અધ્યાય-૨૧-કર્ણ અને પાંડવોની ભેટ
II धृतराष्ट्र उवाच II पांड्ये हते किमकरोदर्जुनो युधि संजय I एकविरेण कर्णेन द्रावितेषु परेषु च II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-'હે સંજય,એ યુદ્ધમાં પાંડ્યરાજ માર્યો ગયો ને બીજી તરફ એકલવીર કર્ણ શત્રુઓને હાંકી કાઢવા મંડ્યો ત્યારે અર્જુને શું કર્યું હતું?તે બળવાન છે ને સર્વ ભૂતોમાં અજિત રહેવાની,મહાત્મા શંકરે તેના પર કૃપા કરી છે.તે અર્જુન તરફથી મને તીવ્ર મહાભયની શંકા રહ્યા કરે છે,તો તેણે રણમાં જે કર્મ કર્યું હોય તે મને કહે.'
સંજય બોલ્યો-હે રાજન,જયારે પાંડ્યરાજ યુદ્ધમાં મરણ પામ્યો ત્યારે શ્રીકૃષ્ણ અર્જુનને કહેવા લાગ્યા-'હે અર્જુન,આ સર્વ સૈન્યમાં મને યુધિષ્ઠિર જોવામાં આવતા નથી.સર્વ પાંડવો પણ ઘણે દૂર નીકળી ગયા હોય તેમ લાગે છે.સર્વ પાંડવ યોદ્ધાઓ પાછા ફર્યા છે તેથી શત્રુઓના સૈન્યમાં મોટું ભંગાણ પડેલું પણ દેખાય છે.કર્ણે ઘણા સૃન્જય યોદ્ધાઓને મારી નાખ્યા છે ને તેણે ઘણા ઘોડાઓ,રથો અને હાથીઓનો મહાન સંહાર કરી નાખ્યો છે.' વાસુદેવના વૃતાન્તથી ને પોતાના ભાઈઓ પર આવી પડેલા મહા સંકટને સાંભળીને અર્જુને શ્રીકૃષ્ણને,રથ પોતાના ભાઈઓ તરફ જલ્દી હંકારવાનું કહ્યું.
ત્યાં રણમાં ભીમસેન,કર્ણ અને કૌરવ સૈન્ય સામે આવી ગયો હતો.ભયંકર તીવ્ર સંગ્રામ થયો હતો,યોદ્ધાઓ પોતપોતાના આયુધો હાથમાં લઈને પરસ્પરને મારી નાખવાની ઈચ્છાથી એકબીજા પર ચઢી ગયા હતા.તે વેળા અન્યોન્ય ગર્જનાઓ કરતા તે યોદ્ધાઓનો તુમુલ શબ્દ આકાશમાં ગાજતો હતો.ત્યારે અધિરથનો વીરપુત્ર કર્ણ બાણો વડે અનેક શત્રુઓનો ઘાણ કાઢી રહ્યો હતો.તેણે પાંચાલોના પાંચ મુખ્ય મહારથીઓને મારી નાખ્યા હતા ને બીજા અનેક યોદ્ધાઓને,ઘોડા,સારથિ સાથે યમલોકમાં મોકલી દીધા હતા.ત્યારે પાંડવોના મહાવીર્યવાન મુખ્ય યોદ્ધાઓ,ઝડપથી અસ્ત્રો ફેંકતા આવીને કર્ણને ઘેરી વળ્યા.
કર્ણ તે સર્વની સામે તીક્ષ્ણ બાણો મૂકીને ને તેની સામે આવતા સર્વ બાણોને કાપી નાખી મોટો સંહાર કરી રહ્યો હતો.જેમ,સિંહ મૃગોને મારી નાખે તેમ કર્ણ,પાંડવ,સૃન્જય અને પાંચાલ યોદ્ધાઓ તેની સામે આવતા હતા તેમને મારી નાખતો હતો.એ પછી,ધૃષ્ટદ્યુમ્ન,દ્રૌપદીના પુત્રો,નકુલ,સહદેવ,અને સાત્યકિ-એ સર્વ યોદ્ધાઓએ એકત્ર થઈને કર્ણ સામે ચડાઈ કરી હતી.
તે વખતે બીજા ઘણા કૌરવ અને પાંડવ સૈન્યના યોદ્ધાઓ પરસ્પર પ્રહાર કરીને અન્યોન્યને ફૂટી નાખતા હતા.રણભૂમિ પર મહાન રક્તપાત થતો હતો.હજારો રથીઓએ હજારો રથીઓને મારી નાખ્યા,હજારો હાથીઓએ હજારો હાથીઓને,હજારો ઘોડેસ્વારોએ હજારો ઘોડેસ્વારોને અને હજારો પાળાઓએ હજારો પાળાઓનો રણમાં રોળી નાખ્યા હતા.હે રાજન,
હાથીઓ,ઘોડાઓ તથા પુરુષોના મુખો ત્યાં રણભૂમિ પર પડ્યાં હતાં ને જોયાં ન જોવાય તેવાં ભયંકર થઇ પડ્યાં હતાં(40)
અધ્યાય-21-સમાપ્ત
