અધ્યાય-૨૪-પાંડવ સૈન્ય પર કર્ણનો હલ્લો
II संजय उवाच II नकुलं रभसे युद्धे द्रावयंतं वरुथिनीं I कर्णो वैकर्तनो राजन वारयामाम वै रूपा II १ II
સંજય બોલ્યો-હે રાજા,એ યુદ્ધમાં નકુલ મોટા આવેશમાં આવી જઈને સેનાને હાંકી કાઢતો હતો,પણ કર્ણે તેને આગળ વધતો અટકાવ્યો.ત્યારે તે કર્ણને કહેવા લાગ્યો કે-'અહો આજે દેવોએ કૃપા કરીને મને તારી નજર આગળ મુક્યો છે.અરે ઓ પાપી,જોઈ લે તારી આગળ હું ખડો થયો છું.ખરેખર તું જ સર્વ અનર્થોનું મૂળ છે તથા અમારા વેરનું ને કલહનું આદિ કારણ છે,કેવળ તારા કારણે જ માંહેમાંહે અથડાઈ પાડીને કૌરવોનો સંહાર થઇ ગયો છે.માટે આજે હું રણમાં તારો સંહાર કરીને કૃતાર્થ થઈશ અને સંતાપરહિત થઈશ'
કર્ણ બોલ્યો-'તારા જેવા રાજપુત્રે આમ કહેવું યોગ્ય જ છે,ને એક ધનુર્ધર તરીકે તે પ્રમાણે તારે કરી દેખાડવું જોઈએ.રણમાં પરાક્રમ કર્યા પછી જ તું તારી પ્રશંસા કર.પ્રથમ મારી સાથે યુદ્ધ કર,હું તારો ગર્વ ઉતારી નાખીશ' આમ કહી કર્ણે તત્કાળ નકુલના પર તોંતેર બાણોનો પ્રહાર કરીને તેને વીંધી નાખ્યો.સામે નકુલે પણ તેને એંશી બાણો વડે વીંધ્યો.બંને વચ્ચે તુમુલ યુદ્ધ થયું.અન્યોન્ય તેઓ એકબીજાના ધનુષ્યને કાપતા હતા.ને નવાં ધનુષ્ય લઈને અસંખ્ય બાણો વડે એકબીજાને છાઈ દેતા હતા.સેંકડોની સંખ્યામાં છૂટી રહેલાં બાણો વડે આકાશ એટલું બધું ઢંકાઈ ગયું હતું કે જાણે તીડોનાં ટોળાં ઉડી રહ્યાં હોય તેવું આકાશ દેખાતું હતું.બાણોમય ઘરમાં પેસી ગયેલા તે બંનેને કોઈ જોઈ શકતું નહોતું.
ક્રોધિત કર્ણે હવે,નકુલના ધનુષ્યને કાપી નાખ્યું,તેના સારથિને રથમાંથી ગબડાવી પાડ્યો ને તેના ચારેય ઘોડાઓને મારી નાખ્યા.વળી,બીજા બાણોથી તેણે નકુલના સર્વ અસ્ત્રોનો નાશ કરી નાખ્યો.એટલે તે એકદમ રથમાંથી ઉતરાઇને હાથમાં પરિઘ લઈને યુદ્ધ કરવા ઉભો રહ્યો.પણ ઉગામેલાં તે પરિઘને પણ કર્ણે તીક્ષ્ણ બાણો વડે કાપી નાખ્યું.નકુલ રણમાંથી નાસતો હતો ત્યારે કર્ણે તેના કંઠમાં પોતાનું ધનુષ્ય પરોવી દીધું ને તેને કહેવા લાગ્યો કે-'હે નકુલ,તું પ્રથમ વ્યર્થ બડાઈનાં જ વચનો બોલ્યો હતો,હવે તું તારા જેવા જ યોદ્ધાઓ સાથે યુદ્ધ કરજે બળવાન યોદ્ધાઓ સાથે નહિ.હવે શરમાઈશ નહિ,તું ઘેર ચાલ્યો જા કે અર્જુન ને કૃષ્ણ પાસે ચાલ્યો જા'
આમ કહી કર્ણે તેને છોડી દીધો.જો કે નકુલને મારવાની તે તક હતી પણ કર્ણે,કુંતીને અપાયેલા વચનનું સ્મરણ કરીને તેને જીવતો જ છોડી મુક્યો હતો.કર્ણના હાથમાંથી છૂટીને નકુલ શરમાતો શરમાતો યુધિષ્ઠિરના રથ પર ચઢી ગયો.પરાજય પામેલો તે દુઃખથી તપી ગયો હતો ને વારંવાર નિશ્વાસ નાખ્યા કરતો હતો.હવે કર્ણ પણ ઉતાવળો પાંચાલ યોદ્ધાઓ તરફ ધસ્યો.ને ચક્રની જેમ રણમાં ઘૂમીને રણમાં મોટો સંહાર કરી રહ્યો.અનેક પાંચાલ યોદ્ધાઓના મરણ થયાં હતાં.રણભૂમિ અસંખ્ય ઘોડાઓ,
હાથીઓ,મનુષ્યોના મૃતદેહોથી ઉભરાઈ ગઈ હતી.મરણ પામતાં બચેલા પાંચાલોના સૈન્યમાં ભંગાણ પડ્યું અને નાસભાગ થઇ રહી હતી.ત્યારે કર્ણ પાછળથી તેમના પર બાણોની વર્ષ કરતો રહ્યો હતો.(78)
અધ્યાય-24-સમાપ્ત
