Page list

Aug 11, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1190

 

અધ્યાય-૧૯૨-દ્રોણાચાર્યનો વધ 


II संजय उवाच II सात्वतस्य तु तत्कर्म दष्ट्वा दुर्योधनादय: I शैनेयं सर्वतः कृद्वा वारयामासुरंजसा II १ II

સંજય બોલ્યો-સાત્યકિના તે કર્મને જોઈને દુર્યોધન આદિ યોદ્ધાઓ ક્રોધે ભરાયા ને તેની સામે ધસી તેને સર્વ તરફથી અટકાવવા લાગ્યા.ત્યારે પાંડવ ભાઈઓ તેની આસપાસ વીંટાઈ વળ્યાં.સામે કર્ણ,કૃપાચાર્ય,દુર્યોધને આવીને સાત્યકિ સામે બાણોની વર્ષા કરી કે સામે સાત્યકિએ ઉદય પામેલી તે બાણવૃષ્ટિને અટકાવી દીધી.વળી શત્રુઓએ પ્રયોજેલાં દિવ્ય અસ્ત્રોનો પણ સામે વિધિવત દિવ્ય અસ્ત્રો મૂકીને તે દિવ્ય અસ્ત્રોનો અટકાવ કર્યો.તે રણમાં ભયંકર રક્તપાત થયો હતો.પછી,યુધિષ્ઠિરના કહેવાથી સૃન્જય યોદ્ધાઓ સુસજ્જ થઈને દ્રોણાચાર્ય સામે ધસ્યા.

દ્રોણાચાર્યના અસ્ત્રો તે યોદ્ધાઓને ત્રાસ ઉપજાવવા લાગ્યા.ત્યારે પૃથ્વી કંપવા લાગી,કડાકા ભડાકા સાથે પવન ફૂંકાવા લાગ્યો ને ત્યાં મોટાંમોટાં ઉંબાડિયાં પડવા લાગ્યાં કે જે મહાન ભયને સૂચવતાં હતા.ત્યાં રથના ગડગડાટો સંભળાવા લાગ્યા ને ઘોડાઓ અશ્રુપાત કરવા લાગ્યા.મહારથી દ્રોણાચાર્ય પણ નિસ્તેજ જેવા જણાવા લાગ્યા,તેમનું ડાબું નેત્ર ને ડાબો બાહુ ફરકવા લાગ્યો.તેમનું મન ખિન્ન થયું ને પોતાના સ્વર્ગગમન સંબંધી ઋષિઓના વચનને લક્ષમાં રાખીને સારી રીતે યુદ્ધ કરીને જ પ્રાણોના ત્યાગની તૈયારી કરી.રણમાં ઘૂસીને તેમણે વીસ હજાર ક્ષત્રિયોનો નાશ કરી નાખ્યો ને એક લાખ હાથીઓનો ઘાણ કાઢી નાખ્યો.


બીજી બાજુ રથવિહીન થયેલા ધૃષ્ટદ્યુમ્ન પાસે ભીમસેન પહોંચી ગયો ને તેને રથમાં બેસાડીને તેને કહેવા લાગ્યો કે-'તારા સિવાય બીજો એક પણ પુરુષ દ્રોણાચાર્ય સામે લડવાને ઉત્સાહ કરી શકે તેમ નથી.દ્રોણાચાર્યનો વધ કરવાનો ભાર માત્ર તારા પર જ રહ્યો છે,માટે ઉતાવળ કર' ભીમસેનના કહેવાથી ધૃષ્ટદ્યુમ્ને મજબૂત ધનુષ્ય હાથમાં લઈને દ્રોણાચાર્ય સામે ધસીને બાણોની વૃષ્ટિ કરીને તેમને ઢાંકી દેવા માંડ્યો.તે બંને જણા બ્રહ્માસ્ત્ર આદિ અનેક દિવ્ય અસ્ત્રોને પ્રગટ કરવા લાગ્યા.ત્યારે આચાર્યે ધૃષ્ટદ્યુમ્નનાં ધનુષ્યને કાપી નાખ્યું ને તેના સર્વ મર્મસ્થાનોમાં બાણોથી સખત પ્રહાર કર્યો.જેથી તે અત્યંત પીડાયો.


