અધ્યાય-૨૨-હાથીસૈન્યનો સંહાર
II संजय उवाच II हस्तिभिस्तु महामात्रास्तव पुत्रेण चोदिताः I ध्रुष्ट्ध्युम्नं जिधांसतः कृद्वाः पार्षतमभ्ययुः II १ II
સંજય બોલ્યો-પછી,તમારા પુત્રની આજ્ઞા થતાં,ક્રોધાયમાન થયેલા હાથીસવારો,ધૃષ્ટદ્યુમ્નને મારી નાખવા માટે ધસી ગયા.પૂર્વ દેશના,દક્ષિણ દેશના,અંગ,વંગ,પુન્ડ્ર,માગધ,તામ્રલિપ્તક,મેકલ,કોસલ,મદ્ર,દશાર્ણ,નિષધ અને કલિંગના ઉત્તમોત્તમ હાથીસવારો,ધૃષ્ટદ્યુમ્ન તરફ ધસી ગયા ને તેની પર બાણો,તોમર અને નારાચ આદિ શસ્ત્રોનો વરસાદ કરવા લાગ્યા.ત્યારે સામે ધૃષ્ટદ્યુમ્ન તે સર્વના સામે બાણો ફેંકી તેમને વીંધતો હતો.પરંતુ આખરે જેમ,સૂર્ય વાદળોથી ઢંકાઈ જાય છે તેમ તે હાથીઓથી ઢંકાઈ ગયો.તે વખતે પાંડવો ને પાંચાલો મોટી ગર્જનાઓ કરતા તેની મદદે આવી પહોંચ્યા.
નકુલ,સહદેવ,દ્રૌપદીના પુત્રો,પ્રભદ્રકો.સાત્યકિ,શિખંડી ને ચેકિતાન-એ સર્વ યોદ્ધાઓ ચોતરફથી હાથીઓ પર શસ્ત્રવૃષ્ટિ કરવા લાગ્યા.ઘવાયેલા હાથીઓ ચોતરફ દોડીને વચ્ચે જે આવે તેને છૂંદી નાખવા લાગ્યા.પછી,સાત્યકિએ રણના મોખરામાં ઉભેલા અંગરાજના હાથીનાં મર્મસ્થાનોને વીંધીને તેને પાડી દીધો.ને બીજું બાણ છોડીને અંગરાજને મારી નાખ્યો.તેવામાં પુન્ડ્રરાજાનો પર્વત સરખો હાથી ત્યાં ધસી આવ્યો પણ સહદેવે તેને મારી નાખ્યો.નકુલે મ્લેચ્છરાજના અંગકુમારના હાથીને ને તેને પણ મારી નાખ્યો.હસ્તિશિક્ષામાં કુશળ એવો અંગકુમાર પણ મરણ પામ્યો ત્યારે અંગસેનાના સર્વ હાથીસવારો કોપી ઉઠ્યા.ને બધાએ એકસાથે મળીને નકુલ સામે હુમલો કર્યો.
નકુલને મારી નાખવાની ઈચ્છાથી મેકલો,ઉત્કલો,કલિંગો,નિષધો-આદિ દેશના હાથીસવારો પણ તેની સામે ધસ્યા ને તેને ઢાંકી દીધો.એટલે આવેશમાં આવી ગયેલા પાંડવો,પાંચાલો અને સોમકો તેની રક્ષા કરવા આવી પહોંચ્યા.ને તે સર્વ રથીયોદ્ધાઓ ને હાથીઓનું તુમુલ યુદ્ધ થવા લાગ્યું.રથીયોદ્ધાઓએ તોમરો ને બાણોની વૃષ્ટિ કરીને અસંખ્ય હાથીઓનો ઘાણ વાળી દીધો.સહદેવે પાણીદાર બાણો મૂકીને તે હાથીસવારોનાં આઠ મોટામોટા હાથીઓને તેના સવારો સહીત મારી નાખ્યા.ને નકુલે પણ નારાચ બાણો મૂકીને ઘણા હાથીઓનો ઘાણ વાળી નાખ્યો.
ધૃષ્ટદ્યુમ્ન,સાત્યકિ,શિખંડી -આદિ બીજા યોદ્ધાઓએ પણ બાણોની વૃષ્ટિ કરીને મોટા પર્વત સમાન હાથીઓનો વિનાશ કરવા માંડ્યો હતો.ત્યારે જેમ,વજ્રની વૃષ્ટિથી પર્વતોનો વિનાશ થઇ જાય તેમ તે ઘણા હાથીઓનો વિનાશ થઇ ગયો ને તે હાથીઓ ધરતી પર ઢળી પડ્યા.ત્યારે હે રાજન,તે વિનાશ જોઈને તમારી સેના નાસભાગ કરવા લાગી.એમ યુધિષ્ઠિરના તે મહારથીઓએ તે હાથી સેનાને ચારે બાજુથી ડહોળી નાખીને,ખળભરાવી મૂકીને ને તે સેનાને નસાડીને
પછી તેઓએ પુનઃ કર્ણના સૈન્ય સામે ધસ્યા હતા.(30)
અધ્યાય-22-સમાપ્ત
