Jan 17, 2020

ભાગવત રહસ્ય-૧૬૧

હિરણ્યકશિપુ વિચારે છે કે- આ કોઈ ઉપાયે મરતો નથી. આ મને મારવા આવ્યો છે કે શું ? હિરણ્યકશિપુ ગભરાયો છે.ત્યાં શંડામર્ક આવ્યા. રાજાનો નિસ્તેજ ચહેરો જોઈ કહેવા લાગ્યા.-આ પાંચ વર્ષનો બાળક તમને શું મારી શકે ? અમે તેણે વરુણપાશમાં બાંધી રાખીશું. ચાર મહિના પછી શુક્રાચાર્ય આવવાના છે- પછી તે આજ્ઞા આપે તેમ કરજો.શંડામર્ક પ્રહલાદજીને વરુણપાશમાં બાંધી ઘેર લાવ્યા છે.

એક દિવસ ગુરુજી બહાર ગયા હતા ત્યારે પ્રહલાદ બહાર રમતા બાળકોને ભાગવત-ધર્મનો ઉપદેશ આપે છે.
મિત્રો આ સંસારમાં મનુષ્ય જન્મ ઘણો દુર્લભ છે. મનુષ્ય શરીર દ્વારા અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઇ શકે છે.કોઈને પણ ખબર પડતી નથી કે ક્યારે આ શરીરનો અંત આવશે? આથી બુદ્ધિમાન પુરુષોએ –વૃદ્ધાવસ્થા કે જુવાનીના ભરોસે રહેવું નહિ. પણ બાળપણથી જ ભગવાનની પ્રાપ્તિ કરાવે તેવા સાધનોનું અનુષ્ઠાન કરી લેવું જોઈએ.શરીર અનિત્ય છે, નાશવંત છે –પણ આ શરીરથી નિત્ય એવા પરમાત્માનાં દર્શન થાય છે. પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે.મનુષ્ય શરીર –મનુષ્ય જન્મ દુર્લભ છે.આ શરીર બહુ મોંઘુ છે.કિંમતી છે.

એકવાર એક ખેડૂતને એક લાખનો હીરો જડ્યો.એ જાણતો નથી કે –એને કિંમતી હીરો મળ્યો છે.હીરામાં ચળકાટ છે-તેથી તે હીરો તેણે-બાળકને રમવા આપ્યો છે. ખેડૂતના ઘરમાં એક લાખનો હીરો છે-છતાં તે ગરીબ છે,દુઃખી છે.આમ જ મનુષ્ય જીવનની કિંમત –મહત્તા ન સમજાય તો મનુષ્ય સંસાર સાથે રમે છે. 
મનુષ્ય શરીર અતિ કિંમતી છે.

પહેલાં મનુષ્યનું આયુષ્ય સો વર્ષનું ગણવામાં આવતું.(આજે તે સ્થિતિ નથી)
મનુષ્યના આયુષ્યના વર્ષોમાંથી-અડધું આયુષ્ય નિંદ્રામાં જાય છે-પા આયુષ્ય બાલ્યાવસ્થામાં (અજ્ઞાનમાં) અને કુમારઅવસ્થામાં (ખેલકૂદ માં) જાય છે.બાકીનું પા આયુષ્ય વધ્યું-
તેમાંથી વૃદ્ધાવસ્થાના વર્ષો બાદ કરીએ તો (વૃદ્ધાવસ્થામાં કાંઇ થઇ શકતું નથી)
થોડાં વર્ષ રહ્યા જુવાનીના –જે કામોપભોગમાં જાય છે--આમાં આત્માનું કલ્યાણ માનવી ક્યારે સાધવાનો ?
માટે મનુષ્યે આત્મકલ્યાણ માટે તરત જ પ્રયત્ન કરવો જોઈએ. 

કહ્યું છે કે-જ્યાં સુધી શરીર રૂપી ઘર સ્વસ્થ છે-વૃદ્ધાવસ્થાનું આક્રમણ નથી થયું,ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ નથી થઇ-આયુષ્યનો ક્ષય થયો નથી-ત્યાં સુધીમાં ડાહ્યા માણસોએ પોતાના આત્મ કલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ.નહિતર ઘરમાં આગ લાગ્યા પછી-કુવો ખોદવાના પ્રયત્નનું પ્રયોજન શું ?
આપણા મસ્તક પર અનેક પ્રકારના ભયો સવાર થયેલા છે.શરીર રોગ-શોકગ્રસ્ત બની મૃત્યુને વશ થઇ જાય, તે પહેલાં,આ શરીર કે જે –ભગવદ પ્રાપ્તિ માટે સક્ષમ છે તેનાથી બુદ્ધિમાન પુરુષોએ પોતાના કલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો (ભા.૭-૬-૫)

માનવી દુઃખ માગતો નથી-પણ દુઃખ આવીને ઉભું રહે છે.કોઈ એવી માનતા રાખતો નથી-કે મને તાવ આવે તો હું સત્યનારાયણની કથા કરાવીશ. તેમ છતાં તાવ તો આવે જ છે.
વગર પ્રયત્ને પ્રારબ્ધ પ્રમાણે દુઃખ આવે છે-તેમ વગર પ્રયત્ને પ્રારબ્ધ પ્રમાણે સુખ પણ આવે છે.
પ્રારબ્ધ એ પૂર્વ જન્મના કર્મ નું ફળ છે. માટે સુખ દુઃખ માટે પ્રયત્ન ના કરો. પ્રયત્ન પ્રભુને મેળવવા માટે કરો.


સત્કર્મમાં પ્રયત્ન પ્રધાન છે-પ્રારબ્ધ નહિ. સત્કર્મમાં વિઘ્ન કરવાની શક્તિ પ્રારબ્ધમાં નથી.
મનુષ્યની પોતાની દુર્બળતાથી પ્રભુ ભજનમાં વિઘ્ન આવે છે.
વેદોનું જ્ઞાન હોય-શાસ્ત્રની સર્વ વિદ્યા મોઢે હોય –કવિત્વમય વાણીમાં સુંદર ગદ્ય-પદ્ય કરવાની શક્તિ હોય તેમ છતાં પણ જો હરિચરણમાં ચિત્ત ન લાગેલું હોય તો આ બધાનો કોઈ અર્થ નથી .
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE