Sep 23, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1229

અધ્યાય-૨૫-સુતસોમ અને શકુનિનું યુદ્ધ 


II संजय उवाच II युयुत्सुं तव पुत्रस्य द्रावयंतं बलं महत् I उलूको न्यपतत्तुर्ण तिष्ठ तिष्ठेति चाब्रवीत II १ II

સંજય બોલ્યો-તેવામાં,યુયુત્સુ તમારા પુત્રના મહાસૈન્યને નસાડી મુકવા લાગ્યો એટલે રાજા ઉલૂક (શકુનિનો પુત્ર)એકદમ તેની સામે ધસી ગયો.એટલે તુરત જ યુયુત્સુએ તીક્ષ્ણ બાણથી તેના પર પ્રહાર કર્યો.સામે ઉલૂકે,યુયુત્સુના ધનુષ્યને કાપી નાખ્યું.ત્યારે યુયુત્સુએ તરત જ નવું ધનુષ્ય લઈને ઉલૂકને ને એના સારથિને અત્યંત વીંધી નાખ્યા.બંને વચ્ચે અન્યોન્ય તુમુલ સંગ્રામ થઇ રહ્યો.ઉલુકે,યુયુત્સુના ધ્વજને તોડી પડ્યો તો સામે ક્રોધિત યુયુત્સુએ તેની છાતીમાં પાંચ બાણ વડે પ્રહાર કર્યો.

હવે,ઉલૂકે,યુયુત્સુના સારથિ,ઘોડાઓને મારી નાખીને યુયુત્સુને અત્યંત વીંધ્યો,ત્યારે તે યુયુત્સુ બીજા રથમાં બેસી ત્યાંથી નાસી ગયો.આમ તેનો પરાજય કરીને ઉલૂક પાંચાલો ને સૃન્જયો સામે ધસી ગયો.

હે રાજન,એ વેળા,તમારા પુત્ર શ્રુતકર્માએ શતાનીકને ઘોડાઓ,સારથિ અને રથ વિનાનો કરી દીધો હતો.ત્યારે શતાનીકે ગભરાયા વિના તમારા પુત્ર સામે એક ગદા ફેંકી,કે જે ગદાએ શ્રુતકર્માના રથ,ઘોડાઓ ને સારથિના ભુક્કા કાઢી નાખ્યા.બંને વીરો આમ જયારે રથ વિનાના થઇ ગયા ત્યારે શ્રુતકર્મા વીવિંશુના રથમાં ને શતાનીક પ્રતિવિન્દ્યના રથમાં ચઢી ગયા.એ સમયે બીજી તરફ સુતસોમ અને શકુનિનું યુદ્ધ ચાલતું હતું.શકુનિ તીક્ષ્ણ બાણોથી સુતસોમને વીંધતો હતો પણ તેને ડગાવી શક્યો નહોતો.

સામે સુતસોમે,તેને અનેક હજારો બાણ છોડીને છાઈ દીધો. 


હવે શકુનિએ કેટલાંએક બાણો છોડીને સુતસોમના ઘોડાઓ,સારથિને મારી નાખ્યા.ત્યારે સુતસોમ રથમાંથી ઉતરીને રથમાં બેઠેલા શકુનિ સામે બાણો છોડીને યુદ્ધ કરી રહ્યો.તેના અદભુત પરાક્રમને યોદ્ધાઓ જોઈ જ રહ્યા હતા.ત્યારે શકુનિએ તીક્ષ્ણ બાણો મૂકી સુતસોમના ધનુષ્યને અને તેના સર્વ બાણભરેલા ભાથાઓ કાપી નાખ્યા.હવે સુતસોમે હાથમાં તલવાર લઈને પોતાની તરફ આવતાં બાણોને કાપવા લાગ્યો.શકુનિએ અતિ તીક્ષ્ણ ક્ષુરપ્ર બાણ છોડીને તેની તલવારને કાપી નાખી.એટલે સુતસોમ,છ પગલાં કૂદ્યો ને હાથમાં રહેલી તે તલવારના ટુકડાને શકુનિ સામે ફેંક્યો કે જેણે શકુનિના ધનુષ્યની દોરી કાપી નાખી.

પછી,સુતસોમ,શ્રુતકીર્તિના રથમાં ચઢી બેઠો અને શકુની બીજું ઘોર ધનુષ્ય લઈને પાંડવ સૈન્યનો સંહાર કરવા લાગ્યો.(43)

અધ્યાય-25-સમાપ્ત