Page list

▼

Sep 25, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1231

 

અધ્યાય-૨૭-સંશપ્તકોનો પરાજય 


II संजय उवाच II श्वेताश्वोश्वोथ महाराज व्यधमत्तावकं बलम् I यथा वायु: समासाद्य तुलराशिं समंततः II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,પછી શ્વેત ઘોડાઓવાળો અર્જુન,જેમ,વાયુ રૂના ઢગલાને ચોબાજુથી વિખેરું નાખે,તેમ,તમારા સૈન્યમાં આવીને તેનો નાશ કરવા લાગ્યો.એટલે ત્રિગર્તો,શિબીઓ,કૌરવો,સંશપ્તકો તથા નારાયણ યોદ્ધાઓનાં સૈન્યો તેની સામે ધસી આવ્યાં.સત્યસેન,ચંદ્રદેવ,મિત્રદેવ,શત્રુંજય,સૌશ્રુતિ,ચિત્રસેન,મિત્રવર્મા તથા ત્રિગર્તરાજ ને તેના ભાઈઓ ને પુત્રો અર્જુન સામે આવી સંખ્યાબંધ બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા.આ રીતે અનેક યોદ્ધાઓ એકઠા થઈને અર્જુનને વીંધવા લાગ્યા ત્યારે અર્જુને પણ તે સર્વને સામે વીંધવા માંડ્યા.

તીક્ષ્ણ બાણો વડે,અર્જુને શત્રુંજય રાજાને રણમાં રોળી નાખ્યો.સૌશ્રુતિના મસ્તકને ધડ પરથી જુદું પાડ્યું ને ચંદ્રદેવને પણ યમનિવાસમાં મોકલી દીધો.વળી,બીજા મહારથીઓને પણ તેણે આગળ વધતા અટકાવ્યા.એ સમયે,ક્રોધાયમાન સત્યસેને,શ્રીકૃષ્ણ પર એક મોટું તોમરશસ્ત્ર ફેંક્યું કે જેનાથી માધવનો હાથ એટલો બધો વીંધાઈ ગયો કે તેમના હાથમાંથી ઘોડાઓની લગામ અને ચાબુક પડી ગયાં.શ્રીકૃષ્ણને ઘાયલ થયેલા જોઈને અર્જુનને તીવ્ર ક્રોધ વ્યાપી ગયો અને તેણે તીવ્ર બાણ મૂકીને તે સત્યસેનના મસ્તકને કાપી નાખ્યું.પછી તેણે મિત્રવર્માને બાણોનો માર માર્યો ને તેના સારથિને ઢોળી પાડ્યો ને સેંકડો ને હજારો સંશપ્તક યોદ્ધાઓનો સંહાર કરવા લાગ્યો.


પછી,અર્જુને મિત્રસેનના મસ્તકને કાપી,ત્રિગર્તરાજ સુશર્માની હાંસડીના ભાગમાં પ્રહાર કર્યો.ત્યારે સર્વ સંશપ્તક યોદ્ધાઓ બધા ભેગા મળીને અર્જુનને ઘેરીને તેને પીડવા લાગ્યા.ત્યારે અર્જુને ઇંદ્રાસ્ત્ર પ્રગટ કર્યું,કે જેમાંથી હજારો બાણો પ્રગટ થવા લાગ્યાં.ને યોદ્ધાઓ,ઘોડાઓ,અને રથનો કચ્ચરઘાણ નીકળી ગયો.લોહીના કાદવથી ભરાઈ ગયેલી રણભૂમિમાં અર્જુનના રથનાં પૈડાં તે કાદવમાં ખૂંચી જતાં હતાં ને મહામહેનતે ઘોડાઓ તે રથને ખેંચી જતા હતા.હે ભારત,અર્જુને જયારે તે સૈન્યને એ પ્રમાણે મારવા માંડ્યું ત્યારે તે સૈન્ય રણમાંથી લગભગ જતું જ રહ્યું હતું.(42)

અધ્યાય-27-સમાપ્ત