અધ્યાય-૨૩-સહદેવ અને દુઃશાસનનું યુદ્ધ
II संजय उवाच II सहदेवं तथा कृद्वं दहंतं तव वाहिनीं I दुःशासनो महाराज भ्राता भ्रातरमभ्ययात II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,ક્રોધાયમાન થયેલો સહદેવ તમારી સેનાને જયારે બાળી નાખતો હતો ત્યારે તમારો પુત્ર દુઃશાસન તેના પર ચઢી ગયો.આમ ભાઈએ ભાઈ પર હુમલો કર્યો.તેમને સામસામે ભેટેલા જોઈને ત્યાં ઉભેલા સર્વ મહારથીઓ મોટામોટા સિંહનાદો કરવા લાગ્યા.તમારા પુત્રે ત્રણ બાણો વડે સહદેવને વક્ષઃસ્થળમાં પ્રહાર કર્યો,એટલે સામે સહદેવે તેને એક નારાચ બાણથી વીંધીને બીજાં સીતેર બાણોથી પ્રહાર કરીને તેના સારથિને પણ ઘાયલ કર્યો.
પછી,દુઃશાસને સહદેવના ધનુષ્યને કાપી નાખી તેના બંને બાહુઓ ને છાતી પર પ્રહાર કર્યો.ત્યારે સહદેવે એક તલવાર હાથમાં લઈને તમારા પુત્રના રથ તરફ ફેંકી,કે જે તલવારે દુઃશાસનના ધનુષ્યના ટુકડા કરી નાખ્યા.સહદેવે બીજું ધનુષ્ય હાથમાં લઈને કાળ સમાન એક બાણ ફેંક્યું.તે બાણને આવતું જોઈને દુઃશાસને હાથમાં તલવાર લઈને તે બાણને કાપી નાખી ને તે તલવારને સહદેવ સામે ફેંકી બીજું ધનુષ્ય હાથમાં ઉઠાવી લીધું.પણ તે દુઃશાસનની તલવારના,સહદેવે બાણ ફેંકી ટુકડા કરી નાખ્યા.
તમારા પુત્રે હવે અસંખ્ય બાણો સહદેવ સામે ફેંક્યાં કે જે સર્વનું સહદેવે વારણ કરી નાખી સામે અસંખ્ય બાણો ફેંક્યાં.દુઃશાસને પણ તે સર્વ બાણોનું વારણ કરીને મોટા શબ્દથી ગર્જના કરી મૂકી.ક્રોધિત થયેલા સહદેવે સાક્ષાત મૃત્યુ સરખું ઘોર બાણ તોમર પુત્ર સામે ફેંક્યું કે જે વેગવાન શસ્ત્રે દુઃશાસનના કવચને તોડી પાડ્યું,ને તમારો પુત્ર મૂર્છામાં પડી ગયો.તેને મૂર્છિત થયેલો જોઈને તેનો સારથિ રથને ઉતાવળો રણમાંથી બહાર લઇ ગયો.એ પ્રમાણે દુઃશાસનનો પરાજય કરીને સહદેવે દુર્યોધનના સૈન્ય તરફ દ્રષ્ટિ કરી અને ત્યાં તે સૈન્યનો સંહાર કરવા મચી ગયો.ને એણે ઘણી કૌરવી સેનાનો નાશ કરી નાખ્યો હતો (22)
અધ્યાય-23-સમાપ્ત
