અધ્યાય-૧૯૧-દ્રોણાચાર્યનું અંતિમ પરાક્રમ
II संजय उवाच II तं दष्ट्वा परमोद्विग्नं शोकोपाहातचेतसम I पंचालराजस्य सुतो ध्रुष्ट्ध्युम्न समाद्रवत II १ II
સંજય બોલ્યો-દ્રોણાચાર્યને પરમ ઉદ્વેગ પામેલા ને શોકથી ખિન્ન થયેલા જોઈને,પાંચાલરાજનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન તેમની સામે ધસ્યો.તે ધૃષ્ટદ્યુમ્નને રાજા દ્રુપદે,મહાયજ્ઞમાં દેવોને હવિર્ભાગનું અર્પણ કરીને દ્રોણાચાર્યનો વિનાશ કરવા માટે પ્રદીપ્ત અગ્નિ પાસેથી મેળવ્યો હતો.તે ધૃષ્ટદ્યુમ્ને એક ઘોર ધનુષ્ય હાથમાં લઈને અગ્નિસમાન મોટી જ્વાળાઓવાળું બાણ સાંધ્યુ.તે દિવ્ય બાણ જોઈને દ્રોણાચાર્ય પોતાના શરીરનો અંત આવેલો જ માનવા લાગ્યા.છતાં તેનું વારણ કરવા માટે પોતાનો બનતો પ્રયત્ન કરવા લાગ્યા હતા,પરંતુ તેમનાં દિવ્ય અસ્ત્રો તે વેળા પ્રગટ થયાં નહિ.
દ્રોણાચાર્યને લડતાં લડતાં ચાર દિવસ ને એક રાત્રિ વીતી ગઈ હતી ને પાંચમા દિવસનો ત્રણ મુહૂર્ત જેટલો કાળ વ્યતીત થયો હતો,ત્યારે દિવ્ય અસ્ત્રોની અપ્રાપ્તિ ને પુત્રશોકથી પીડાયેલા આચાર્ય,ઋષિઓના વાક્યોથી શસ્ત્રોનો ત્યાગ કરવા ઇચ્છતા હતા અને તેથી જ પ્રથમની જેમ તેજોમય થઈને લડતા ન હતા.તો પણ તેમણે પોતાનું દિવ્ય અંગિરસ ધનુષ્ય ને બ્રહ્મદંડ સરખાં બાણો ઉઠાવીને ધૃષ્ટદ્યુમ્ન સામે લડવા માંડ્યું.ને બાણોની વર્ષા કરીને તેને ઢાંકીને તેના ધનુષ્યને તોડી પાડ્યું ને તેના સારથિને ઢોળી પાડ્યો.ધૃષ્ટદ્યુમ્ને સામે નવું ધનુષ્ય લઇ એક બાણથી આચાર્યની છાતીને વીંધી નાખી.
આચાર્ય વીંધાયા છતાં અડગ ઉભા રહ્યા ને એક ભલ્લ બાણ મૂકી ધૃષ્ટદ્યુમ્નનાં ધનુષ્યને ફરીથી કાપી નાખ્યું,વળી,ધૃષ્ટદ્યુમ્ને જે જે ધનુષ્ય,બાણ-આદિ હાથમાં લીધાં તેને પણ આચાર્યે કાપી નાખ્યાં હવે તેની પાસે ગદા ને તલવાર જ બાકી રહી હતી.પછી,ધૃષ્ટદ્યુમ્ને પોતાના કબૂતરી રંગના ઘોડાઓને આચાર્યના લાલ રંગના ઘોડાઓ સામે ભરાવી દીધા.પણ દ્રોણાચાર્યે બાણોથી રથના બંધને કાપી નાખ્યા.આમ પોતાના ધનુષ્ય,સારથીનો વિનાશ થયો ત્યારે તે વીર પાંચાલે ગદા ફેંકી.જેનો આચાર્યે નાશ કરી નાખ્યો.હવે ધૃષ્ટદ્યુમ્ને પોતાની સો ફુદડીઓવાળી ચળકતી તલવાર હાથમાં લીધી.ને દ્રોણાચાર્યને મારવાનો સંકલ્પ કરીને દ્રોણાચાર્યની રથની ધૂંસરીના બંધ પર થઈને તેના મધ્યભાગમાં પહોંચી ગયો.
ધૃષ્ટદ્યુમ્નને મારવાનો આ લાગ આચાર્ય જોઈ શક્યા નહિ તે એક અદભૂત જેવું હતું.પણ તે સમયે આચાર્યે એક રથશક્તિ ફેંકીને ધૃષ્ટદ્યુમ્નના ઘોડાઓને મારી નાખીને પોતાના ઘોડાઓને બચાવી લીધા.ધૃષ્ટદ્યુમ્ન તે વખતે રથ પરથી નીચે કૂદી પડ્યો ને તે વખતે તેણે ખડગ યુદ્ધના એકવીસ પ્રકારો કરી દેખાડ્યા હતા.(ભ્રાંત,ઉપભ્રાંત,આવિદ્વ,આલુપ્ત,પ્રસૃત,સૃત,પરિવૃત્ત,સંપાત,
સમુદીર્ણ,ભારત,કૌશિક,સાત્વત-આદિ એકવીસ પ્રકારો છે) પણ,આચાર્યે તે તલવારના તથા ઢાલના ટુકડા કરી નાખ્યા ને
વૈતસ્તીક (એક વેંત લંબાઈના)બાણને (કે જે તદ્દન નજીક આવેલા શત્રુઓ પર પ્રહાર કરવા માટે ઉપયોગી છે) છોડ્યું ત્યારે સાત્યકિએ ત્યાં ઝડપથી આવીને તે બાણને વચમાંથી જ કાપી નાખી ધૃષ્ટદ્યુમ્નને છોડાવ્યો.શ્રીકૃષ્ણ,અર્જુન અને સર્વ યોદ્ધાઓ સાત્યકિના એ કર્મની પ્રશંસા કરવા લાગ્યા.(53)
અધ્યાય-192-સમાપ્ત
