અધ્યાય-૨૬-ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડીની હાર
II संजय उवाच II ध्रुष्ट्ध्युम्नं कृपो राजन वारयामास संयुगे I यथा द्रष्ट्वा वने सिंहं शरभो वारयेयुधि II १ II
સંજય બોલ્યો-હે રાજન,જેમ (આઠ પગવાળું) શરભ નામનું પ્રાણી,વનમાં કોઈ સિંહને અટકાવે તેમ,કૃપાચાર્યે,રણમાં આગળ વધતા ધૃષ્ટદ્યુમ્નને અટકાવ્યો હતો.તે જોઈને સર્વ યોદ્ધાઓ માંહેમાંહે વાતો કરવા લાગ્યા કે 'આજે આ કૃપાચાર્ય,દ્રોણાચાર્ય જેવું જ પરાક્રમ કરશે કે શું? આજે શું ધૃષ્ટદ્યુમ્ન કુશળ રહેશે?' ત્યારે કૃપાચાર્યે ક્રોધથી મોટો ફૂંફાડો માર્યો ને ધૃષ્ટદ્યુમ્નના સર્વ મર્મસ્થાનોમાં પ્રહાર કરીને તેને એવો મારવા માંડ્યો કે તે મોટા ગભરાટમાં પડી ગયો ને 'શું કરવું?' તે સમજી શક્યો નહિ.
ધૃષ્ટદ્યુમ્નને તેવી સ્થિતિમાં જોઈને સારથિ તેને કહેવા લાગ્યો કે-'તમારા પર આવું સંકટ કદી મેં જોયું નથી.તમે કહેતા હો તો આપણા રથને પાછો વાળી લઉં કેમકે જેમણે તમારા પરાક્રમનો નાશ કર્યો છે તે બ્રાહ્મણ તમારા હાથે કદી પણ મરણ પામે તેમ નથી,માટે મને તો લાગે છે કે આ સમયે રણમાંથી પાછા વાળવું જ યોગ્ય છે' સારથિનાં વચન સાંભળીને ધૃષ્ટદ્યુમ્ને તેને કહ્યું કે-'હે સારથિ,આજે મારુ મન મૂંઝાય છે,શરીરમાં કંપારી છૂટે છે માટે આ બ્રાહ્મણને પડતો મૂકી તું અર્જુન અને ભીમસેન જ્યાં હોય ત્યાં જ આપણા રથને હંકારી જા,કેમ કે તેમાં જ આજે મારુ કલ્યાણ છે એમ મને નિશ્ચય જણાય છે' ધૃષ્ટદ્યુમ્નના આમ કહેવાથી સારથિ તેને ત્યાંથી દૂર કરીને જે સ્થળે ભીમસેન યુદ્ધ કરી રહ્યો હતો ત્યાં રથને લઇ જવા લાગ્યો.તેને રણમાંથી પલાયન થતો જોઈને કૃપાચાર્ય તેની પાછળ પડ્યા અને ધૃષ્ટદ્યુમ્નને ત્રાસ પમાડવા લાગ્યા.
એ જ સમયે કૃતવર્મા,શિખંડીને અટકાવતો હતો.શિખંડીએ બાણોથી તેની હાંસડીના પ્રદેશમાં ઘા કર્યો,ત્યારે કોપેલા કૃતવર્માએ સામે તેને અત્યંત વીંધીને તેના ધનુષ્યને કાપી નાખ્યું.શિખંડીએ તરત જ નવું ધનુષ્ય હાથમાં લઈને નેવું બાણો મૂકી તેના પર પ્રહાર કરીને તેના ધનુષ્યને કાપી નાખ્યું,શિખંડીના બાણોથી અત્યંત ઘાયેલ થયેલા કૃતવર્માએ બીજું ધનુષ્ય હાથમાં લઈને શિખંડી પર અનેક બાણો છોડીને તેને પણ અત્યંત વીંધી નાખ્યો.અન્યોન્યનો વધ કરવાનો ભગીરથ યત્ન કરતા તે બંને જણા લોહીલુહાણ થઇ ગયા હતા.છતાં અન્યોન્ય પર પ્રહાર કરતા જ જતા હતા.
છેવટે યોદ્ધાઓમાં શ્રેષ્ઠ એવા ભોજ કૃતવર્માએ એક ઘોર બાણ શિખંડી પર ફેંક્યું કે જે બાણના પ્રહારથી શિખંડીને મૂર્છા આવી ગઈ અને અત્યંત દુઃખી થઈને તેણે એકદમ ધ્વજદંડને પકડી લીધો.તેનો સારથિ તેને તરત જ રણમાંથી દૂર લઇ ગયો.કૃતવર્માના બાણ પ્રહારથી શિખંડીને ઘણો સંતાપ થતો હતો ને તે વારંવાર નિસાસા નાખ્યા કરતો હતો.દ્રુપદરાજનો તે શૂરો પુત્ર શિખંડી આમ જયારે પરાજય પામ્યો ત્યારે પાંડવ સૈન્યમાં,નાસભાગ થવા લાગી હતી (38)
અધ્યાય-26-સમાપ્ત