હવે,ભીમસેનને અત્યંત ક્રોધ થયો ને દ્રોણાચાર્યના રથ નજીક જઈને કહેવા લાગ્યો કે-'તમારા જેવા નીચ બ્રાહ્મણો,સારી રીતે શિક્ષિત થયા છતાં અને પોતાના કર્મોથી ભ્રષ્ટ થયા છતાં,જો આ રીતે યુદ્ધ કરતા ન હોય તો બિચારા ક્ષત્રિયોનો આવો સંહાર થાય નહિ.તમે વેદવેત્તા બ્રાહ્મણ છો પણ ચાંડાલની જેમ અસંખ્ય મનુષ્યોનો સંહાર કરીને પુત્ર,સ્ત્રી ને ધનની,મૂઢની જેમ ઈચ્છા રાખો તે શું યોગ્ય છે? કેવળ એક પુત્રને માટે સ્વકર્મથી ભ્રષ્ટ થઈને અને અધર્મ વિદ્યાનો આશ્રય કરીને,તમને સ્વકર્મ કરનારાં અનેક મનુષ્યોનો સંહાર કરતાં લાજ કેમ આવતી નથી? અરે,જેને માટે તમે શસ્ત્રો હાથમાં લીધાં છે અને જીવી રહ્યા છો તે તમારો પુત્ર રણમાં સૂતો છે એ વાત તમને જાણે કરવામાં આવી ન હોય તેમ લાગે છે.ધર્મરાજાએ તમારા પુત્રના મરણ સંબંધી જે કહ્યું છે તે સત્ય છે ને તેમાં શંકા કરવી યોગ્ય નથી'


ભીમસેનનાં  એ વચન સાંભળીને દ્રોણાચાર્યે ધનુષ્ય ફેંકી દીધું ને બીજાં બધાં અસ્ત્રોનો ત્યાગ કરવાની ઈચ્છાથી તે બોલવા લાગ્યા કે-'ઓ કર્ણ,ઓ દુર્યોધન હું તમને ફરી ફરીને કહું છું કે સંગ્રામમાં બરાબર યત્ન કરજો,હું હવે શસ્ત્રોનો ત્યાગ કરું છું'

એમ કહી તેમને સર્વ શસ્ત્રોનો ત્યાગ કરીને તેઓ અશ્વત્થામાને મોટેથી બોલાવવા લાગ્યા,ને સર્વને અભય આપી,યોગધારણાનો આશ્રય કરીને રથની બેઠક પર બેસી ગયા.આ તકનો લાભ લઈને ધૃષ્ટદ્યુમ્ન હાથમાં તલવાર લઈને રથમાંથી કૂદીને દ્રોણાચાર્યની સામે ધસી ગયો.ત્યારે સર્વ યોદ્ધાઓ તેને કહેવા લાગ્યા કે -'અરે ધિક્કાર હો'.


ત્યારે દ્રોણાચાર્ય,જ્ઞાનનિષ્ઠામાં સ્થિત થઈને જ્યોતિસ્વરૂપ થયા અને યોગમાર્ગનો આશ્રય કરીને મનમાં વિષ્ણુનું શરણ લીધું.મુખને લગાર ઊંચું રાખીં અને વક્ષઃસ્થળને આગળ હડપચીના ભાગમાં સ્થિર કરીને તેમણે વિષયોના સ્મરણને હૃદયમાંથી દૂર ફેંકી દીધા તેમ જ નેત્રો બંધ કરીને તે સત્વગુણમાં સ્થિર થયા.આ પ્રમાણે સત્વગુણમાં સ્થિર થઈને તે પરબ્રહ્મ વાસુદેવનું સ્મરણ કરીને કેવળ જ્યોતિસ્વરૂપ થયા હતા.તેઓ સત્પુરુષોને પણ અતિદુર્લભ એવા સ્વર્ગમાં પધારી ગયા,ત્યારે આકાશમાં જાણે બે સૂર્ય ઉગ્યા હોય તેવું અમને લાગ્યું.દ્રોણાચાર્ય બ્રહ્મલોકમાં ગયા ત્યારે ધૃષ્ટદ્યુમ્ન કેવળ મૂઢ થઈને ઉભો હતો.


