માતાનું વાહન છે.
ઈશ્વર ચૈતન્ય રૂપે સર્વ માં છે-તેવો અનુભવ કરવાની જેને આદત પડે-તેની પ્રત્યેક ક્રિયા ભક્તિમય અને જ્ઞાનમય બનશે.

પરમાત્મા ની આજ્ઞા સમજી ને જે વ્યવહાર કરે છે તેની બુદ્ધિ માં આવી જ્ઞાન રહે છે.
સંસારના જડ પદાર્થો ને જેમ બુદ્ધિમાં રાખો છો –તે જ રીતે-બુદ્ધિમાં પરમાત્મા ને રાખો.
સર્વ માં રહેલા પરમાત્મા આંખ ને દેખાતા નથી પણ બુદ્ધિ ને દેખાય છે. બુદ્ધિ તેમનો અનુભવ કરી શકે છે.

અતિસૂક્ષ્મ પરમાત્મા આંખ ને ન દેખાય પણ કોઈ સંત કૃપા કરે અને જોવાની દૃષ્ટિ (બુદ્ધિ) આપે ત્યારે તે (પ્રભુ) દેખાય છે.

મનુષ્ય ને સ્વાતંત્ર્ય –સ્વેચ્છાચારી બનાવે છે. પોતાની બુદ્ધિ જ સર્વ થી શ્રેષ્ઠ છે તેવું અભિમાન આવે છે.
કોઈ સંત નું ચરિત્ર ગમતું હોય તેને ગુરુ માની તેને આધીન થવા થી અહમ નો વિનાશ થાય છે.
ગુરુ થી આ અહં નો વિનાશ થવાની સાથે સાથે-એક નવી દૃષ્ટિ (આંખ) ખુલે છે-
સદગુરુ સંતતિ-સંપત્તિ-સંસારસુખ- આપતા નથી પણ પરમાત્મા ના દર્શન કરવાની એક દૃષ્ટિ (આંખ ) આપે છે.બુદ્ધિ આપે છે.

ગુરુ કરતા પહેલાં ખુબ વિચાર કરજો. “પાની પીના છાનકે-ગુરુ કરના જાનકે”   
પણ ગુરુ કર્યા પછી બીજા કોઈ વિચાર કરશો નહિ-તે ગુરુ માં જ સંપૂર્ણ શ્રધ્ધા રાખજો.

જગતના કોઈ પણ મહાપુરુષમાં શ્રદ્ધા ન થતી હોય તો-કોઈ પ્રાચીન મહાત્માને ગુરુ માની ને તેને આધીન રહેજો.
(કોઈ પણ ન મળે તો છેવટે-“કૃષ્ણમ વંદે જગદગુરૂમ “)

એકલા સાધન થી મન કાયમ ને માટે શુદ્ધ રહેતું નથી. (મન પર બુદ્ધિ નો પ્રભાવ છે-બુદ્ધિ અહમ કરે છે)
જયારે સદગુરુની કૃપા થાય ત્યારે મનુષ્ય નું મન હંમેશા પવિત્ર રહે છે. (બુદ્ધિ ના અહમ નો નાશ થવાથી)
મન મોટા મોટા સાધુ ઓ ને પણ ત્રાસ આપે છે.મન ચંચળ છે. મનશુદ્ધિ વગર ઈશ્વર નો સાક્ષાત્કાર શક્ય નથી.

સાધારણ નિયમ એવો છે કે-ભગવાન કર્મ પ્રમાણે જીવ ને ફળ આપે છે-તે ન્યાયાધીશ જેવું કામ કરે છે.
પણ સદગુરુ પ્રારબ્ધ પર મેખ મારે છે-અને શિષ્ય નું કલ્યાણ કરે છે.

જગત માં અનેક સંતો છે-પણ આપણું કલ્યાણ કરવાની જવાબદારી તેમના માથે નથી. પણ આપણે જો કોઈ ને ગુરુ બનાવીએ તો
આપણું કલ્યાણ કરવાની જવાબદારી તેમના માથે છે.

સાચાં સાધુ-સંતો ને કોઈના ગુરુ થવાની ઈચ્છા થતી નથી. ગુરુ ને માથે મોટી જવાબદારી છે. જલ્દી કોઈના ગુરુ થવાનું સારું નથી.
ગુરુ થવાથી ચેલા ના પાપની જવાબદારી પણ ગુરુ ના માથે આવે છે.
શાસ્ત્ર માં લખ્યું છે-કે-શિષ્ય જે પાપ કરે છે-તેની થોડી સજા ગુરુ ને પણ કરવામાં આવે છે.
ચેલા ના પાપ નો ઇન્સાફ કરતી વખતે ગુરુ ને પણ બોલાવવામાં આવે છે-તેને પૂછવામાં આવે છે-કે-

ગુરુપૂર્ણિમા ના દિવસે ખુબ હાર પહેર્યા-ભેટો લીધી પણ ચેલાનું પાપ કેમ ન છોડાવ્યું ? તેને સન્માર્ગે કેમ વાળ્યો નહિ ?
ચેલા ની સાથે ગુરુ ને પણ બે ફટકા પડે છે.

આજકાલ લોકો પુસ્તકો વાંચી ને-પથારી માં પડ્યા પડ્યા જ્ઞાની બની જાય છે. તે વિચારે છે-કે ગુરુની કોઈ જરૂર નથી.
જ્ઞાન છે-પણ તે જ્ઞાન નો અનુભવ થતો નથી. અનુભવ વગરના જ્ઞાન ની કિંમત કેટલી ?!!!!


ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE