More Labels

Oct 24, 2012

ભાગવત રહસ્ય-૧૬૦

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
       NEXT PAGE               
    INDEX PAGE                     
સ્કંધ-૭-(સાતમો)-૫
યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે-કે-
“હે,મૈત્રેયી, --ઘર,પુત્ર,સ્ત્રી –આદિ જે પ્રિય લાગે છે-તે સુખ ને માટે પ્રિય લાગે છે. બાકી –
પ્રિય માં પ્રિય તો આત્મા જ છે (આત્મા વૈ પ્રેયસામ પ્રિયઃ)

પતિ ના પર પત્ની નો અધિક પ્રેમ હોય છે, તે પતિ ની કામના પૂર્ણ કરવા માટે નહિ પણ પોતાની કામના પૂરી કરવા માટે હોય છે,
પતિ ને પત્ની અધિક પ્રિય લાગે છે, પણ તે પત્ની ની કામના પૂર્ણ કરવા માટે નહિ,પણ પોતાની કામના પૂર્ણ કરવા માટે હોય છે.
માતપિતા નો પુત્ર પર અધિક પ્રેમ હોય છે, તે પુત્ર માટે નહિ પણ પોતાના માટે જ હોય છે.”

પત્ની પતિ ને ચાહે છે-કારણ પતિ તેનું ભરણપોષણ કરે છે.પતિ પત્ની ને ચાહે છે-કારણકે  પત્ની તેની ઈચ્છાઓ પૂર્ણ કરે છે.
માતાપિતા પુત્રોને ચાહે છે-કારણ કે –તેઓને આશા હોય છે કે-પુત્રો મોટા થઇ તેમનું ભરણપોષણ કરશે. તેઓને પાળશે.

મનુષ્ય મનુષ્ય સાથે પ્રેમ કરતો નથી પણ સ્વાર્થ સાથે પ્રેમ કરે છે.
અને જે મનુષ્ય સ્વાર્થ અને કપટ થઇ પ્રેમ કરે છે-તે ક્યારે દગો કરશે તે કહેવાય નહિ.સંસાર માં શાંતિ કોઈ ને નથી.

પ્રહલાદ કહે છે-ઘરમાં બરાબર ભજન થતું નથી, ઘરમાં નહિ પણ વન માં જઈ મારે ભજન કરવું છે, એકાંત માં બેસી મારે
નારાયણ નું આરાધન કરવું છે.

પ્રહલાદે સુંદર બોધ આપ્યો પણ હિરણ્યકશિપુ ને આ ગમ્યું નથી. ક્રોધ આવ્યો છે અને શંડામર્ક ને કહે છે-
તમે મારા બાળક ને આવો બોધ આપ્યો ? જુઓ,દેવો મારાથી ગભરાય છે,સૂક્ષ્મ રૂપ ધારણ કરી તે વિષ્ણુ નો પ્રચાર કરે છે.
માટે સાવચેતી રાખો.

શંડામર્ક પ્રહલાદ ને લઈને ત્યાંથી નીકળ્યા. તેમણે રસ્તા માં પ્રહલાદ ને પૂછ્યું કે-અમે તને આવું તો નહોતું શીખવાડ્યું-તો પાછી તારા
બાપુ આગળ આવું કેમ બોલ્યો ?
પ્રહલાદ કહે છે-ગુરુજી,કોઈના કહેવાથી આ જીવ ભક્તિ કરતો નથી,કે પરમાત્મા ના માર્ગે વળતો નથી.
પ્રભુની કૃપા થાય તો ભક્તિ નો રંગ લાગે છે.

થોડા સમય પછી-હિરણ્યકશિપુ એ પ્રહલાદ ને ફરીથી પૂછ્યું-ગુરુજી પાસેથી તેં જે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે-તેમાંથી સારી વાત મને સંભળાવ.

પ્રહલાદ કહેવા લાગ્યા-પિતાજી વિષ્ણુ ભગવાન ની ભક્તિ ના નવ ભેદ છે. ભગવાન આગળ સમર્પણ ભાવથી આ નવ પ્રકારની ભક્તિ
કરવામાં આવે તો તેણે હું ઉત્તમ અધ્યયન સમજુ છું. પ્રભુ પ્રસન્ન થાય તો જીવન સફળ થાય છે.