તે સમયે અમે પાંચ (હું,અર્જુન,અશ્વત્થામા,શ્રીકૃષ્ણ અને યુધિષ્ઠિર)જ પરમ ગતિએ જતા તર દ્રોણાચાર્યને જોઈ શક્યા હતા.

હવે યોગનો આશ્રય લઈને બ્રહ્મલોકમાં પધારી ગયેલા એ શત્રુદમન દ્રોણાચાર્યનું શરીર બાણોથી છિન્ન ભિન્ન થયેલું હતું ને લોહી વહી રહ્યું હતું ને નિર્જીવ થયું હતું,ત્યારે સર્વ ભૂતોથી ધિક્કારાયેલા ધૃષ્ટદ્યુમ્ને તે દ્રોણાચાર્યની શરીરની ચોટલી પકડીને તેના મસ્તકને તલવારથી જુદું કર્યું,એટલે મસ્તક વિહીન થયેલું ધડ પૃથ્વી પર ગબડી પડ્યું.આ રીતે દ્રોણાચાર્યનો વિનાશ કરીને ધૃષ્ટદ્યુમ્ન મોટા હર્ષમાં આવી ગયો ને સિંહનાદો કરવા લાગ્યો.


હે રાજા,દ્રોણાચાર્યની ઉંમર પંચાશી વર્ષની હતી,તેમને કાન સુધી પળીયાં આવી ગયાં હતાં  અને તેઓ રંગે શ્યામ હતા.છતાં તે આચાર્યે તમારે માટે સોળ વર્ષના તરુણની જેમ યુદ્ધમાં ઘૂમ્યા હતા.જે વેળા ધૃષ્ટદ્યુમ્ન તેમનું મસ્તક કાપવા જતો હતો ત્યારે અર્જુને તેને કહ્યું હતું કે-'તું આચાર્યને મારીશ નહિ,પણ તેમને જીવતા જ પકડી લાવજે' શોકયુક્ત અર્જુન તેની પાછળ પણ દોડ્યો હતો.તે અને બીજા સર્વ રાજાઓ બૂમો પાડતા રહ્યા છતાં,એ ધૃષ્ટદ્યુમ્ને,દ્રોણાચાર્યને રણશય્યામાં જ મારી નાખ્યા.

ને તેમના મસ્તકને પોતાના હાથમાં લઈને તમારા મહારથી પુત્રો સામે ફેંક્યું.તમારા યોદ્ધાઓ ભયથી નાસભાગ કરવા લાગ્યા.

સૈન્યમાં ભંગાણ પડ્યું.એ સંગ્રામમાં ઘણા યોદ્ધાઓનો ઘાણ નીકળી ગયો હતો અને ઘણા ઘાયલ થયા હતા.


સર્વ રાજાઓએ દ્રોણાચાર્યના શરીરને મેળવવા માટે ઘણો ઘણો પ્રયાસ કર્યો પણ રણક્ષેત્ર મરણ પામેલા હજારો શરીરોથી ભરાઈ ગયું હતું તેથી તમને દ્રોણાચાર્યનું શરીર મળ્યું નહિ.પેલી તરફ પાંડવ યોદ્ધાઓ રણમાં વિજય કરીને ને મહાન યશ મેળવીને સિંહનાદો કરવા લાગ્યા ને શંખો ફૂંકાવા લાગ્યા હતા.ભીમસેન ને ધૃષ્ટદ્યુમ્ન તો અન્યોન્યને ભેટીને સેનાના મધ્યમાં જ નાચવા લાગ્યા હતા.ભીમે ધૃષ્ટદ્યુમ્નને કહ્યું કે-'આજના જેવો જ હું ફરીથી ત્યારે નાચીશ કે જે દિવસે કર્ણ અને દુર્યોધન આ રણમાં હણાશે' આમ પાંડવ યોદ્ધાઓ શત્રુઓનો સંહાર કરીને હર્ષિત થયા હતા ને સુખ પામ્યા હતા.(84)

અધ્યાય-192-સમાપ્ત 

દ્રોણવધ પર્વ સમાપ્ત