આ સાંભળી હિરણ્યકશિપુ ને ક્રોધ આવ્યો છે.પ્રહલાદ ને ખોળામાંથી ફેંકી દીધો છે અને સેવકો ને હુકમ કર્યો છે-“તમે જોઈ શું રહ્યા છો?
આ બાળક ને મારો-તે મારવા યોગ્ય જ છે-આ મારો દીકરો નથી પણ શત્રુ છે.”  દૈત્યો પ્રહલાદ ને મારવા દોડ્યા છે.

પ્રહલાદ ની દૃષ્ટિ દિવ્ય હતી.તે ચારે બાજુ પ્રભુ ને જુએ છે. તલવારમાં પણ શ્રીકૃષ્ણ અને તલવાર જેના હાથમાં છે-તેમાં પણ શ્રીકૃષ્ણ.
રાક્ષસો મારવા આવે છે-પણ પ્રહલાદ ના જપ ચાલુ છે. દૈત્યો મારે છે –પણ પ્રહલાદ નો વાળ વાંકો થતો નથી.
પ્રહલાદ નિર્ભય છે.ભગવદ આશ્રય કરવાથી જીવ નિર્ભય બને છે.માલિક ના હજાર હાથ છે-આ બે હાથ વાળા શું કરી શકવાના છે.?
હિરણ્યકશિપુ ને આશ્ચર્ય થયું છે-અને હુકમ કર્યો કે-“ એને કેદખાના માં નાખો,અન્ન જળ આપશો નહિ એટલે એ મરી જશે.”

પ્રહલાદ ને કેદખાના માં નાખ્યા છે. છતાં પ્રહલાદ વિચારે છે-મારા ભગવાન મારી સાથે છે-પછી મને શાની બીક ?

માલિક નો કાયદો છે-કે જગત માં કોઈ જીવ ભૂખ્યો હોય ત્યાં સુધી વૈકુંઠ માં નારાયણ પ્રસાદ આરોગતા નથી.
આજે ઠાકોરજી લક્ષ્મીજી ને પૂછે છે કે-જગત માં કોઈ જીવ ભૂખ્યો તો નથી ને ? લક્ષ્મીજી કહે છે-બધાને મળ્યું પણ તમારો ભક્ત
પ્રહલાદ જેલ માં બેઠો છે-તે ભૂખ્યો છે. ભગવાને કહ્યું-દેવી તેને માટે પ્રસાદ મોકલો. લક્ષ્મીજી એ સેવકોને આજ્ઞા કરી છે.
પાર્ષદો થાળ માં પ્રસાદ લઈને આવ્યા છે.પ્રહલાદ ને કહ્યું-લક્ષ્મીજી એ તારા માટે પ્રસાદ મોકલ્યો છે.

પ્રહલાદે પ્રણામ કર્યા. “મારા માટે કારાગૃહ માં પણ પ્રસાદ મોકલ્યો!! મારા પ્રભુ ને મારી કેટલી ચિંતા છે ? કદાચ હું ભગવાન ને
ભૂલી જાઉં પણ મારા ભગવાન મને ભૂલતા નથી.”

હિરણ્યકશિપુ ના સેવકો ને આશ્ચર્ય થયું છે-અંદર થી કેસર કસ્તુરીની વાસ આવે છે. આ તો જાદુગર લાગે છે. તેમણે હિરણ્યકશિપુને
સંદેશ મોકલ્યો. હિરણ્યકશિપુ દોડતો આવ્યો છે. જોયું તો સોનાની થાળી અને મીઠાઈઓ છે.અને પ્રહલાદ પ્રસાદ આરોગે છે.
તેણે પ્રહલાદ ને પૂછ્યું-આ ક્યાંથી લાવ્યો ? સાચું બોલ-તને આ કોણ આપે છે ?

પ્રહલાદ કહે છે-પિતાજી આ કોટડી તો મોટી છે.ગર્ભવાસની કોટડી તો કેટલી નાની હોય છે? મા ના પેટમાં જેણે મારું રક્ષણ અને પોષણ
કર્યું હતું તે જ અત્રે મારું પોષણ કરે છે.


ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
       NEXT PAGE               
    INDEX PAGE